Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

રાજકોટ યાર્ડમાં મગફળી બાદ ઉનાળુ તલની ૧૦,૦૦૦ ગુણીની જંગી આવક

તલના ભાવમાં ૫૦ રૂ.નું ગાબડુઃ ચણા અને ઘઉંની આવકો હવે શરૂ કરાશેઃ મજુરોની અછત વચ્ચે યાર્ડમાં જણસીઓની હરરાજી

રાજકોટ, તા. ૨૯ :. આંશીક લોકડાઉન વચ્ચે રાજકોટ માર્કેટયાર્ડમાં મજુરોની અછત વચ્ચે વિવિધ જણસીઓની ક્રમશઃ હરરાજી શરૂ થઈ છે. આજે ઉનાળુ તલની ૧૦,૦૦૦ ગુણીની જંગી આવકો થઈ હતી. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે ઉનાળુ તલના ભાવ ઘટયા છે. તલની જંગી આવકના પગલે તલના ભાવમાં મણે ૫૦ રૂ.નું ગાબડુ પડયુ હતુ. આજે ઉનાળુ તલ એક મણના ભાવ ૧૪૮૦થી ૧૫૮૦ રૂ.ના ભાવે સોદા પડયા હતા.

યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીના જણાવ્યા મુજબ આંશિક લોકડાઉન વચ્ચે યાર્ડમાં ક્રમશઃ વિવિધ જણસીઓની આવકો શરૂ કરાઈ છે. જે તે જણસીઓ આવક થયા બાદ તમામ જથ્થાની હરરાજી થયા બાદ નવી આવકો શરૂ કરાઈ છે. જે જણસીઓની ઓછી આવક છે તેની દૈનિક હરરાજી કરાઈ છે. યાર્ડમાં રાજસ્થાનના મજુરો આવ્યા ન હોય હજુ મજુરોની અછત છે.

યાર્ડમાં હવે આગામી દિવસોમાં ઘઉં અને ચણાની આવકો શરૂ કરાશે. આજે યાર્ડમાં વિવિધ જણસીઓની હરરાજી કરાઈ હતી.

ટૂંક સમયમાં રાજસ્થાનથી મજુરો આવ્યા બાદ યાર્ડમાં રાબેતા મુજબની કામગીરી ચાલુ થઈ જશે તેમ યાર્ડના સેક્રેટરી બી.આર. તેજાણીએ જણાવ્યુ હતું.

(3:18 pm IST)