Gujarati News

Gujarati News

News of Saturday, 29th May 2021

ગોકુલધામ કવાર્ટરના સંજયને મિત્ર વિશાલે જ હથોડી-દસ્તાના ઘા ઝીંકી પતાવી દીધોઃ લાશ બોકસમાં પેક કરી ટુવ્હીલરમાં બાંધી ફેંકી આવ્યો!

૧૫૦ રીંગ રોડ ફોર્ચ્યુન હોટેલ સામે કારખાનુ ધરાવતાં રાજગોર બ્રાહ્મણ શખ્સે મિત્ર રજપૂત યુવાનને પોતાના કારખાનામાં જ ઢાળી દીધોઃ બુધવારે ભેગા થયા ત્યારે થયેલા ઝઘડા પછી ગુરૂવારે રજપૂત યુવાન ફરી મિત્ર સાથે વાત કરવા કારખાનાની અંદર ગયો ત્યાં જ હુમલો થયોઃ આજીડેમ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે કલાકોમાં ભેદ ઉકેલી નાંખ્યો : વિશાલ અને તેને મદદ કરનાર બે મિત્રોની પણ ધરપકડઃ ગુરૂવારે રાતે મિત્ર વિવેક વડારીયાની મદદથી લાશ પ્લાસ્ટીકના કોથળામાં પેક કરી પાણીથી લોહીના ડાધા સાફ કર્યાઃ બીજો મિત્ર અમિત કોઠીયા લાશ ભરવા પુંઠાનું મોટુ બોકસ લાવ્યોઃ ગઇકાલે સાંજે અંધારૂ થયા બાદ એકસેસની પાછળના ભાગે બોકસ બાંધી નીકાલ કરવા નીકળ્યો ત્યારે ગોંડલ રોડ ચોકડી નિલકંઠ ઇન્ડસ્ટ્રીયલ એરિયાના સ્વાતિ પાર્કના કાચા રોડ પર બોકસ પડી જતાં ત્યાંથી ભાગી ગયોઃ જાગૃત નાગરિકે પોલીસને જાણ કરી અને ભેદ ઉકેલાયો : વિશાલે પહેલા સંજયના ગળે છરી રાખી, પછી માથા-મોઢે દસ્તા ઘા માર્યા, છેલ્લે હથોડી અને લોખંડની પ્લેટ ફટકારી : હત્યા પાછળ સંજયનો ઉગ્ર સ્વભાવ અને બુધવારે થયેલી બોલાચાલી કારણભુત કે અન્ય કંઇ? તે અંગે વિશેષ તપાસ : માલવીયાનગર પોલીસની હદમાં હત્યા થઇઃ લાશનો નિકાલ આજીડેમ પોલીસની હદમાં : ડીસીબીના સુભાષભાઇ ઘોઘારી અને દેવાભાઇ ધરજીયાની પાક્કી બાતમી પરથી ભેદ ખુલ્યો

