Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

કોન્ટ્રાકટરની કુબુધ્ધી ...રાતે બાંધકામની સાઇટ પરથી ૨ લાખની લિફટ ચોરી લીધીઃ પોલીસે દબોચી લીધો

લાલપાર્કમાંથી મહેન્દ્ર મકવાણાની સાઇટ પરથી પોતાની કારમાં લિફટ બાંધી હંકારી ગયોઃ ભકિતનગર પોલીસે સીસીટીવી ફૂટેજને આધારે કામનાથ સોસાયટીના હરેશ પીપળીયા (પટેલ)ને બોલબાલા માર્ગ પરથી દબોચ્યો

તસ્વીરમાં અર્ટીગા કાર પાછળ ટો કરીને લઇ જવાતી લિફટ સીસીટીવીમાં નજરે પડ્યા હતાં તે દ્રશ્ય અને ઇન્સેટમાં લિફટની ચોરી કરતાં પકડાયેલો હરેશ પટેલ જોઇ શકાય છે

રાજકોટ તા. ૨૯: અટીકા એંસી ફુટ રોડ લાલપાર્ક ચોકમાં બાંધકામની સાઇટ પરથી ગત રાત્રે નવેક વાગ્યે કોન્ટ્રાકટર યુવાને છત ભરવા માટે રાખેલી રૂ. ૨,૦૦,૪૯૩ની કિંમતની લિફટ ચોરાઇ જતાં દોડધામ મચી ગઇ હતી. ભકિતનગર પોલીસને જાણ થતાં સીસીટીવી ફૂટેજને આધારે તપાસ કરી ભેદ ઉકેલી નાંખ્યો હતો. લિફટને પોતાની કાર પાછળ બાંધીને ચોરી જનાર હરિ ધવા રોડ પર રહેતાં બાંધકામ કોન્ટ્રાકટર પટેલ શખ્સને દબોચી લેવાયો હતો.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ મુળ જેતપુરના હરિપરના મહેન્દ્ર શામજીભાઇ મકવાણા (ઉ.૩૦) નામના યુવાને હાલમાં રાજકોટ ૮૦ ફુટ રોડ લાલપાર્કમાં બાંધકામની સાઇટ ચાલુ કરી છે. અહિ છત ભરવામાં ઉપયોગી એવી લિફટ પણ રાખી હતી. રવિવારે રાત્રે નવ વાગ્યા બાદ આ સાઇટ પરથી બે લાખની કિંમતની લિફટ ગાયબ થઇ જતાં કોન્ટ્રાકટર અને મજૂરોએ દોડધામ શરૂ કરી હતી. અંતે ભકિતનગર પોલીસને જાણ કરતાં પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં ટીમે દોડધામ શરૂ કરી દીધી હતી.

અલગ-અલગ સીસીટીવી કેમેરા ચેક કરતાં જીજે૩જેઆર-૬૬૫૩ નંબરની અર્ટીગા કાર પાછળ આ લિફટને બાંધીને લઇ જતો એક શખ્સ જોવા મળ્યો હતો. આ શખ્સ બોલબાલા માર્ગ તરફ હોવાની સચોટ બાતમી પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ ગમારા, કોન્સ. દેવાભાઇ ધરજીયાને મળતાં વોચ રાખી તેને કાર નંં. જીજે૩જેઆર-૬૬૫૩ તથા પાછળ બાંધેલી લિફટ સાથે પકડી લીધો હતો. પુછતાછમાં તેણે પોતાનું નામ હરેશ રમેશભાઇ પીપળીયા (પટેલ) (ઉ.૩૧-રહે. હરિ ધવા માર્ગ, કામનાથ સોસાયટી-૪) જણાવ્યું હતું.

હરેશે પોલીસ સમક્ષ રટણ કર્યુ હતું કે પોતે પણ બાંધકામના કોન્ટ્રાકટ રાખતો હોઇ તેમાં જરૂર હોવાથી રાત્રીના સમયે સાઇટ પર લિફટ રેઢી પડી હોઇ પોતાની કાર પાછળ  બાંધીને લઇ જતો હતો. જો કે લિફટને સગેવગે કરે એ પહેલા પોલીસની ઝપટે ચડી ગયો હતો.

ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને એસીપી એચ. એલ. રાઠોડની સુચના તથા પી.આઇ. વી. કે. ગઢવીની રાહબરીમાં પીએસઆઇ જેબલીાય, વિક્રમભાઇ, મહેન્દ્રસિંહ, સલિમભાઇ મકરાણી, દેવાભાઇ, રાજેશભાઇ, દિવ્યરાજસિંહ, ભાવેશભાઇ, વાલજીભાઇ, મનિષભાઇ, હિતેષભાઇ સહિતે આ કામગીરી કરી હતી. પોલીસે લિફટ અને કાર મળી રૂ. ૯,૦૦,૪૯૩નો મુદ્દામાલ કબ્જે કર્યો છે.

(3:58 pm IST)