Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

બિહારના રેલવે સ્ટેશન પર બે બાળકોએ માતાને ઉઠાડવા પ્રયત્ન કર્યો, પણ...

ટ્રેન સાથે જિંદગી પણ ગઇ... શ્રમિક મહિલાની કરૂણ સફર પૂર્ણ

રેલવે ટ્રેક પર શ્રમિકોની ટ્રેનો દોડતી રહે છે.. બધા પોતપોતાનામાં વ્યસ્ત છે.. દુનિયાને કાંઈ ફર્ક નથી પડતો.. હા! એક માસૂમ બાળકીને હવે મા ની મમતા નહીં મળે.. પણ ઠીક..ગરીબ છે, ચાલ્યે રાખે એવું તો...

ગુજરાતથી શ્રમિક ટ્રેનમાં બિહાર ગયેલી ૨૩ વર્ષની એક ગરીબ શ્રમિક મહિલાનું ભૂખ અને તરસથી મૃત્યુ થયું. મુઝફરનગર સ્ટેશન પર પ્લેટફોર્મ ઉપર જ એણે દમ તોડી નાખ્યો.

આ શ્રમિક મહિલા જીવી જીવીને થાકી ગઈ હશે.કેટલો પરિશ્રમ કર્યો હશે જીવતા રહેવા માટે.પાપી પેટનો ખાડો પુરવા માટે વતનથી દૂર કોઈ ગંધારી ઝૂંપડપટ્ટીમાં અંધારા ઓરડામાં જીવતા રહેવાનો જંગ ખેલતી આ  સ્ત્રીના જીવનમાં કયારેય એકાદી ખુશીની ક્ષણ આવી હશે?એના ચીમળાયેલા ચહેરા ઉપર કયારેય આછેરું સ્મિત ફરકયું હશે?જેણે કદી સ્વપ્નો જોયા જ નહોતા એવી એની સૂકી ભઠ્ઠ આંખોમાં કદી કોઈ ભીની ભીની ચમક આવી હશે?

હા, એવું થયું હશે,જયારે એણે એક પુત્રીને જન્મ આપ્યો હશે.વિકસેલા ગર્ભ વાળા ઉપસેલા પેટ ઉપર હાથ ફેરવી કયારેક એણે પણ અજાણ પણે સ્મિત ફરકાવી દીધું હશે.છાતી સાથે વળગાડીને એ માસૂમ પુત્રીને દુગ્ધપાન કરાવ્યું હશે ત્યારે મમતાના ઝરણાઓ ફૂટ્યા હશે.માતૃત્વની અનુભુતીનો અધિકાર તો ગરીબોને પણ મળ્યો છે.

એવા ક્ષણિક સુખો આપનારી પોતાની એ માસૂમ લાડલી બાળકીને છોડીને એ ગરીબ મહિલા ચાલી નીકળી,એવા મુકામે જયાંથી કોઈ કદી પાછું નથી આવતું.

આ મહિલા ભૂખ તરસથી થાકી ગઈ હશે.શરીર કામ નહીં કરતું હોય.જીવતા રહેવા માટે કાળી મજૂરી કરી તૂટી મરેલી આ ભારતીય નારી,સોરી..આપણી દિવ્ય સંસ્કૃતિ મુજબ જગજનની ને આંખે અંધારા આવતા હશે.દ્રશ્યો ધૂંધળા થવા લાગ્યા હશે.પોતાની લાડલીને છાતી સાથે ચાંપવા માટે એ તરસતી હશે પણ હાથ ઊંચકતો નહીં હોય.એ શરીરમાંતો તરફડવા જેટલી શકિત પણ કયાં બચી હતી.છેલ્લી વાર બાળકીને વ્હાલ કરવા,એના માસૂમ ગાલ ઉપર ચુંબન કરવા એ તલસતી હશે પણ હાય રે, દગાબાજ જિંદગી,એણે છેલ્લી ક્ષણે જ સાથ ન આપ્યો.એક અસહ્ય લાચારી,પીડા,વેદના અને આંખોની અંદર ઊંડે ઊંડે જ અટકી ગયેલા આંસુ સાથે વ્હાલી પુત્રી પર છેલ્લી નજર નાખી એની નિસ્તેજ આંખો સદા માટે મીંચાઈ ગઈ.અલવિદા....

સારું થયું. બાપડી સુખી થઈ ગઈ.જીવતા રહેવાનું જ દુઃખ છે.જીવતા રહેવામાં જ પીડા છે, જીવતા રહેવામાં જ દર્દ છે, જીવતા રહેવામાં જ વેદના છે.ગરીબ માટે તો મૃત્યુ જ સુખની સોગાદ. મૃત્યુ બધી પીડા હરી લે છે.ન ભૂખની ચિંતા,ન પેટનો ખાડો પુરવાની અવીરત જહેમત.ન ગરીબ હોવાનું અપમાન.ન સ્વમાનની ચિંતા.અને ન સુખી થવાની લ્હાય.