ક્રુર હત્યાઃ લાશને પુંઠાના બોકસમાંથી બહાર કાઢવામાં આવી ત્યારનું દ્રશ્ય, ઘટના સ્થળે પોલીસ અધિકારીઓ, સ્ટાફ અને એકઠા થયેલા લોકો તથા ઉપરની પ્રથમ તસ્વીરમાં સંજય સોલંકીનો મૃતદેહ, કપાળ પર હથોડી જેવા બોથડ પદાર્થથી થયેલા ઘાના નિશાન, સંજય સોલંકીનો ફાઇલ ફોટો તથા નીચેની તસ્વીરમાં એકનો એક આધારસ્તંભ ગુમાવનાર સંજયના માતા અનુબેન (મધુબેન) અને સંજયનું ગોકુલધામ કવાર્ટરમાં આવેલુ રહેણાંક તથા સંજયના પિત્રાઇ ભાઇ રવિરાજસિંહ સોલંકી જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા) : માતા-પિતાના છુટાછેડા બાદ માતાથી છુટી પડેલી આ ટબૂકડી બે બહેનો આયુષી અને સાક્ષી ઉપરથી હવે પિતાની છત્રછાંયા પણ છીનવાઇ ગઇ છે : જ્યાં હત્યા થઇ એ ફોર્ચ્યુન હોટેલ સામે આવેલુ કારખાનુ અને સંજયને જેની સાથે માથાકુટ થઇ હતી તે તેના મિત્ર વિશાલ બોરીસાગરનો ફાઇલ ફોટો જોઇ શકાય છે. આ વિગતો, તસ્વીર મૃતકના સ્વજન મારફત મળી હતી (ફોટોઃ સંદિપ બગથરીયા) : મર્ડર મિસ્ટ્રી ડિટેકટઃ પુંઠાના બોકસમાંથી મળેલી લાશનો ભેદ પોલીસે કલાકોમાં ઉકેલી નાંખ્યો હતો. માહિતી આપી રહેલા ડીસીપી પ્રવિણકુમાર મીણા, એસીપી ડી. વી. બસીયા, એસીપી એચ. એલ. રાઠોડ તથા સાથે પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, પીએસઆઇ પી. બી. જેબલીયા તથા તથા ટીમ જોઇ શકાય છે. નીચેની તસ્વીરમાં પુંઠાના બોકસ અંદર કોથળામાં પેક કરેલી લાશ અને ત્રણેય આરોપીઓ વિશાલ બોરીસાગર, વિવેક વડારીયા અને અમિત કોઠીયા નજરે પડે છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯: શહેરના ગોંડલ રોડ ચોકડીથી રિધ્ધી સિધ્ધી સોસાયટી પાસે નિલકંઠ ઇન્ડસ્ટ્રીયલ એરિયામાં સ્વાતિ પાર્ક જવાના કાચા રસ્તેથી રાત્રીના સાડા નવેક વાગ્યે એક મોટુ બોકસ જોવા મળતાં અને તેના પર લોહીના ડાઘ દેખાતાં એક યુવાને નજીકમાં રહેતાં તબિબને જાણ કરતાં તેમણે પોલીસને જાણ કરી હતી. પુંઠાના બોકસ અંદરથી પ્લાસ્ટીકની કોથળીમાં પેક કરાયેલી યુવાનની હત્યા કરાયેલી લાશ મળતાં ચકચાર મચી ગઇ હતી. આજીડેમ પોલીસ અને ક્રાઇમ બ્રાંચે દોડધામ આદરતાં ઓળખ થઇ ગઇ હતી અને કલાકોમાં ભેદ ઉકેલાઇ ગયો હતો. ગોકુલધામ કવાર્ટરમાં રહેતાં રજપૂત યુવાનને ૧૫૦ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ સામે કારખાનુ ધરાવતાં તેના જ મિત્ર રાજગોર બ્રાહ્મણ શખ્સે ગુરૂવારે કારખાનામાં હથોડીના ઘા ઝીંકી પતાવી દીધા બાદ ગઇકાલે શુક્રવારે સાંજે લાશ પેક કરી એકસેસ ટુવ્હીલરમાં પાછળના ભાગે બાંધીને નીકાલ કરી દીધાનું સામે આવતાં સનસનાટી મચી ગઇ હતી. પોલીસે મુખ્ય આરોપી બ્રાહ્મણ શખ્સ તથા તેને મદદ કરનાર તેના બે મિત્રો પટેલ શખ્સોને પણ પકડી લીધા છે.  બુધવારેથયેલા ડખ્ખા બાદ વાત હત્યા સુધી પહોંચ્યાનું હાલ બહાર આવ્યું છે.

પોલીસે આ હત્યાની ઘટનામાં હત્યાનો ભોગ બનેલા સંજય સોલંકીના જ મિત્ર કારખાનેદાર વિશાલ વિરેન્દ્રભાઇ બોરીસાગર (રાજગોર બ્રાહ્મણ) (ઉ.વ.૨૮-રહે. ગીતાંજલી સોસાયટી-૩, ગોકુલધામ પાછળ) તથા વિશાલને મદદરૂપ થયેલા તેના બે મિત્રો વિવેક વિઠ્ઠલભાઇ વડારીયા (પટેલ) (ઉ.વ.૨૦-રહે. જલજીત સોસાયટી-૬, ગોકુલધામ રોડ, ઉમિયા ચોક રાજકોટ) તથા અમિત લક્ષમણભાઇ કોઠીયા (પટેલ) (ઉ.વ.૩૦-રહે. ખોડિયાર એપાર્ટમેન્ટ, બ્લોક નં. ૩૦૩, રાધે હોટેલ પાછળ રાજકોટ)ની ધરપકડ કરી છે.

