Gujarati News

Gujarati News

News of Friday, 29th May 2020

પાન-બીડી-સોપારી-તમાકુના વેપારીઓને ત્યાં દરોડા

કાળા બજારની ફરીયાદો ઉઠ્યા બાદ તંત્ર મેદાનમાં ઉતર્યુ : કરણપરા-જંકશન-૧પ૦ ફુટ રીંગ રોડ -સાધુ વાસવાણી રોડ-રૈયા રોડ-ઇન્દીરા સર્કલ-કોઠારીયા રોડ-કેનાલ રોડમાં તપાસનો દોર : દક્ષિણ મામલતદારશ્રી દંગી-પુરવઠાના પરસાણીયા સહીતના ૧૯ નાયબ મામલતદારો-જીએસટી-વેટ ઇન્સ્પેકટરોની શહેરમાં ચારે બાજુ ધોંસ : જીએસટી રેન્જ-ર૩ના જોઇન્ટ કમિશ્નર શ્રી ગોવાણી મોટી ફોજ સાથે ત્રાટકયાઃ કલેકટર પાસેથી દક્ષિણ મામલતદાર તથા ૧૯ નાયબ મામલતદાર એક દિવસ માટે બોલાવ્યા : કુલ રર સ્થળે દરોડાનો દોરઃ આણંદપરના ત્રણ ગોડાઉનમાં પણ તપાસ : વેટના દરોડા શરૂ થતા જ સોપારી-તમાકુના ભાવમાં ગાબડા : ૬૦૦ની કિલો સોપારી સીધી ૪પ૦એ આવી ગઇ : તમાકુ ૧૩૮ નંબરના ડબલાના ૩રપ-૩પ૦ હતાં તેના રપપ થઇ ગયા

રાજકોટ, તા. ર૯ :  રાજકોટ વેટ જીએસટી તંત્ર દ્વારા આજે બપોરે ૧ર વાગ્યાથી શહેરમાં મેગા ઓપરેશન હાથ ધરી શહેરના મોટા માથા ગણાતા રર થી વધુ સોપારી-પાન મસાલા-તમાકુ-સીગારેટ- કીમામના ધંધાર્થીઓને ટેક્ષ બાકી, ટેક્ષ ચોરી, બાબતે દરોડાનો દોર શરૂ કરતા  ખળભળાટ મચી ગયો છે.

વેટના રેન્જ-રરના જોઇન્ટ કમીશનર અને તાજેતરમાં પાસ આપવા બાબતે મહત્વની કામગીરી દાખવનાર શ્રી ગોયાણી અને તેમના ઇન્સ્પેકટરો ઉપરાંત રાજકોટ કલેકટર પાસે એક દિવસ માટે મંગાવેલ દક્ષિણ મામલતદારશ્રી દંગી અને ૧૯-નાયબ મામલતદારોની ફોજ સાથે શહેરના જુદા જુદા વિસ્તારોમાં ધોંસ બોલાવાઇ છે. કુલ -રર ટીમો બનાવાઇ છે, અને શહેરમાં રર મોટા વેપારીઓને ત્યાં દરોડા પડાયા છે.

દરોડા એટલી મોટી માત્રામાં છે કે, વેટ તંત્ર દ્વારા કલેકટર પાસે દરોડાની કામગીરી માટે કડક અને જાબાઝ નાયબ મામલતદારોની ફોજ મંગાઇ હતી, પરીણામે કલેકટર શ્રી રેમ્યા મોહને ગઇકાલે મોડી સાંજે ઓર્ડરો કરી દક્ષિણ મામલતદારશ્રી દંગી, પુરવઠાના ચીફ સપ્લાય ઇન્સ્પેકટર શ્રી હસમુખ પરસાણીયા ઉપરાંત અન્ય ૧૮ નાયબ મામલતદારોને વર્તુળ-ર૩ કચેરીના હવાલે કરી દીધા હતા. આ તમામને દક્ષિણ મામલતદાર દંગીના સુપરવિઝન હેઠળ કામ કરવા આદેશો કરાયા છે.

આ પછી ઉપરોકત દરેક અધિકારીને બહુમાળી વેટ કચેરીએ બોલાવાયા હતા, અને બપોરે ૧ર વાગ્યા બાદ મગા ઓપરેશન તમાકુ-પાન-સોપારીના મોટા રર વેપારીઓ ઉપર હાથ ધરાયું હતું. સાંજ સુધીમાં તો મોટી ટેકસ ચોરીનો ફીગર બહાર આવવાની શકયતા ટોચના વર્તુળો દાખવી રહ્યા છે.

