Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

સાંજે નૃત્ય મહોત્સવ : ભરત નાટયમ્, કથ્થક, કુચીપુડી, મોહીની અટ્ટમ શૈલી માણવા મળશે

ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી તથા શ્રીજી પર્ફોમીંગ આર્ટસના સંયુકત ઉપક્રમે

રાજકોટ તા. ૨૯ : આજે વિશ્વ નૃત્ય દિવસ નિમિતે હેમુ ગઢવી મીની હોલમાં 'નૃત્ય મહોત્સવ' નું આયોજન કરાયુ છે.આ અંગે 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા જણાવાયુ હતુ કે ગુજરાત રાજય સંગીત નાટક અકાદમી અને શ્રીજી પર્ફોમીંગ આર્ટસના સંયુકત ઉપક્રમે આજે તા. ૨૯ ના સોમવારે રાત્રે ૮ વાગ્યાથી હેમુ ગઢવી મીનલ હોલમાં નૃત્ય મહોત્સવ યોજવામાં આવ્યો છે.

જેમાં ખાસ કરીને રાજકોટ માટે થોડુ નવીન કહી શકાય તેવા કુચીપુડી અને મોહીની અટ્ટમ નૃત્યોની પ્રસ્તુતી થશે. ભરત નાટયમ્ અને કથ્થક શૈલી પણ આવરી લેવાશે.

આ પ્રસંગે શ્રીજી પર્ફોમીંગ આર્ટસના ડીરેકટર કુ. અમીષાબેન બારોટ, મેયર બીનાબેન આચાર્ય, પૂર્વ ધારાસભ્ય ભાનુબેન બાબરીયા, બ્રહ્મ મહીલા અગ્રણી અલ્કાબેન ભારદ્વાજ, બ્રહ્મ મહીલા અગ્રણી વંદનાબેન ભારદ્વાજ, સંગીતકાર માલાબેન ભટ્ટ, બ્રહ્મ મહીલા અગ્રણી લીનાબેન શુકલ, ભરત નાટયમ વિશારદ અનુપમાબેન દોશી, ભુદેવ સેવા સમિતિના તેજશભાઇ ત્રિવેદી ઉપસ્થિત રહેશે. નૃત્ય પ્રસ્તૃતીમાં સર્વશ્રી શીતલબેન બારોટ (ભરત નાટયમ), શ્રીમતી વનિતાબેન નાગરાજન (ભરત નાટયમ, કુચીપુડી, મોહીની અટ્ટમ), પલ્લવીબેન વ્યાસ (કથ્થક કલાગુરૂ), અશ્વીનીબેન વરસાણી (કુચીપુડી) અને તેમની ટીમ દ્વારા વિવિધ શૈલીના નૃત્યો રજુ થશે.

રસ ધરાવતા સર્વે માટે નિઃશુલ્ક પ્રવેશ છે. તસ્વીરમાં 'અકિલા' ખાતે વિગતો વર્ણવતા પલ્લવીબેન વ્યાસ (મો.૯૪૨૭૨૧૭૫૯૮), શીતલબેન બારોટ (મો.૯૯૦૯૯ ૫૧૩૧૯), તેજસભાઇ ત્રિવેદી અને બાજુમાં  કેમ્પેઇનવાળા કામીન દોશી નજરે પડે છે. (તસ્વીર : સંદીપ બગથરીયા)

(3:53 pm IST)