Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

લાખોના બોગસ લોન કોૈભાંડમાં અંતે ૧૨ શખ્સો સામે ગુનો

૧૫૦ ફુટ રોડ પર ઇમ્પિરીયલ હાઇટ્સમાં આવેલા કેપિટલ ફર્સ્ટ ફાયનાન્સમાં કાવત્રુ રચી છેતરપીંડી : તુલેશ જાનીની ફરિયાદ પરથી કેપીટલ ફાયનાન્સના મેનેજર સરફરાજ હેરંજા, કર્મચારીઓ રાજેશ ડાંગર, નિખીલ કુબાવત, મનિષ વ્યાસ, રવિરાજસિંહ રાણા, મિત તન્ના, કિશન કતીરા, હાર્દિક જાડેજા, વસીમ દલવાણી, અર્જુન આહિર, હરકિશન અને મોન્ટુ સહિતના સામે એફઆઇઆર દાખલ

રાજકોટ તા. ૨૯: મવડી ૧૫૦ ફુટ રીંગ રોડ પર ઇમ્પિરીયલ હાઇટ્સમાં આવેલી કેપીટલ ફર્સ્ટ લિમીટેડ નામની ફાયનાન્સ કંપનીમાં કાવત્રુ રચી જુદા-જુદા લોકોના બોગસ ડોકયુમેન્ટ ઉભા કરી તેના આધારે મોબાઇલ ફોન માટે લાખોની બોગસ લોન મેળવી લેવાના કોૈભાંડનો પર્દાફાશ દસ દિવસ પહેલા થયો હતો. આ મામલે અંતે માલવીયાનગર પોલીસે ડઝન જેટલા શખ્સો સામે ગુનો નોંધ્યો છે. જેમાં કેપિટલના ફાયનાન્સ મેનેજર, કર્મચારીઓ સહિતના સામેલ છે.

પોલીસે બજરંગવાડી શિતલ પાર્ક બ્લોક નં. એ-૯૨માં રહેતાં અને ટૂર ટ્રાવેલ્સનો ધંધો કરતાં તુલેશભાઇ મુકુંદરાય જાની (ઉ.૩૮)ની ફરિયાદ પરથી કેપિટલ ફર્સ્ટ ફાયનાન્સના મેનેજર સરફરાજ હાજીભાઇ હેરંજા, કર્મચારીઓ રાજેશ ડાંગર, નિખીલ કુબાવત તથા તેની સાથેના મનિષ વ્યાસ, રવિરાજસિંહ રાણા ઉર્ફ રવિ, મિત તન્ના, કિશન કતિરા, હાર્દિક જાડેજા, વસીમ દલવાણી, અર્જુન આહિર, હરકિશન અને મોન્ટુ તથા તપાસમાં ખુલે તેની સામે આઇપીસી ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૦૬, ૧૨૦-બી મુજબ ગુનો નોંધ્યો છે.

તુલેશ જાનીએ ફરિયાદમાં જણાવ્યું છે કે૧૮/૫ના હું કામ સબબ બહાર હતો ત્યારે પત્નિએ ફોન કરીને જાણ કરી હતી કે કેપિટલ ફાયનાન્સમાંથી કોઇ ભાઇ રિકવરી કરવા ઘરે આવ્યા છે. તેની સાથે વાત કરતાં તેણે કહેલ કે તમારો લોનનો હપ્તો બાઉન્સ થયો છે. જેથી મેં કહેલ કે મેં કોઇ લોન જ લીધી નથી તો હપ્તો શેનો? આથી તેણે કહેલ કે તમે હેડપોસ્ટ ઓફિસ પાસે નવકાર ઝેરોક્ષની ઉપર બીજા માળે ઓફિસ છે ત્યાં આવજો તેમ કહેતાં હું સાંજે ત્યાં જતાં છત્રપાલસિંહ નામની વ્યકિત બેઠી હતી. તેણે કહેલ કે કેપિટલમાંથી તમે લોન લીધી ન હોય તો ઇમ્પિરીયલ હાઇટ્સમાં આવેલી તેની ઓફિસે જજો. જેથી બીજા દિવસે ૧૯મીએ હું ત્યાં ગયલો અને મેનેજર સરફરાજ હેરંજાને મળી વાત કરતાં તેણે કહેલ કે તમારી લોન રાજેશ ડાંગરે કરી છે.