સનસનાટી ભરી ઘટનાની વિગતો જોઇએ તો ગોંડલ રોડ ચોકડી નજીક રિધ્ધી સિધ્ધીના નાલાથી આગળ સ્વાતિ પાર્કના કાચા રસ્તે એક મોટુ પુંઠાનું બોકસ પીન મારેલુ જોવા મળતાં અને ઉપર લોહીના ડાઘ દેખાતાં હોઇ ત્યાંથી નીકળેલા  જાગૃત નાગરિકે પોલીસને જાણ કરતાં આજીડેમ પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ એમ. એમ. ઝાલા, એએસઆઇ જાવેદભાઇ રિઝવી, એએસઆઇ યશવંતભાઇ ડી. ભગત, હેડકોન્સ. ઇન્દ્રસિંહ જાડેજા, કોૈશેન્દ્રસિંહ ઝાલા, કોન્સ. કુલદિપસિંહ જાડેજા, શૈલેષભાઇ નેચડા, જયપાલભાઇ બરાળીયા, ભીખુભાઇ મૈયડ અને ઉમેદભાઇ ગઢવી સહિતનો કાફલો દોડી ગયો હતો.

બોકસ ખોલીને જોવામાં આવતાં અંદર પ્લાસ્ટીકમાં પેક કરેલી યુવાનની લાશ જોવા મળી હતી. પ્લાસ્ટીક ખોલી લાશને બહાર કાઢવામાં આવતાં તેના કપાળ-માથાના ભાગે ઉંડા ઘા દેખાતાં બનાવ હત્યાનો જ હોવાનું સ્પષ્ટ થઇ ગયું હતું.  પોલીસે મૃતકની ઓળખ મેળવવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતાં. એ દરમિયાન  પુનિતનગરના રવિરાજસિંહ સોલંકી અને રિધ્ધી સિધ્ધી તરફ રહેતો ચિરાગ વાઘેલા  પોલીસ અને લોકોનું ટોળુ જોઇ ત્યાં પહોંચ્યા હતાં. રવિરાજસિંહનો મોટાબાપુનો દિકરો સંજય રાજેશભાઇ સોલંકી ગુરૂવારે સાંજે ઘરેથી નીકળ્યા બાદ ગૂમ હોઇ અને તેના માતા અનુબેન (મધુબેન) વારંવાર ફોન કરતાં હોવા છતાં તે ફોન રિસીવ કરતો ન હોઇ રવિરાજસિંહ સંજયને શોધવા સંજયના મિત્ર ચિરાગને લઇને દોડધામ કરતાં હતાં.

તેણે આવીને લાશ જોતાં જ તે હેબતાઇ ગયા હતાં. કારણ કે આ લાશ તેના પિત્રાઇ ભાઇ સંજયની હતી. પોલીસે લાશની ઓળખ કરાવ્યા બાદ પોસ્ટ મોર્ટમ માટે ખસેડવા તજવીજ કરી હતી.

બીજી તરફ ઘટનાની જાણ થતાં ક્રાઇમ એસીપી એચ. એલ. રાઠોડ, ક્રાઇમ બ્રાંચના પીઆઇ વી. કે. ગઢવી, પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ પી. બી. જેબલીયા, એસ. વી. સાખરા, વનરાજસિંહ જે. જાડેજા, એમ. વી. રબારી, યુ. બી. જોગરાણા તેમની ટીમો પણ તાબડતોબ પહોંચી હતી. હત્યાનો ભોગ બનનારની ઓળખ થઇ ગઇ હોઇ હત્યારો કોણ એ શોધવા માટે ટીમો કામે લાગી હતી.

