Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

ધરમનગરની દર્શનાને પ્રેમી ભાવેશે બાઇકમાંથી પછાડીઃ લોકોએ તેને પકડી પોલીસને સોંપ્યો

વિધવા યુવતિ સફાઇ કામે જતી'તી ત્યારે સાધુ વાસવાણી રોડ પર રહેતાં યુવાન સાથે ઓળખાણ થઇ'તી : દર્શના રાઠોડ હોસ્પિટલના બિછાનેઃ તેણે કહ્યું- બે મહિનાથી ભાવેશ સાથે ઓળખાણ થઇ છે, તે મારા અઢી વર્ષના દિકરાને રાખવા ઇચ્છતો નથીઃ તેને મારી નાંખવાની ધમકી દઇ મને પરાણે સાથે લઇ જતો'તોઃ રસ્તામાં ઝઘડો થતાં ધક્કો દઇ : પછાડી દીધીઃ પોલીસે ભાવેશ સામે પુરઝડપે બાઇક હંકારી દર્શનાને બાઇકમાંથી પછાડી દઇ ઇજા પહોંચાડવાનો ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૯: રૈયાધારમાં રહેતી વિધવા વાલ્મિકી મહિલા દર્શના ઉમેશ રાઠોડ (ઉ.૨૬) રાત્રીના એકાદ વાગ્યે ધરમનગર કવાર્ટર પાસે તેના પ્રેમી સાધુ વાસવાણી રોડ પર ગુરૂજીનગર કવાર્ટરમાં રહેતાં ભાવેશ ભરતભાઇ રાઠોડ (ઉ.૨૩)ના બાઇક પરથી પડી જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં દાખલ થઇ હતી. આ મહિલાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે પોતાના દિકરાને મારી નાંખવાની ધમકી આપી ભાવેશ પરાણે તેની સાથે લઇ જતો હતો. રસ્તામાં ઝઘડો થતાં ભાવેશે જાણી જોઇને ચાલુ બાઇકે ધક્કો દઇ પછાડી દીધી હતી. આ વખતે લોકો ભેગા થઇ જતાં તેને પકડી લઇ પોલીસને સોંપ્યો હતો. જો કે પોલીસ મથકે આ મામલે અકસ્માતનો ગુનો દાખલ થયો છે!

મોડી રાત્રે દર્શના રાઠોડને તેના માતા મંજુલાબેન વજુભાઇ વાઘેલા અને બહેન સિવિલ હોસ્પિટલે લાવ્યા હતાં. હોસ્પિટલ ચોકીના સ્ટાફની પ્રાથમિક પુછતાછમાં દર્શનાએ પોતાને પ્રેમી ભાવેશ રાઠોડે બાઇકમાંથી પછાડી દેતાં ઇજા થયાનું જણાવતાં યુનિવર્સિટી પોલીસ મથકમાં નોંધ કરાવી હતી. એએસઆઇ એ. એસ. હરસોડા અને કુલદીપસિંહે દર્શના ઉમેશ રાઠોડ (ઉ.૨૬-રહે. રાણીમા રૂડીમા ચોક, રૈયાધાર કવાર્ટર)ની ફરિયાદ પરથી ભાવેશ ભરતભાઇ રાઠોડ (રહે. ગુરૂજીનગર) સામે અકસ્માત સર્જી ઇજા પહોંચાડવાનો ગુનો નોંધ્યો હતો. દર્શના ભાવેશના બાઇક પાછળ બેસીને જતી હતી ત્યારે તેણે પુરઝડપે બાઇક હંકારતાં તેણી પડી ગયાની નોંધ કરવામાં આવી હતી.

જો કે બીજી તરફ હોસ્પિટલના બિછાનેથી દર્શનાએ જણાવ્યું હતું કે પોતાના પતિ ગુજરી ગયા છે. સંતાનમાં અઢી વર્ષનો પુત્ર સંદિપ છે. પતિના અવસાન પછી પોતે રામાપીર ચોકડી પાસે રહેતી માતા સાથે રહે છે અને અગાઉ પોતે સાધુ વાસવાણી રોડ પર માતા સાથે સફાઇ કામ કરવા જતી હતી ત્યારે ત્યાં ગુરૂજીનગર કવાર્ટરમાં રહેતાં ભાવેશ રાઠોડ સાથે પરિચય થયો હતો. છેલ્લા બે માસથી તેની સાથે ઓળખાણ થતાં તે તેને સાથે લઇ જતો હતો. પરંતુ તે પોતાના અઢી વર્ષના દિકરાને સાથે રાખવા ઇચ્છતો ન હોઇ તેને એકલો મુકી પોતાની સાથે લગ્ન કરી લેવા દબાણ કરતો હતો.  આ રીતે દિકરાને મુકીને પોતે લગ્ન નહિ કરે તેમ જણાવતાં તે વારંવાર ઝઘડા કરતો હતો. ગત રાતે પણ તે ઘરે આવ્યો હતો અને તું આવે છે કે તારા દિકરાને લઇ જાવ? તેમ કહેતાં પોતે સાથે જવા નીકળી હતી. રસ્તામાં ઝઘડો થતાં ભાવેશે પોતાને ચાલુ બાઇકમાંથી પછાડી દીધી હતી. આ વખતે દેકારો થતાં લોકો ભેગા થઇ જતાં ભાવેશને પકડીને પોલીસને સોંપ્યો હતો. પોતાને ધક્કો મારીને પછાડાયાની વાતને દર્શના વળગી રહી હતી.

(11:44 am IST)
  • પાકિસ્તાની કાકલુદી બાદ ચીને નિભાવી દોસ્તી :પાકિસ્તાનને અપાયેલા 50 કરોડ ડોલરના લોનની શરતોમાં ચીને આપી છૂટછાટ આપવા સહમત ;આ એ સમયે રાહત આપી છે જયારે પાકિસ્તાનનું વિદેશી મુદ્રા ભંડાર છેલ્લા પાંચ વર્ષમાં 44 અબજ ડોલરના કર્જ લેવા છતાં કથળ્યું છે access_time 1:04 am IST

  • ઉત્તર પ્રદેશમાં અનપરા થર્મલ પાવર પ્લાંટમાં ભીષણ આગઃ કિલો મીટરો દૂરથી લબકારા દેખાય છેઃ લાખો રૂપિયાનું નુકશાન : ૧રપ કેવી સ્વિચ યાર્ડમાં આગ ફાટી ફાટી નિકળી access_time 4:16 pm IST

  • પાકિસ્તાનના સિંધ પ્રાંતની એસેમ્બલીએ હિન્દૂ વિધવા મહિલાઓને બીજા લગ્ન કરાવાનો અધિકાર આપ્યો :હિન્દૂ મહિલાઓ તેના પતિના મૃત્યુના છ મહિનામાં બીજા લગ્ન કરી શકશે :તે લગ્ન ખતમ કરવાની અરજી પણ આપી શકશે : આ પહેલા અલ્પસંખ્યક મહિલાઓ,વિધવાઓ અને છૂટાછેડા લીધેલીને કાનૂની રીતે બીજા લગ્ન કરવાની અનુમતિ નહોતી access_time 1:13 am IST