Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

ભૂગર્ભ ગટરની સફાઈનાં કોન્ટ્રાકટમાં પ્રજાને ૧૦.૨૯ લાખનો ધુમ્બોઃ કોંગ્રેસ

સ્ટેન્ડીંગ કમિટીમાં વોર્ડ નં. ૨ અને ૩માં ખાનગી કોન્ટ્રાકટર મારફત ભૂગર્ભ ગટર સફાઈનો કોન્ટ્રાકટ ૩૯ ટકા ઉંચા ભાવે મંજુર થતા વિપક્ષી સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાનો વિરોધઃ સ્કેટીંગ રીંગ, ફુટબોલ ગ્રાઉન્ડ અને યોગ સેન્ટરના ખાનગીકરણ સામે પણ વિપક્ષનો વિરોધ

રાજકોટ, તા. ૨૯ :. આજે મ્યુ. કોર્પોરેશનમાં મળેલી સ્ટેન્ડીંગ કમિટીમાં ભૂગર્ભ ગટરનો કોન્ટ્રાકટ ૩૯ ટકા ઉંચા ભાવે મંજુર થતા પ્રજાની તિજોરીને ૧૦.૨૯ લાખનું નુકશાન થયાનો આક્ષેપ વિપક્ષ કોંગ્રેસના સભ્ય ઘનશ્યામસિંહ જાડેજાએ કરી અને આ દરખાસ્તનો વિરોધ કર્યો હતો.આ અંગે ઘનશ્યામસિંહ સેક્રેટરીને પત્ર પાઠવી જણાવ્યુ હતુ કે રાજકોટ મહાનગરપાલિકાના વોર્ડ નં. ૨ અને ૩માં પ્રાઈવેટાઈઝનથી ભૂગર્ભ ગટરની ફરીયાદના નિકાલ કરવા માટેની આ દરખાસ્તમાં નવા કોન્ટ્રાકટ આપવા અંગે રૂ. ૨૬,૪૦,૦૦૦નું અંદાજપત્ર મંજુર કરવામાં આવેલ તેમની સામે એક એજન્સીને વધારાના ૩૯ ટકા ચુકવીને રૂ. ૩૬,૬૯,૬૦૦ની મર્યાદામાં નક્કી કરવામાં આવતા મહાનગરપાલિકા દ્વારા વધારાના રૂ. ૧૦,૨૯,૬૦૦ જેવી માતબર રકમના ચુકવણા સામે મારો વિરોધ છે. તેમજ આ દરખાસ્ત રીટેન્ડરીંગ થવી જોઈએ, તો આ વધારાના ચુકવણાને ટકાવારી સામે મારો વિરોધ છે.

આ ઉપરાંત રાજકોટ મહાનગરપાલિકાની હસ્તક ઈન્ડોર સ્ટેડીયમ પરિસર, રેસકોર્ષ સંકુલ સ્થિત સ્કેટીંગ રીંગ (૧) વર્ષ માટે ભાડા પટે આપવાની આ દરખાસ્ત (પત્ર)માં રાજકોટ મહાનગરપાલિકા ધીમે ધીમે તેમની મિલ્કતનું ખાનગીકરણ તરફ વણાંક જણાય છે. મહાનગરપાલિકા આટલો મોટો સ્ટાફ હોવા છતા પણ આ સર્વે મિલ્કત શા કારણોસર ભાડા પેટે આપવામાં આવે છે. આ સંકુલ શું મહાનગરપાલિકા શા માટેના ચલાવી શકે ? તો મારો આ ખાનગીકરણ સામે વિરોધ છે.

તેવી જ રીતે રેસકોર્ષ સંકુલ સ્થિત યોગ સેન્ટરને ભાડુ તથા વપરાશના નિયમો નક્કી કરવા બાબતના આ પત્રમાં જણાવ્યુ છે કે જે સંસ્થાને આ યોગ માટે આપવામાં આવે તે સંસ્થા દ્વારા આ યોગ સેન્ટરનું વેપારીકરણ ન થાય તે અંગે ધ્યાન આપવુ જરૂરી છે ને ફકત યોગ કાર્ય પુરતુ જ કરવામાં આવે તે યોગ્ય છે. આ કેન્દ્રનું પણ શું મહાનગરપાલિકા સંચાલન ન કરી શકે ? માટે આ વેપારીકરણ સામે મારો વિરોધ છે તથા રેસકોર્ષ સંકુલ સ્થિત ફુટબોલ ગ્રાઉન્ડ એકેડમી કોચીંગ માટે સંસ્થાને ૨ વર્ષ સુધી ભાડા પટે આપવાના આ પત્રમાં જણાવવાનું ને વિરોધ કરવાનો થાય છે કે આપણ આ મહાનગરપાલિકાની મિલ્કતનું ખાનગીકરણ (ખાનગી સંસ્થા)ને કામગીરી સોંપવાની આ યોગ્ય કામગીરી જણાતી નથી. આગળની દરખાસ્ત (પત્ર) નં. ૨ માં જણાવ્યા પ્રમાણે રા. મ્યુનિ. કોર્પો. પાસે પુરતો સ્ટાફ હોવા છતાં પણ આ મિલ્કતનું ખાનગીકરણ શા માટે હાથ ધરવામાં આવે છે ? કે કોઈ ખાનગી સંસ્થાને લાભ પહોંચાડવામાં આવી રહ્યો છે ? માટે ખાનગીકરણ સામે મારો વિરોધ છે.

આમ સ્ટેન્ડીંગ કમિટીની ૪ દરખાસ્તોનો વિપક્ષી સભ્યએ વિરોધ કર્યો હતો.

(4:11 pm IST)