Gujarati News

Gujarati News

News of Wednesday, 29th April 2020

પૂ.આપાગીગાની ૧પ૦મી નિર્વાણ તિથિએ પૂ.વિજયબાપુ દ્વારા સમાધિ પૂજન

રાજકોટ : કરોડો ભાવિકોની આસ્થાના સ્થાનક સત્તાધારધામમાં તાજેતરમાં પૂ. આપાગીગાની ૧પ૦મી નિર્વાણ તિથિ સાદગીથી ઉજવવામાં આવી હતી. કોરોના મહામારી અને લોકડાઉનની સ્થિતિમાં સરકારશ્રી દ્વારા અપાયેલી ગાઇડલાઇનનું સત્તાધારધામ દ્વારા નિષ્ઠાપૂર્વક પાલન થાય છે. પૂ. આપાગીગાની ૧પ૦મી નિર્વાણ તિથિએ તમામ ઉત્સવો રદ્દ કરીને પૂર્ણ સાદગી સાથે ઉજવણી કરાઇ હતી. મહંત પૂ. વિજયબાપુએ ૧પ૦મી નિર્વાણ તિથિ દિને પૂ. આપાગીગાની સમાધિનું ભાવપૂર્વક વિશેષ પૂજન કર્યું હતું. મંગલા આરતી કરવામાં આવી હતી. ભોગ ધરાયેલો અને ધજા ચઢાવાઇ હતી. ઉપરાંત કોરોના મહામારીથી ઝડપથી મુકિત મળે તેવી પ્રાર્થના કરવામાં આવી હતી. પૂ. વિજયબાપુએ 'અકિલા' સાથે વાતચીત કરતા કહ્યું હતું કે, ભાવિકો માટે એ જ સંદેશ છે કે, ઘરમાં રહો, સુરક્ષિત રહો અને જીવ માત્રના કલ્યાણ માટે પૂ. આપાગીગાને પ્રાર્થના કરતા રહો. પૂ. વિજયબાપુએ આગળ કહ્યું હતું કે, સત્તાધારધામ સમાજહિત-રાષ્ટ્રહિતને પ્રાધાન્ય આપે છે. આગામી અષાઢી બીજ ઉત્સવ અંગે પણ સરકારશ્રીની ગાઇડલાઇન પ્રમાણે સાદગીથી ઉજવાશે. તસવીરોમાં મહંત પૂ. વિજયબાપુ દ્વારા પૂ. આપાગીગાની સમાધિનું પૂજન થતું દર્શાય છે.

(1:07 pm IST)