રાજકોટ કલેકટરના હવાલે મુકાયેલા ૧૯ નાયબ મામલતદારોમાં એચ. ડી. પરસાણીયા, પુરવઠા નિરીક્ષક, કે.એમ. ઝાલા, પુરવઠા નિરીક્ષક, એ.જી. જાડેજા, પુરવઠા નિરીક્ષક, એ.ડીમોરી-પુરવઠા નિરીક્ષક, ડો. તેજ એસ. બાણુગરીયા-(ના. મામ. મામલતદાર કચેરી, કોટડા સાંગાણી, વી.બી. મારૂ), વી.બી. મારૂ (ના. મામ. માલતદાર કચેરી, કોટડા સાંગાણી), વી.બી. ગઢવી (ના. મામ. મામલતદાર કચેરી, લોધીકા), એચ.બી. મકવાણા (સ.કો.મામલતદાર કચેરી, લોધીકા), એચ.બી. મકવાણા (સ.કો.મામલતદાર કચેરી, લોધીકા), એમ. જે. ધામેલીયા (સ.કો.મામલતદાર કચેરી, લોધીકા), જે. એમ. દેકાવાડીયા (સ.કો.મામલતદાર કચેરી, રાજકોટ તાલુકા), એસ.જે. જોષી ના. મામ. પ્રાદેશિક તાલીમ કેન્દ્ર, સ્પીપા, રાજકોટ), એચ.એસ. સોલંકી (નામ.મામ. પ્રાંત કચેરી, રાજકોટ ગ્રામ્ય), આર. કે. કાલીયા (નામ.મામ. પ્રાંત કચેરી, રાજકોટ ગ્રામ્ય), એમ.એ. જાડેજા (નામ.મામ. પ્રાંત કચેરી, રાજકોટ શહેર-ર), જે.બી. જાડેજા (નામ.મામ. પ્રાંત કચેરી, રાજકોટ શહેર-ર), વી.એસ. ચુડાસમા (ના.મામ. મામલતદાર કચેરી, પડધરી), એચ. જે. જાડેજા (ના.મામ. મામલતદાર કચેરી, પડધરી), એસ.એચ. લશ્કરી (ના.મામ. પ્રાંત કચેરી, રાજકોટ ગ્રામ્ય)નો સમાવેશ થાય છે. 

ઉપરોકત તમામને દક્ષિણ વિભાગ મામલતદાર શ્રી દંગીના સૂપર વિઝન હેઠળ કામ કરવા અને રેન્જ ર૬ના  જોઇન્ટ કમીશનરશ્રી ગોયાણીને રીપોર્ટ કરવા પણ કલેકટરશ્રી રેમ્યા મોહને આદેશો કર્યા છે.

દરમિયાન, વેટ કચેરીના ટોચના સૂત્રોના ઉમેર્યા પ્રમાણે વેટના ઇન્સ્પેકટર અને કલેકટર કચેરીના નાયબ મામતલદારોની કુલ રર ટીમો બનાવાઇ છે, અને આ રર ટીમો શહેરના સદર બજાર, સાધુ વાસવાણી રોડ, કરણપરા, વિસ્તાર, રાજકોટમાં થોકબંધ દુકાનો ધરવતા એક ઉદ્યોગપતિ, જંકશન પ્લોટ ક્ષેત્ર દાણાપીઠ, પરાબજાર, સામે કાંઠાની ત્રણ દુકાનો ૧પ૦ ફૂટ રીંગ રોડ, ઇન્દિરા ર્સકલ, કોઠારીયા રોડ, કેનાલ રોડના વેપારીઓ ઉપર ત્રાટકી હતી.

શહેરના અમુક રીટેઇલ વેપારીઓએ એવી ફરીયાદો કરી હતી કે, અમને અમુક એજન્સી વાળા સોપારી-તમાકૂ આપતા નથી અને કાળાબજાર કરે છે, પરીણામે આવા જથ્થાબંધ રર વેપારી પેઢી-એજન્સીને ત્યાં દરોડા પડાયા છે, આણંદપરમાં આવેલ ત્રણ ગોડાઉનમાં તપાસનો ધમધમાટ  શરૂ કરાયો છે, સાંજ સુધીમાં બધુ બહાર આવી જશે તેમ વેટના ટોચના સુત્રો  ઉમેરી રહ્યા છે.

(2:59 pm IST)