Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

કોવીડ હોસ્પિટલોમાં મેડીકલ - ફાયનાન્સીયલ ઓડિટ કરો : ડો. નિદત્ત બારોટ

હોસ્પિટલમાં ૧૦ થી ૧૫ ગણુ બેડનું ભાડુ વસુલાય... સારવારમાં કોવીડ ગાઇડલાઇન - પ્રોટોકલ તેમજ ઇન્જેકશનોના ઉપયોગની તપાસ કરવા મુખ્યમંત્રીને પત્ર પાઠવી માંગ કરતા કોંગ્રેસના ડો. નિદત્ત બારોટ

રાજકોટ તા. ૨૯ : કોરોનાની બીજી લહેરમાં સંક્રમિતોની સંખ્યા ઓછી થઇ રહી છે ત્યારે હવે કોંગ્રેસના અગ્રણી અને ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના પૂર્વ ઉપકુલપતિ ડો. નિદત્ત બારોટે મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીને પત્ર પાઠવીને કોવિડ હોસ્પિટલોમાં મેડીકલ અને ફાયનાન્સીયલ ઓડિટ કરાવવા માંગ કરી છે.

ડો. નિદત્ત બારોટે મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીને પાઠવેલા પત્રમાં જણાવ્યું છે કે ગુજરાતમાં કોવિડની બીજી લહેરમાં અસંખ્ય લોકોએ હોસ્પિટલોમાં દાખલ થવું પડયું હતું. ગુજરાત સરકારે કેટલીક બાબતોનું આર્થિક નિયંત્રણ કર્યું હોવા છતાં હોસ્પિટલોમાં લોકોને ખુબ મોટા પ્રમાણમાં બીલ ચુકવવા પડયા છે. પેટ્રોલમાં ભાવ ૯૦ પૈસા હોય અને ૧ રૂપિયો વધારે લે તો તેની સામે બ્લેક માર્કેટીંગની ફરિયાદ થઇ શકતી હોય છે. વેપારી છાપેલી કિંમત કરતા ૧-૨ રૂપિયા વધુ લે તો પણ તેની સામે ફરીયાદ કરી શકાય છે. આવી બાબતોમાં તપાસ કરવામાં આવતી હોય છે. કોવીડ હોસ્પિટલોમાં બીજી લહેર દરમિયાન એવું જોવા મળ્યું છે કે હોસ્પિટલમાં જે બેડ ૧૫૦૦ થી ૨૦૦૦ રૂ.ના દિવસના ચાર્જથી મળતા હતા તે ચાર્જ વધારીને હોસ્પિટલોએ રૂ. ૧૫ હજારથી ૨૫ હજાર રૂપિયા સુધીનો વસૂલ્યો હતો. હોસ્પિટલોના બેડનું ભાડુ કોવીડને કારણે ૧૦ થી ૧૫ ગણુ વધી જાય તે બાબત આશ્ચર્યજનક છે.

ડો. નિદત્ત બારોટે રજૂઆતમાં વધુમાં જણાવ્યું છે કે, કોવીડની બીમારીમાં કેન્દ્ર સરકારે નિયત ગાઇડલાઇન અને પ્રોટોકોલ આપેલા હતા. હોસ્પિટલોએ આ પ્રોટોકોલની ઉપરવટ જઇ પોતાને અનુ કૂળ આવે તેમ સ્ટીરોઇડ, રેમડેસીવીર સહિત જુદા-જુદા પ્રકારની ટ્રીટમેન્ટ કરીને દર્દીઓ અને તેના સગાઓ પાસેથી મોટા પ્રમાણમાં પૈસા પડાવ્યા હોય તેવો અહેસાસ સામાન્ય નાગરિકને થઇ રહ્યો છે. કેટલીક હોસ્પિટલોમાં કલેકટર દ્વારા રેમડેસીવીર સહિત ઇન્જેકશનો મોકલવામાં આવતા હતા ત્યારે જરૂરીયાતવાળા અને ક્રમાનુસાર આવેલા દર્દીઓને બદલે વધુ રકમ મળે તેમ હોય તેવા દર્દીઓને આ ઇન્જેકશનો આપવામાં આવ્યા છે.

(3:17 pm IST)