લાશ પુંઠાના બોકસમાં પેક કરેલી હાલતમાં મળી હોઇ હત્યા બીજા કોઇ સ્થળે કરીને લાશનો અહિ નિકાલ કરવામાં આવ્યાનું પણ સ્પષ્ટ થઇ ગયું હતું. અલગ અલગ ટીમોએ સીસીટીવી કેમેરા, હત્યાનો ભોગ બનનારના મોબાઇલ લોકેશન, તેની કોની કોની સાથે ઉઠક બેઠક હતી? છેલ્લે એ કયાં હતો? એ સહિતની વિગતો એકઠી કરવા દોડધામ શરૂ કરી દીધી હતી. ચાલીસ જેટલા અસામાજીક શખ્સોને પુછતાછ માટે ઉઠાવી લેવાયા હતાં. એ દરમિયાન પીએસઆઇ પી. બી. જેબલીયાની ટીમના હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી અને દેવાભાઇ ધરજીયાને ચોક્કસ બાતમી મળી હતી કે હત્યાનો ભોગ બનનાર સંજયને બે દિવસ પહેલા તેના જ મિત્ર ગોકુલધામ પાછળ ગીતાંજલી સોસાયટીમાં રહેતાં વિશાલ વિરેન્દ્રભાઇ બોરીસાગર સાથે ડખ્ખો થયો હતો.

આ બાતમીને આધારે વિશાલને ઉઠાવી લઇ પુછતાછ શરૂ કરવામાં આવતાં પહેલા તો તેણે ગલ્લા તલ્લા કર્યા હતાં. પણ પોલીસે વિશીષ્ટ ઢબે ઉંચો નીચો કરતાં પોપટ બની ગયો હતો અને હત્યા કબુલી હતી. તેણે કબુલ્યું હતું કે બુધવારે મારે અને મિત્ર સંજયને ૧૫૦ રીંગ રોડ પર ફોર્ચ્યુન હોટેલ સામેની શેરીમાં કાવ્યા કોમ્પલેક્ષ પાસે આવેલા મારા વર્કીંગ પાર્ટનર તરીકેના સબ મર્શીબલના બાઉલ એમ્પ્લીફાયર બનાવવાના કારખાનામાં માથાકુટ થઇ હતી. એ પછી ગુરૂવારે ૨૭મીએ સાંજે ફરીથી મારા કારખાને આવ્યો હતો અને બેફામ ગાળો દેવા માંડ્યો હતો. જેથી મેં તેને અંદર બોલાવ્યો હતો અને તે અંદર આવતાં જ તેના ગળે છરી રાખી બાદમાં માથામાં દસ્તો ફટકારી દીધો હતો. તેમજ એક ઘા મોઢા પર મારી દીધો હતો. આ ઉપરાંત લોખંડની એક પ્લેટ ફટકારતાં તે પડી ગયો હતો. એ પછી હથોડીથી માથામાં ઘા માર્યા હતાં.

આ વખતે કારખાનામાં અમિત લક્ષમણભાઇ કોઠીયા, મુકેશ બાબુભાઇ રોલા, હર્ષરાજ ઉર્ફ હસુ જયેશભાઇ વાઘેલા પણ હતાં. ઝઘડો થતાં આ બધા જતાં રહ્યા હતાં. એ પછી રાતે નવેક વાગ્યે મેં મિત્ર વિવેક વડારીયાને બોલાવેલ અને અમે કારખાને ગયા હતાં. સંજયની લાશને કોથળામાં પેક કરી ત્યાં કારખનામાં લોહી વહેલુ હોઇ પાણીથી સાફ કર્યુ હતું. ત્યારબાદ મારા બીજા મિત્ર અમિત કોઠીયાને લાશ પેક કરવા બોકસ લઇ આવવા કહેતાં અમિત પુંઠાનું મોટુ બોકસ લાવ્યો હતો. ત્યારબાદ મેં અને અમિતે લાશ પેક કરી હતી અને કારખાનામાં જ રાખી મુકી હતી.

એ પછી શુક્રવારે હું (વિશાલ) તથા અમિત કારખાને પહોંચ્યા હતાં અને મારા સફેદ રંગના એકસેસની પાછળના ભાગે લાશનું બોકસ દોરીથી બાંધી દીધું હતું. આ લાશનો નિકાલ કરવા હું રવાના થયો હતો. ત્યાં રિધ્ધી સિધ્ધીના નાલા પાસે કાચા રસ્તે પહોંચતા વજનને લીધે લાશ સાથેનું બોકસ પાછળથી પડી જતાં હું ત્યાં જ લાશ મુકીને ભાગી ગયો હતો.

