Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

શાળા ફી નિર્ધારણના ડીંડક સામે બુધવારથી ધરણા

ત્રિકોણ બાગ ખાતે મોહનભાઇ સોજીત્રાની આગેવાનીમાં ત્રણ દિવસ છાવણી : શાળા સંચાલકો અને નિર્ધારણ કમીટીની મીલી ભગત સામે રોષઃ સુપ્રિમના આદેશોને પણ ઘોળીને પી જવાતા હોવાનો આક્રોશ : વાલીઓએ ફી ભર્યાની પહોંચ સાથે છાવણી પર ઉમટવા અનુરોધ

રાજકોટ તા. ૨૯ : ખાનગી શાળાઓમાં તોતીંગ ફી ભરતા વાલીઓને રાહત આપવા સુપ્રિમ કોર્ટના આદેશથી ફી નિર્ધારણ કમીટી અમલમાં આવ્યા પછી પણ વાલીઓને જોઇએ તેટલી રાહત મળી શકી ન હોવાના અસંતોષ સાથે બુધવારથી ત્રિકોણ બાગ ખાતે ત્રણ દિવસીય ધરણાનું એલાન અપાયુ છે.

આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મુખ્ય સંયોજક મોહનભાઇ સોજીત્રા સહીતના આગેવાનોએ જણાવેલ કે રાજકોટમાં ફી નિર્ધારણ કમીટીના નામે ડીંડક ચાલે છે. હકીકતે કમીટી અને શાળા સંચાલકોની મીલીભગત હોવાનું સ્પષ્ટ જણાઇ રહ્યુ છે. વર્ષો વર્ષ શાળા સંચાલકો તો તેમની રીતે મનઘડત ફી ઉઘરાવતા જ રહ્યા છે. તો વાલીઓને ન્યાય કયારે મળશે?

સુપ્રિમનો આદેશ હોવા છતા એફઆરસી કમીટીમાં જે શાળાઓ હજુ સુધી ગઇ નથી તેમની સામે પણ પગલા ભરવામાં જિલ્લા શિક્ષણાધિકારીને કોની શરમ નડે છે?

માત્ર ફી ની સમસ્યા નથી. મોટાભાગની શાળાઓમાં પાર્કીંગનો અભાવ છે. રમત ગમતના મેદાનોનો અભાવ છે. કેટલીક શાળાઓમાં તો શૌચાલયની પુરતી સુવિધા પણ નથી હોતી. બાળકોને સ્વચ્છ પીવાનું પાણી મળતુ નથી.

 ત્યારે આ બધા મુદ્દા લઇને આગામી તા. ૧ ના ગુજરાત સ્થાપના દિવસે ત્રિકોણ બાગ ખાતે સવારે ૧૧ થી સાંજે ૬ સુધી ધરણા છાવણી શરૂ કરાશે. તા. ૧ થી તા. ૩ બુધ, ગુરૂ, શુક્ર થનાર આ ધરણા દરમિયાન કોઇ પણ વાલી તેમની સમસ્યાઓના ઉકેલ માટે આ ધરણામાં જોડાઇ શકશે. વાલીઓએ ફી ની પહોંચ લઇને ધરણા છાવણી પર ઉમટવા જાહેર અનુરોધ કરાયો છે.

ફી નિર્ધારણ કાયદાનો ચૂસ્ત અમલ કરવા અને આવો અમલ ન કરનાર શાળા સંચાલકો સામે શિક્ષાત્મક પગલા ભરવા  આ ધરણા સમિતિએ માંગણી ઉઠાવી છે. ધરણા સમિતિમાં મુખ્ય સંયોજક પૂર્વ ડે. મેયર મોહનભાઇ સોજીત્રા, રાજુભાઇ કીયાડા, જયેશભાઇ વ્યાસ, હિંમતભાઇ લાબડીયા, નયનાબેન કોઠારી, ગજુભા ઝાલા, જીજ્ઞેશભાઇ કાકડીયા, ઇશ્વરદાસ કાપડી, સરલાબેન પાટડીયા, મનીષાબા વાળા, હંસાબેન, સરોજબેન, જીતુભાઇ લખતરીયા, વિજયભાઇ લખતરીયા, પ્રવિણભાઇ સોનારા, પ્રવિણભાઇ લાખાણી, અશોકભાઇ પટેલ, નરેશભાઇ ગઢવી, ગીરધરભાઇ ચોવટીયા, તુષારભાઇ નંદાણી, પ્રવિણભાઇ સોરાણી, રાજુભાઇ કાપડીયા, કિશોરભાઇ ડોબરીયા, ગોરધનભાઇ મોરવાડીયા, યુનીસભાઇ ભટ્ટી, મેઘજીભાઇ રાઠોડ, આરીફભાઇ, ગોવાભાઇ માલધારી, વિશાલભાઇ પ્રજાપતિ, હાર્દીકભાઇ રાઠોડ, બીપીનભાઇ સોજીત્રા, નંદલાલભાઇ શેરસીયા, કાનજીભાઇ ઢોલરીયા, અશોકભાઇ પરમાર, બીજલભાઇ ચાવડીયા, માણસુરભાઇ વાળા, ધરમશીભાઇ સાકરીયા, ભરતભાઇ માલી, ખોડીદાસ પાનસુરીયા, ભરતભાઇ મકવાણા, કિશોરગીરી ગોસ્વામી, ચિરાગભાઇ મોલીયા, રાકેશભાઇ રોકડ કાળુભાઇ ગોસ્વામી, રાજુભાઇ આમરણીયા, નાથાભાઇ આહીર, મેણંદભાઇ કુગશીયા, શશીભાઇ કંસારા, હરેશભાઇ કુકાવા વગેરે આ પ્રતિક ધરણામાં જોડાશે. તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા મુખ્ય સંયોજક મોહનભાઇ સોજીત્રા (મો.૯૩૭૫૫ ૦૫૨૫૦), રાજુભાઇ કીયાડા (મો.૯૪૨૬૭ ૬૨૮૨૧), રાજુભાઇ આમરણીયા, નરેશભાઇ ગઢવી, સંજીવભાઇ ભંડેરી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:56 pm IST)