Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

વીર સાવરકરજીએ કરેલું ત્યાગ, સમર્પણ અને તપસ્યાનું ઋણ ચૂકવી શકાય તેમ નથી

મહાન ક્રાંતિકારી સપૂત વીર સાવરકરજીની જન્મજયંતિ નિમિતે પુષ્પાંજલિ- વિરાંજલી પાઠવતા રાજુભાઈ ધ્રુવ

રાજકોટઃ મા ભારતીનાં વીર સપૂત, પ્રખર રાષ્ટ્રવાદી અને આઝાદીનાં મહાન લડવૈયા વિનાયક દામોદર સાવરકરની જન્મજયંતિ  નિમિત્તે ભાજપ પ્રવકતા અને પંડિત દિનદયાલ ઉપાધ્યાય માનવ વિકાસ ફાઉન્ડેશનના સંયોજક રાજુભાઈ ધ્રુવે સાવરકરજીની પ્રતિમાએ પુષ્પાંજલિ  કરી જણાવ્યું હતું કે, વિનાયક દામોદર સાવરકર (૨૮ મે ૧૮૮૩ - ૨૬ ફેબ્રુઆરી ૧૯૬૬) ભારતીય સ્વતંત્રતા આંદોલનનાં અગ્રિમ હરોળનાં ક્રાંતિકારી અને પ્રખર રાષ્ટ્રવાદી નેતા હતા જેથી તેઓ વીર સાવરકર નામથી જાણીતા થયા.  દેશહિત કાજે  પ્રખર રાષ્ટ્રવાદી વીર સાવરકરજીએ કરેલું ત્યાગ, સમર્પણ અને તપસ્યાનું ઋણ ચૂકવી શકાય તેમ નથી.

ભારત દેશ આઝાદ થયો તેની પાછળ અનેક નાના-મોટા ક્રાંતિકારી લોકોનો પુરૂષાર્થ છે. એ નામોની ગણતરી કરીએ ત્યારે સાવરકરજીનું નામ સૌથી આગળની હરોળમાં રહેશે. માત્ર છવ્વીસ વર્ષનાં યુવાન સાવરકરને પચાસ વર્ષની જેલની સજા થઈ અને એમની છાતી પર ટિંગાડેલા લોખંડી બિલ્લા પર 'તા. ૧૦ જાન્યુઆરી, ૧૯૧૦થી તા. ૧૦ જાન્યુઆરી, ૧૯૬૦ સુધી' શબ્દો કોતરાયા હતા. વીર સાવરકરજીને કાલા પાનીની કારાવાસની સજા થઈ અને એમને આંદામાન મોકલાયા. તેઓના આગમનથી ત્યાં રહેલા રાજકીય કેદીઓમાં આશાનું નવું કિરણ પ્રગટયું. કારાવાસની સજાથી પ્રારંભમાં તેઓ હતાશ પણ થયા હતા. વર્ષો સુધી જેલમાં રહેવાને કારણે દેશની આઝાદીની લડતમાંથી વંચિત રહેવાનો વસવસો મનમાં સતાવતો હતો પરંતુ થોડા દિવસમાં જ તેમને નવો ઉત્સાહ, નવો વિચાર, નવો  પ્રાણ પ્રાપ્ત થતાં જ રહ્યા. તેમના મોટાભાઈ ગણેશપંત પણ આંદામાનમાં જ હતા. બે ભાઈઓ વચ્ચે કડક બંદોબસ્તને કારણે મુલાકાત શકય નહોતી. સાવરકરજી પોતાના સાથીઓને કહેતા ''અપમાન અને લાંછનોથી હતોત્સાહ ન થતાં. આજે જ્યાં તમારા પર સિતમ ગુજારાય છે એ કારાગૃહમાં એક દિવસ તમારી પ્રતિમાઓ ઊભી કરાશે. સ્વતંત્ર ભારતની પ્રજા તમને પુષ્પોથી પોંખશે.''

વીર સાવરકરજી પોતાના વિચારમાં સ્પષ્ટ હતા. ભારતની સ્વતંત્રતાના ધ્યેય માટે સમાજ સુધારાના હેતુ માટે સાવરકરનું અર્પણ ઓછું નથી. દેશની આઝાદીના મહા સંગ્રામ માં તેમના ત્રણ મહાન સાથીદારો શ્રી શ્યામજી કૃષ્ણવર્મા, લીંબડીના શ્રી સરદારસિંહ રાણા તથા મેડમ કામા સહયોગી હતા. સ્વાતંત્ર્ય સંગ્રામના આ સેનાનીએ સ્વાધીન ભારતમાં ૨૬ ફેબ્રુઆરી, ૧૯૬૬માં જીવનનો અંતિમ શ્વાસ લીધો.

 વીર  વિનાયક દામોદર  સાવરકરજી ની૧૩૮ મી જન્મજયંતિ નિમિતે રાજકોટ રેસકોર્સ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આવેલ સાવરકરજીની પ્રતિમાને પં. દીનદયાલ ઉપાધ્યાય માનવ વિકાસ ફાઉન્ડેશનના સંયોજક રાજુભાઈ ધ્રુવ દ્વારા  એક કાર્યક્રમ યોજાયો જેમાં સંસ્થાના સાથી મિત્રો ભાવિકભાઈ અગ્રાવત, જયરાજસિંહ રાઠોડ, અમિત ધ્રુવ, સંજય લોટીયા, તેજસ ગોરસીયા, મુજમ્મીલ સુધાગુનિયાની સાથે રાષ્ટ્રપ્રેમી યુવાનો એ પુષ્પાંજલી અર્પણ કરી હતી.જેમાં હાલ ચાલી રહેલ  કોરોના મહામારીને ધ્યાન માં રાખીને તમામ નિયમોનું પાલન કરી કાર્યક્રમ નું આયોજન કરવા માં આવ્યું હતું.

(3:20 pm IST)