Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

વારસાઇ મિલ્કતનો હકક મેળવવા સાળાની હત્યાના ગુનામાં બનેવીની જામીન અરજી રદ

આરોપીએ ૬૦ દિવસ માટે વચગાળાના જામીન અરજી કરી હતી

રાજકોટ,તા.૨૯: અહીંના ભવાનીનગરમાં દેવુભા રમેશભાઇ સાકરીયાની દારૂમાં ઝેરી પદાર્થ પીવડાવીને હત્યા કરવાના ગુનામાં પકડાયેલ મૃતકના બનેવી એવા આરોપી અશ્વિન રાઘવજી ડોડીયાએ ૬૦ દિવસ માટે વચગાળાના જામીન પર છુટવા કરેલ અરજીને મુખ્ય સેસન્સ જજ.શ્રી પુ.ટી દેસાઇએ રદ કરી હતી.

આ અંગેની વિગત એવી છે કે મરનાર આરોપીનો સાળો થતો હોય અને તે એક જ પુત્ર હોય તેનો વારસાઇ હકક મેળવવા આરોપીએ તેના સાળા મૃતક દેવુભા રમેશભાઇ સાકરીયાને તા. ૨૪/૮/૧૯નાં રોજ આરોપી અને તેના મિત્રોએ દારૂમાં ઝેરી પદાર્થે પીવડાવી દઇને મરનારને બેભાનાવ્યસ્થામાં કિસાનપરામાં આવેલ તેની હોટલ ખાતે મુકી ગયા હતા. જેનું બાદમાં મૃત્યુ નિપજતાં પોલીસે તપાસના અંતે ખુનનો ગુનો નોંધીને આરોપીઓની ધરપકડ કરીને જેલ હવાલે કરતાં આરોપીઓ પૈકીના મુખ્ય આરોપી મરનારના બનેવી અશ્વિન રાઘવજી ડોડીયાએ વચગાળાના જામીન પર છુટવા અરજી કરી હતી.

આ અરજી વિરોધમાં સરકારી વકીલ મહેશભાઇ જોષીએ રજુઆત કરેલ કે, આરોપીએ કોરોના અને તેની વૃધ્ધ માતાની બિમારી સબબ ૬૦ દિવસના જામીન મળવા અરજી કરી છે. પરંતુ આરોપીની માતાને ઉંમરની બિમારી હોય તેના માટે વચગાળાના જામીન આપવા યોગ્ય ન હોય, અરજી રદ કરવી જોઇએ.

ઉપરોકત રજુઆત અને ગુનાની ગંભીરતાને ધ્યાને લઇને મુખ્ય સેસન્સ જજ શ્રી .પુ.ટી. દેસાઇને આરોપીની વચગાળાની જામીન અરજીને રદ કરી હતી.

 આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી.શ્રી મહેશભાઇ જોષી રોકાયા હતા.

(3:01 pm IST)