પોલીસે વિશાલની આ કબુલાતને આધારે તેની તથા તેના બે મિત્રો વિવેક વડારીયા અને અમિત કોઠીયાની પણ ધરપકડ કરી હત્યામાં વપરાયેલા હથોડી, દસ્તો, લોખંડની પ્લેટ કબ્જે લેવા તજવીજ કરી છે.

હત્યા શા માટે કરી? તે અંગેની પુછતાછમાં વિશાલે રટણ કર્યુ હતું કે સંજય વારંવાર માથાકુટ કરતો હતો, તેનો સ્વભાવ ઉગ્ર હતો. બુધવારે પણ માથાકુટ થઇ હતી અને મારામારી કરી લીધી હતી. ગુરૂવારે એ ફરીથી સાંજે આવીને દેકારો કરી ગાળો બોલવા માંડતા તેને અંદર બોલાવ્યો હતો અને હુમલો કરી દીધો હતો. તે સામા ઘા કરશે એવું લાગતાં તે પડી ગયા પછી માથામાં હથોડીના ઘા ફટકારી દીધા હતાં.  વિશાલની આ કેફીયત સાચી છે કે કેમ? તે અંગે વધુ તપાસ થઇ રહી છે.

માલવીયાનગર પોલીસની હદમાં બનેલી હત્યાની આ ઘટનામાં લાશ આજીડેમ પોલીસની હદમાં ફેંકી દેવામાં આવી હોઇ હાલ આજીડેમ પોલીસે ગુનો નોંધવા તજવીજ કરી હતી. પોલીસ કમિશનરશ્રી મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ ડી. વી. બસીયા, એસીપી એચ. એલ. રાઠોડની સુચના અને રાહબરીમાં પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ વી. જે. ચાવડા, પીએસઆઇ પી. એમ. ધાખડા, પીએસઆઇ પી. બી. જેબલીયા, પીએસઆઇ એસ. વી. સાખરા, પીએસઆઇ વી. જે. જાડેજા, એમ. વી. રબારી, યુ. બી. જોગરાણા, આજીડેમ પીએસઆઇ એમ. એમ. ઝાલા, ક્રાઇમ બ્રાંચના વિક્રમભાઇ ગમારા, ક્રિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, અંશુમનભા ગઢવી, સુભાષભાઇ ઘોઘારી, દેવાભાઇ ધરજીયા, પ્રતાપસિંહ મોયા, દેવરાજભાઇ કાળોતરા, સંજયભાઇ ચાવડા તથા ક્રાઇમ બ્રાંચ-આજીડેમની ટીમોએ આ ભેદ ઉકેલ્યો હતો.

  • પોલીસે ૪૦ જેટલા શખ્સોની પુછતાછ કરીઃ એ પછી પાક્કી બાતમીથી ભેદ ઉકેલાયો

.હત્યાનો ભેદ ઉકેલા ક્રાઇમ બ્રાંચ અને આજીડેમ પોલીસની ટીમોએ મૃતક સાથે ઉઠક-બેઠક ધરાવતાં શખ્સો તથા એ અલગ અલગ વિસ્તારના ૪૦ જેટલા અસામાજીક અને ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્સોની પુછતાછ કરી હતી. એ દરમિયાન હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી અને દેવાભાઇ ધરજીયાને મળેલી બાતમી પરથી ભેદ ઉકેલાયો હતો.

  • પોલીસે ૪૦ જેટલા શખ્સોની પુછતાછ કરીઃ એ પછી પાક્કી બાતમીથી ભેદ ઉકેલાયો

.હત્યાનો ભેદ ઉકેલા ક્રાઇમ બ્રાંચ અને આજીડેમ પોલીસની ટીમોએ મૃતક સાથે ઉઠક-બેઠક ધરાવતાં શખ્સો તથા એ અલગ અલગ વિસ્તારના ૪૦ જેટલા અસામાજીક અને ગુનાહિત ઇતિહાસ ધરાવતાં શખ્સોની પુછતાછ કરી હતી. એ દરમિયાન હેડકોન્સ. સુભાષભાઇ ઘોઘારી અને દેવાભાઇ ધરજીયાને મળેલી બાતમી પરથી ભેદ ઉકેલાયો હતો.

