Gujarati News

Gujarati News

News of Tuesday, 29th May 2018

સુખી થવા માટે બદલાવ બીજામાં નહિં પણ પોતાનામાં કરીએ : પૂ.મહંતસ્વામી

વર્તમાન સમયમાં ઉદ્દભવતી સમસ્યાઓને રજૂ કરતો સંવાદ 'અનોખી કોર્ટ, અનોખો ચુકાદો' : સંપદિને રજૂ થયો : ઘસાવું, ખમવું, મનગમતુ મૂકવુ અને અનુકુળ થવુ : પૂ. ડોકટર સ્વામી * આજે સમર્પણદિન ઉજવાશે

રાજકોટ : બી.એ.પી.એસ. સ્વામિનારાયણ મંદિરે પૂ. મહંતસ્વામી મહારાજની પ્રાતઃપૂજા દર્શન માટે વહેલી સવારે ૫ વાગ્યાથી યુવાનો અને વડીલો સહિત નાના બાળકો પણ સ્વામીશ્રીની પ્રાતઃપૂજાનો લાભ લઇ રહ્યા છે. વરિષ્ઠ સદ્દગુરુ સંત પૂજય ડોકટર સ્વામીએ સંપ દિને આશીર્વચન આપી ચાર વાત સમજાવતા કહ્યું કે, 'ઘસાવું, ખમવું, મનગમતું મુકવું અને અનુકુળ થવું.' પૂ. મહંતસ્વામી મહારાજે પ્રાતઃપૂજા બાદ આશીર્વચન આપતા જણાવ્યું હતું કે, 'એક રૂચીવાળા બે ભેગા થાય તો હજારો છે. બીજાને આગળ રાખી સેવા કરવી. પોતાને ન્યૂન માનવો અને બીજાને અધિક માનવો એ એકાંતિક ભકત.'

સાંજની સત્સંગ સભાની પારાયણમાં પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજના સેવક સંત પૂજય નારાયણચરણ સ્વામી શ્નપ્રમુખચરિત્રામૃતલૃવિષય પર પ્રમુખસ્વામી મહારાજના વિશિષ્ટ પ્રસંગો પર કથાવાર્તાનો લાભ આપી રહ્યા છે.

સંપ દિનના સાંસ્કૃતિક કાર્યક્રમમાં, વર્તમાન સમયમાં સમજણના અભાવને લઈને ઉદ્દભવતી છૂટાછેડા અને વૃદ્ઘાશ્રમ જેવી સમસ્યાઓ તેમજ સમાજની વાસ્તવિકતા રજૂ કરતો અદ્દભુત સંવાદ 'અનોખી કોર્ટ, અનોખો ચુકાદો' રજૂ કરવામાં આવ્યો હતો. જે અંતર્ગત કોર્ટનું દ્રશ્ય ખડું કરી આ પ્રશ્નોને વાચા આપવામાં આવી હતી જેનું સમાધાન પરમ પૂજય મહંતસ્વામી મહારાજ દ્વારા આપવામાં આવ્યું હતું. ઇન્ટીરીયર ડીઝાઇન જોવામાં જે ધ્યાન રાખીએ એ સંબંધોના ઇન્ટીરીયરમાં ધ્યાન રાખીએ તો સંબંધો સુગંધિત બને. અંતમાં પૂ. મહંતસ્વામી મહારાજે આશીર્વચનમાં જણાવ્યું હતું કે પ્રમુખસ્વામી મહારાજ ઘણી વખત કહે છે, 'સંપ વગર ઘરના ગોળાનું પાણી સુકાઈ જાય એટલે કે ગોળાનું પાણી બધા પીએ પણ તેમાં કોઈ ઉમેરે નહી. સુખી થવા માટે બદલાવ બીજામાં નહી પરંતુ પોતાનામાં કરીએ. સંપ, સુહ્યદભાવ, દયા, મર્યાદા હોય ત્યાં પ્રભુ વસે છે માટે સંપ એ તો પ્રત્યેક વ્યકિતના જીવનનો પ્રાણ છે.'

આજે પરમ પૂજય મહંતસ્વામી મહારાજની ઉપસ્થિતિમાં સમર્પણ દિન ઉજવાશે. આજે સાયંસભા બાદ પૂ. મહંતસ્વામી મહારાજના સમીપ દર્શનનો લાભ ઉપસ્થિત સૌ કોઈ ભકતોને મળનાર છે.

સંપ માટે પૂ.પ્રમુખસ્વામી મહારાજે આપેલા સૂત્રો

 એકબીજાના સ્વભાવ સહન કરો

 ઘસારો વેઠો

 મનગમતુ મૂકો

 અનુ કૂળ થાઓ

 એકબીજાનો મહિમા સમજો

 પ્રાર્થના કરો

 ભૂલ થાય તો તરત માફી માગો

 મોટું મન રાખો

 હકદાવો ન કરો

 ખમવાની ટેવ રાખો

 માથા પર બરફની પાટ રાખી સેવા કરો.

(11:43 am IST)