Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

બુધ- ગુરૂ બેંકના કર્મચારીઓની હડતાલ

દેશના ૯ લાખ અને રાજયના ૨૦ હજાર કર્મચારીઓ હડતાલમાં જોડાશેઃ ૧૫ હજારનું કલીયરીંગ ઠપ્પ થશેઃ રાજકોટમાં પરાબજાર ખાતે દેખાવો

 રાજકોટઃ તા.૨૯, મુખ્ય મજુર કમીશ્નરના સમાધાનના પ્રયાસ નિષ્ફળ ગઇ હોવાનું અને આઇબીએનુ જકકી વલણ યથાવત હોય બેંક કર્મચારી અધિકારીઓની ૩૦-૩૧મે ની હડતાલ નિશ્ચિત હોવાનું ગુજરાત બેંક વર્કસ યુનિયનના મહામંત્રી શ્રી કે.પી. અંતાણીએ યાદીમાં જણાવાયુ છે. એનડીએ સરકારે ઇન્ડિયન બેંકસ  એસોસીએશનને જાન્યુઆરી ૨૦૧૬માં બેંક કર્મચારીઓના દ્વી-પક્ષિય કરારની વાટાઘાટ દ્વારા નવે. ૨૦૧૭થી નવો પગાર મળે તે રીતે સમાધાન કરવાનો પરિપત્ર બહાર પાડેલ. કર્મચારીઓમાં સરકારની આ પહેલને બિરદાવવામાં આવેલ

 મે ૨૦૧૭થી ઓકટો. ૨૦૧૭સુધીમાં વાટાઘાટની ૧૫ બેઠકો પક્ષકારો વચ્ચે  યોજાઇ. પગાર વધારા સિવાયની અન્ય બાબતો અંગે  ચર્ચા થયેલ પરંતુ સરકાર તરફથી એટલે કે નાણાં મંત્રાલય તરફથી કર્મચારી અધિકારીઓને કેટલો પગાર વધારો આપવો તે અંગે સુચના આપવામાં આવેલ નહિં

 સરકાર તરફથી સાતમુ પગાર પંચ સ્વીકારેલ છે બેંક કર્મચારીઓએ સરકારની જનધન યોજના, નોટબંધી વખતે અથકય કામગીરી સરકારની વિમા યોજનાનું વેચાણ, મુદાલોનની સેન્કસન અને તેનુ વિતરણ અને છેલ્લે આધારકાર્ડ આપવા  વગેરેમાં બેનમુન કામગીરી બજાવેલ છે. અને વડાપ્રધાનશ્રીએ પણ તેની સરાહના કરેલ.

 ઉપરોકત કામગીરીને લક્ષમાં લઇ બેંક કર્મચારીઓને ગત દ્વિ-પક્ષીય કરારની જેમ ઓછામાં ઓછા ૧૫ % વધારો મળશે તેવી અપેક્ષા જરૂરથી હતી. પરંતુ ૫ મેના રોજ માર્ચ ૨૦૧૭ના પગાર બીલ પર ૨% પગાર વધારાનું સુચન કરેલ.

 આઇબીએએ બેંક હાલમાં  ખોટ કરે  છે તેવુ કારણ જાણવવામાં આવેલ. પરંતુ બેંકોનો ઓપરેટીંગ પ્રોફિટ પગાર બીલ બાદ કર્યા બાદ નકકી થાય છે જે ૨૦૧૭માં રુા.૧,૫૯,૦૦૦ કરોડ હતો. પરંતુ એનપીએની રૂ.૧,૭૦,૦૦૦કરોડની જોગાવઇ બાદ બેંકોની ખોટ રૂ.૧૧,૦૦૦ કરોડ થયેલ. આ બાબતમાં કર્મચારીઓ કે નાના અધિકારી જવાબદાર નથી. બેંક કર્મચારીઓએ આઇબીએના સુચનને ઠુકરાવેલ.

દરમિયાન ગઈકાલે મુખ્ય મજુર કમીશ્નર તરફથી સમાધાનના પ્રયાસ થયેલ જે નિષ્ફળ ગયેલ છે. બેંક કર્મચારીઓની માંગણી છે કે તાત્કાલીક પગાર વધારાનું સમાધાન કરવું, પગાર વધારો સંતોષજનક આપવો અને અધિકારીઓના સ્કેલ સાત એટલે કે જનરલ મેનેજર સુધીના અધિકારીઓ માટે સમાધાન કરવું.

તા.૩૦-૩૧ના (બુધ- ગુરૂ)ના રોજ ગુજરાતના ૨૦ હજાર કર્મચારી/ અધિકારીઓ હડતાલ પર જશે અને દેશના ૯ લાખ કર્મચારીઓ હડતાલ પાડશે. ગુજરાતનું લગભગ ૧૫ હજાર કરોડનું કલીયરીંગ ઠપ્પ થશે. રાજકોટમાં દેખાતો તા.૩૦ અને ૩૧ના રોજ સવારે ૧૦:૩૦ કલાકે બેંક ઓફ ઈન્ડિયા, પરા બજાર ખાતે યોજવામાં આવેલ હોવાનું શ્રી સંતાણીએ અંતમાં જણાવ્યું છે.

(4:33 pm IST)