Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

દિલ્હી-મહારાષ્ટ્ર-બોટાદથી ઘર છોડી રાજકોટ પહોંચી ગયેલા બાળકોનું વાલી સાથે મિલન કરાવતું સમાજ સુરક્ષા ખાતુ અને જીલ્લા વહિવટી તંત્ર

રાજકોટઃ અલગ અલગ કારણોસર ઘરેથી નીકળી ગયેલા ચાર બાળકોનું તેના વાલીઓ સાથે ચિલ્ડ્રન હોમ ફોર બોયઝ-સમાજ સુરક્ષા ખાતુ અને જીલ્લા વહિવટી તંત્રએ મિલન કરાવ્યું છે. કલેકટરશ્રી રેમ્યા મોહન અને જીલ્લા સમાજ સુરક્ષા અધિકારી એમ. એન. ગોસ્વામી દ્વારા મળી આવેલા બાળકોનું ઝડપથી તેના વાલી સાથે મિલન કરાવવા સુચના અપાઇ હોઇ બાળ સુરક્ષા એકમ અને ચિલ્ડ્રન હોમ ફોર બોયઝના સ્ટાફે તપાસ શરૂ કરી હતી. રેલ્વે ચાઇલ્ડ લાઇન અને રેલ્વે પોલીસ દ્વારા બાળ સંભાળ ગૃહ રાજકોટ ખાતે રખડતાં ભટકતા  બાળકોને કાળજી અને રક્ષણ હેઠળ રાખવામાં આવ્યા હતાં. આ બાળકોના વાલીઓને શોધી કાઢવામાં આવ્યા છે. જેમાં બે બાળકો મુળ નેપાળના છે. એક બાળક દિલ્હી અને એક બોટાદનું છે. આ પૈકી દિલ્હીનો ટાબરીયો સલમાન ત્રણ મહિના પહેલા ઘરેથી ભાગીને આવી ગયો હતો. જ્યારે બોટાદનો વિક્રમ સાત દિવસ પહેલા નીકળી ગયો હતો. આ ઉપરાંત હાલ મહારાષ્ટ્રના ધાનુમાં રહેતાં મુળ નેપાળના વિશાલ અને હરેશ વાલીએ ઠપકો આપતાં ટ્રેન મારફત રાજકોટ આવી ગયા હતાં. રાજકોટ રેલ્વે ચાઇલ્ડ લાઇન ૧૦૯૮ તથા રેલ્વે પોલીસે  બાળકોની સંભાળી વ્યવસ્થા કરી હતી. બાળકોનું કાઉન્સેલીંગ કરી તેના વાલીઓનો સંપર્ક કરાયો હતો અને આજે બાળકોને સુપરત કરાયા હતાં. આ કામગીરી એમ. એન. ગોસ્વામી, સીડબલ્યુસીના ચેરમેન રક્ષાબેન બોળીયાની રાહબરીમાં બાળ સુરક્ષા એકમ અધિકારી મિત્સુબેન વ્યાસ, પંકજભાઇ દુધરેજીયા, જે. જે. રાજાણી, પી. બી. દેસાણી અને જીજ્ઞેશભાઇ રત્નોતર દ્વારા કરવામાં આવી હતી.

(4:23 pm IST)