સુખી થઈ ગઈ એ મહિલા તો. એ તો છૂટી એ સંસારથી જેમાં જીવતા રહેવા પૂરતું ખાવાનું ન મળ્યું.જેમાં મૃત્યુ સમયે ગંગાજળ તો શું,જીભ ભીની કરવા ચમચી પાણી પણ ન મળ્યું.

નસીબદાર છો બહેન,૨૩ વર્ષની નાનકડી ઉંમરે તારો છુટકારો થઈ ગયો.કહે છે મર્યા પછી બધાને ઈશ્વરનું શરણ મળે છે.અને એવું પણ કહેવાય છે કે ઈશ્વર તો ગરીબોનો પણ છે.તો મારી એક વાત માનજે. એ ઈશ્વર પાસે તું પેટ ભરીને ખાવાનું માંગી લેજે. એક વખત પેટભરીને જમી લેજે.ભૂખ્યા ન રહેવાનો પણ એક આનંદ છે એ તને તો કયાંથી ખબર હોય.એટલે કહું છું, લૂંટાય એટલો એ આનંદ લૂંટી લે જે.અને હા! જો ઈશ્વર વરદાન માંગવાનું કહે તો બીજી વખત ગરીબ તરીકે ન જન્મવું પડે એ વરદાન માંગી લે જે...

આ મહિલા તો ચાલી ગઈ.પણ એની માસૂમ બાળકીને તો મૃત્યુ કોને કહેવાય એ કયાંથી ખબર હોય.એને આશ્ચર્ય તો એ વાતનું છે કે મને દરરોજ પડખામાં લઇ, વ્હાલથી થપથપાવી સુવડાવતી દેતી મા આજે મને જાગતી રાખીને કાં સુઈ ગઈ.મા મારી સાથે વાત કેમ નથી કરતી.પોતાની સાડીનો છેડો મારા માથા પર ઢાંકી છાતીએ વળગાડતી મા આજે કેમ મારી સામે પણ નથી જોતી.એની આંખો તો ખુલ્લી છે,પણ કોણ જાણે આકાશમાં કયાં એ દૂર દૂર તાકી રહી છે.

ઉઠ મા ઉઠ.મને ભૂખ લાગી છે.મારી સાથે,મા વાત તો કર.અહીં તો બીજું કોઈ નથી.હું કોની સાથે બોલું,કોની સાથે રમું.મા મને તો આ જરાય ગમતું નથી.ઉઠ ને મા, ઉઠ.

મા તું ઉઠ, તું કાં આવું કરે?...

માસૂમ બાળકી મા ની ફાટેલી સાડીનો છેડો ખેંચી મા ને ઉથડવા મથતી રહે છે. મા ઉઠતી નથી.... બાળકી મથતી રહે છે.રેલવે ટ્રેક પર શ્રમિકોની ટ્રેનો દોડતી રહે છે. બધા પોતપોતાનામાં વ્યસ્ત છે. દુનિયાને કાંઈ ફર્ક નથી પડતો. હા!એક માસૂમ બાળકીને હવે મા ની મમતા નહીં મળે..પણ ઠીક..ગરીબ છે, ચાલ્યે રાખે એવું તો...

: આલેખન :

જગદીશ આચાર્ય

જાણીતા સોશ્યલ મીડિયા કોલમિસ્ટ, લેખક, પત્રકાર

રાજકોટ

મો.૯૮૨૫૨૭૪૩૭૪

(3:03 pm IST)
  • વડોદરામાં ભારે પવન સાથે વરસાદ શરૂ : રાત્રે ધીમીધારે વરસાદ : ગોત્રી, ફતેગંજ, હરિનગર, તાંદલજા, વાસણા રોડ સહિતના વિસ્તારોમાં વરસાદ : ભારે પવન સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી: ઉનાળાની કાળઝાળ ગરમીમાં વરસાદ વરસતા લોકોમાં ખુશી access_time 10:33 pm IST

  • આણંદ જિલ્લાના કેટલાક ભાગોમાં કમોસમી વરસાદ : ખંભાત શહેર સહિત ગ્રામ્ય પંથકમાં છૂટો છવાયો વરસાદ : કમોસમી વરસાદને કારણે ધરતીપુત્રોમાં ચિંતા access_time 10:32 pm IST

  • મુંબઈના કેટલાક વિસ્તારોમાં ઝરમર વરસાદ વરસ્યો : મુંબઈમાં આજથી જ વરસાદી વાદળાઓ ઘેરાયા access_time 12:42 am IST