  •  હત્યાનો ભોગ બનનાર સંજય વિધવા માતાનો એકનો એક પુત્ર હતોઃ રજપૂત પરિવારમાં કલ્પાંતઃ  ૭ અને ૨ાા વર્ષની બે દિકરીએ પિતાનું છત્ર ગુમાવ્યું

. હત્યાનો ભોગ બનનાર સંજય રાજેશભાઇ સોલંકી (રજપૂત) (ઉ.વ.૩૭) વિધવા માતા અનુબેન (મધુબેન) રાજેશભાઇ સોલંકીનો એકનો એક આધારસ્તંભ હતો. સંજયના એક બહેન હતાં. તેમનું પણ વર્ષો પહેલા અવસાન થયું હતું. સંજયના લગ્ન થયા હતાં અને સંતાનમાં બે દિકરી આયુષી (ઉ.૭) તથા સાક્ષી (ઉ.વ.૨ાા) છે. સંજયના પત્નિ મીરા સાથે એક વર્ષ પહેલા છુટાછેડા થઇ ગયા હતાં. હાલમાં તે માતા અને દિકરીઓ સાથે રહી ગેસના બાટલાની ડિલીવરી સહિતના કામ કરતો હતો. તેવું જાણવા મળ્યું છે. હત્યાથી વિધવા માતાએ આધારસ્તંભ અને બે માસુમ દિકરીઓએ પિતાની છત્રછાંયા ગુમાવતાં પરિવારમાં ગમગીની છવાઇ ગઇ છે.

  • બુધવારે બખેડો થયો, ગુરૂવારે હત્યા, શુક્રવારે સાંજે લાશનો નિકાલ, શનિવારે ગુનો ડિટેકટઃ વિશાલે હત્યા કરીઃ બે મિત્રો અમિત અને વિવેકે લાશનો નિકાલ કરવામાં મદદ કરી

. ગોકુલધામ આવાસ કવાર્ટરના સંજય સોલંકીની હત્યાનો ભેદ કલાકોમાં ઉકેલાઇ ગયો હતો. જાણવા મળ્યા મુજબ સંજય બુધવારે સાંજે તેના મિત્ર રાજગોર બ્રાહ્મણ યુવાન વિશાલ બોરીસાગરના કારખાને ગયો હતો. ત્યારે બંને વચ્ચે બોલાચાલી થતાં સંજયએ વિશાલને મારકુટ કરી લીધી હતી. એ પછી બંને જુદા પડી ગયા હતાં. બીજા દિવસે ગુરૂવારે સાંજે ફરી સંજય મિત્ર વિશાલના કારખાને ગયો હતો અને દેકારો મચાવ્યો હતો. વિશાલે તેને અંદર આવીને વાત કરવાનું કહ્યા બાદ તેને ઢાળી દીધો હતો. લાશને એક દિવસ રાખી મુકયા બાદ શુક્રવારે સાંજે અંધારૂ થતાં વિશાલ પોતાના એકસેસ ટુવ્હીલરમાં પાછળના ભાગે બોકસ મુકી દોરીથી બાંધી લાશ ફેંકવા નીકળ્યો હતો ત્યારે બોકસ પાછળથી પડી ગયું હતું. પોલીસને લાશ મળ્યા બાદ તપાસ શરૂ થઇ હતી અને મોડી રાતે એટલે કે શનિવારે ગુનો ડિટેકટ થઇ ગયો હતો. મિત્ર જ મિત્રનો હત્યારો નીકળતાં ચકચાર મચી ગઇ હતી. વિશાલે હત્યા કરી હતી, જ્યારે બે મિત્રો વિવેક વડારીયા અને અમિત કોઠીયાએ લાશનો નિકાલ કરવામાં મદદ કરી હતી. આ બંનેને પણ પકડી લેવાયા છે.

(4:27 pm IST)