Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

છ માસના બાળકનું શરીર એકદમ ફિકકુ પડી ગયું હતું: સિવિલમાં સઘન સારવાર બાદ બાળક સ્વસ્થ

રાજકોટઃ પગલીનો પડનાર હજુ સુષ્ટ્રીમાં આવ્યો જ હોય તેવું બાળક જ્યારે કોઈ મુશ્કેલીમાં મુકાય છે ત્યારે કોઈનું પણ હૃદય વલોવાઈ છે. આવી જ ધટના મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના દેવડી ગામે રહેતા છ માસના બાળક અદિત વિકાણી સાથે બની હતી. તેના વિશે પિડીયાટ્રીક વિભાગના ડો. મનાલી જાવિયા જણાવે છે કે, અદીતને ચાર દિવસથી તાવ ઉધરસ, અને એક દિવસથી શ્વાસની સમસ્યા હતી. બાળકનું શરીર એકદમ ફિકકુ પડી ગયુ હતુ તથા તેના લીવર અને સ્પલીન (બરોડ) પર સોજો આવી ગયો હતો. સામાન્ય રીતે બાળકોમાં લોહીના ટકા ૧૦.૦૦ થી વધુ જોવા મળે છે પરંતું અદિતમાં તેનું પ્રમાણ ૩.૦૧ ટકા જેટલુ હતું તથા ઓકિસજનનું લેવલ ૮૦ જેટલુ થઈ ગયુ હતું. મારી કરીયરમાં અત્યાર સુધીમાં જોયેલા કેસમાં સૌથી ક્રિટીકલ કેસ હતો.

છ માસના બાળક અદિતની સારવાર અંગે ડો. જાવિયા જણાવે છે કે, સુપ્રિટેન્ડન્ટ આર.એસ. ત્રિવેદી તથા અમારા પીડીયાટ્રીક ડિપાર્ટમેન્ટ હેડ ડો. પંકજ બુચ ના માર્ગદર્શન હેઠળ તથા પ્રોફેસર આરતી મકવાણા અને પલક હપાણીના સહકારથી અમારી ટીમ બાળકની સારવાર કરતી હતી. બાળકને સિવીલમાં લાવવામાં આવ્યો ત્યારે તેને ચાર દિવસ હાઈ-ફ્લો નોઝલ કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. સાથે સાથે તેની અન્ય સારવાર ચાલુ હતી. આ સમય દરમ્યાન તેના શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું હોવાથી ૩ બોટલ લોહી ચડાવ્યું હતું જેથી તબીયતમાં સુધારો જણાયો હતો. પરંતુ  બાળકની સ્વાસ્થયની પરિસ્થિતિ સંતોષ કારક હોવાનું પ્રતિત થતું ન હતું. આથી તેનો ડી-ડાયમર ટેસ્ટ કરાતા તેનો ડિ-ડાઈમર રેશિયો સામાન્ય કરતા ૮ ગણો વધુ હતો. બાળકની પરિસ્થિતિ નાજુક હતી. આવા સંજોગોમાં તેને રેમડેસિવિર આપવામાં આવ્યું. તેના પરીણામે બાળકની તબિયતમાં વધુ સુધાર જોવા મળ્યો હતો. ૪ દિવસ તેને સાદી કેન્યુલા પર રાખવામાં આવ્યો હતો. બે દિવસ ઓકિસજન વગર રાખવામાં આવ્યો હતો. તબીયત સામાન્ય થતા અદિતને રજા આપવામાં આવી હતી.

(11:49 am IST)