એ પછી મારી લોન પાસ થઇ હતી તેના ડોકયુમેન્ટ મને બતાવાયા હતાં. પણ તેમાં સહી મારા બદલે કોઇ બીજાની હતી. ફોટો પણ મારા બદલે કોઇ બીજાનો જ હતો. રૂ. ૬૦૫૫૦ની લોન મોબાઇલ ફોન માટે લેવાઇ હોવાનું મને જણાવાયું હતું. ફોર્મમાં નામ સરનામા તો મારા જ હતાં. આધારકાર્ડ પણ મારુ જ હતું. પરંતુ તેમાં ફોટો બીજાનો હતો અને જન્મ તારીખ પણ બીજા વ્યકિતની હતી! મારા પિતાનું નામ પણ કેવાસી ફોર્મમાં ખોટુ હતું. ઓરિજીનલ સીન એન્ડ વેરીફાઇ કરતાં રાજેશ ડાંગરનું નામ અને ફોટો સામે આવ્યા હતાં. તેમજ લોન પાસ થઇ અને મોબાઇલ ઇશ્યુ થયો એ સ્થળનું સરનામુ સાકેત પ્લાઝા પાસે પંચનાથ મંદિર સામેનું હતું. જેમાં કસ્ટમરના નામ તરીકે મારુ નામ અને લોનની રકમ ૬૭૯૦૦ લખેલી હતી.

આમ સમગ્ર ડોકયુમેન્ટ ખોટા ઉભા કરી મારા નામે લોન લેવાઇ ગયાની ખબર પડતાં જે તે દિવસે પોલીસને અરજી આપી દધીી હતી. મેં માર ડોકયુમેન્ટ મનિષ વ્યાસને આઇસીઆઇસીઆઇના ક્રેડિટ કાર્ડ માટે આપ્યા હતાં. તેનો ઉપયોગ બોગસ લોન માટે કરી લેવાયો હતો.

આ રીતે બીજા લોકો મીરાબેન શંકરભાઇ સોલંકી (રહે. ધરમનગર કવાર્ટર રવિ રેસિડેન્સી સામે)ના નામે રૂ. ૫૩૯૦૦ની લોન, રૈયા ગામના અકબરહુશેન ગફારમિંયા કાદરીના નામે ૫૯૮૮૨ની લોન, વિજય પ્લોટના ધીરૂભાઇ દેવજીભાઇ ચોૈહાણના નામે મોબાઇલ ફોનની લોન, રેલનગર ક્રિષ્ના એપાર્ટમેન્ટના દિલીપભાઇ જયંતકુમાર મહેતાના નામે તેમજ પરસાણાનગરના રવિભાઇ જવાહરભાઇ યુગાના નામે, વિજય પ્લોટના દક્ષાબેન મુકેશભાઇ રાઠોડના નામે, મુકશેભાઇ ઉકાભાઇ રાઠોડના નામે, શારદાબેન રાઠોડના નામે તથા અન્ય લોકોના નામે રાજેશ ડાંગર અને નિખીલ કુબાવતે ખોટા દસ્તાવેજો ઉભા કરી લોનો લઇ લીધાની ખબર પડી હતી.

અમે તપાસ કરતાં જાણવા મળેલુ કે સરફરાજ અને રાજેશ ડાંગર તથા નિખીલ અને મનિષ વ્યાસે મળી તેના બીજા માણસો રવિરાજસિંહ રાણા, મીત, કિશન, હાર્દિક, વસીમ, અર્જુન, હરકિશન, મોન્ટુ સહિતની સાથે કાવત્રુ રચી યેનકેન પ્રકારે લોકોના ડોકયુમેન્ટ મેળવી તેના નામ-સરનામા-ફોટામાં ફેરફાર કરી કેપિટલ ફર્સ્ટ ફાયનાન્સમાંથી મોબાઇલ ફોન માટેની બોગસ લોનો મંજુર કરાવી લીધી છે. આ રીતે અનેક લોકો છેતરાયા છે. પી.આઇ. એન. એન. ચુડાસમા, પરેશભાઇ જારીયા, જાવેદહુશેન રિઝવી, અરૂણભાઇ બાંભણીયા સહિતના સ્ટાફે ગુનો નોંધી તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. છેતરાયેલા પૈકીના ૯ લોકો હાલમાં સામે આવ્યા છે. આ આંકડો વધવાની શકયતા છે.

(11:44 am IST)