Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

વડોદરા વકીલ મંડળના સમર્થનમાં કાલે રાજકોટના વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહેશે

આવતીકાલે રાજકોટ બાર.ના વકીલો સુત્રોચ્ચાર કરશે

રાજકોટ તા. ર૯: રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ શ્રી બકુલ વી. રાજાણીની સુચના મુજબ કારોબારી કમીટી આ સરકયુલર ઠરાવથી ઠરાવે છે કે, તારીખઃ ર૪-૪-ર૦૧૯ના રોજનો બરોડા બાર એશોસીએશનનો પત્ર રાજકોટ બાર એશોસીએશનને મળેલ છે જેમાં જણાવેલ છે કે બરોડા વકીલ મંડળના વકીલોની અપુરતી બેઠક વ્યવસ્થા સબંધે છેલ્લા ૧ માસથી વધુ સમયથી આંદોલન ચાલી રહ્યું છે ત્યારે બરોડા પોલીસ દ્વારા બરોડા વકીલ મંડળના પ્રમુખશ્રી હસમુખભાઇની ગેરકાયદેસર અટકાયત કરવામાં આવેલ જે સંદર્ભે ગુજરાતના અલગ અલગ જીલ્લાઓના વકીલ મંડળોના અલગ અલગ પ્રતિનિધિઓ દ્વારા ગત તારીખ ર૦-૪-ર૦૧૯ના રોજ એક મીટીંગનું આયોજન બરોડા મુકામે રાખવામાં આવેલ હતું. જેમાં તમામ વકીલ મંડળોના પ્રતિનિધિઓએ આપેલ સુચના મુજબ આવતીકાલ તારીખ ૩૦-૪-ર૦૧૯ને મંગળવારના રોજ કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનું નકકી કરવામાં આવેલ હતું.

બરોડા વકીલ મંડળની જે લડત છે તે વકીલ આમની એકતાનું પ્રતીક છે અને વકીલોનો મુળભુત અધીકાર પણ છે આ ઉપરાંત આ સમગ્ર લડત વકીલોના માન સન્માન બાબતની લડત છે જે સંદર્ભે રાજકોટ બાર એશોસીએશનના આ સરકયુલર ઠરાવથી નકકી કરવામાં આવે છે કે બરોડા વકીલ મંડળની આ લડત વકીલ હીત ને અનુલક્ષીને હોય તેના ટેકામાં રાજકોટ બાર એશોસીએશન દ્વારા તારીખ ૩૦-૪-ર૦૧૯ના રોજ એક દિવસીય કોર્ટ કાર્યવાહીથી અલીપ્ત રહેવાનું (અરજન્ટ મેટર સિવાય) ઠરાવવામાં આવે છે. તથા તારીખ ૩૦-૪-ર૦૧૯ના રોજ વકીલો દ્વારા સવારે ૧૧-૦૦ કલાકે સુત્રોચ્ચાર કરવાનું પણ ઠરાવવામાં આવેલ છે.

આ ઠરાવને રાજકોટ બાર એશોસીએશનના પ્રમુખ બકુલભાઇ રાજાણી, ઉપ પ્રમુખ સિધ્ધરાજસિંહ જાડેજા, સેક્રેટરી ડો. જીજ્ઞેશભાઇ જોષી, જોઇન્ટ સેક્રેટરી નિલેશભાઇ પટેલ, ટ્રેઝરર અમીતભાઇ ભગત, લાયબ્રેરી સેક્રેટરી મોનીશભાઇ જોશી તથા કારોબારી સભ્ય સર્વે નીશાતભાઇ જોશી, સુમીતભાઇ વોરા, જીતેન્દ્રભાઇ પારેખ, મનીષભાઇ આચાર્ય, પંકજભાઇ દોંગા, રેખાબેન પટેલ, સંદીપભાઇ જોશી, રીતેશભાઇ ટોપીયા, સંજયભાઇ પંડયા, રાજેશભાઇ ચાવડાએ સમર્થન આપેલ છે.

(3:43 pm IST)