Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

બબ્બે દિકરીઓની બિમારી જોઇ ન શકતાં અને દવાના ખર્ચને પહોંચી ન શકતાં પિતાએ જિંદગીથી છેડો ફાડ્યો

ઠક્કરબાપા હરિજન વાસમાં સફાઇ કામદાર ભીખુભાઇ પરમારના આપઘાતથી હરિજન પરિવારમાં કલ્પાંત

આપઘાત કરનાર સફાઇ કામદાર ભીખુભાઇનું ઘર, તેનો ફાઇલ ફોટો, શોકમય પિતા બાબુભાઇ પરમાર (માથે પાઘડી બાંધેલા) તથા ભીખુભાઇની બંને દિકરીઓ અને પરિવારજનો જોઇ શકાય છે (ફોટોઃ સંદિપ બથગરીયા)

રાજકોટ તા. ૯: કોઇપણ પિતા માટે દિકરી વ્હાલનો દરિયો હોય છે. દિકરીઓ બાપને સોૈથી વધુ વહાલી હોય છે. ત્યારે ભીલવાસના ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં સફાઇ કામદાર યુવાને બબ્બે બિમાર દિકરીનું દુઃખ જોઇ ન શકતાં અને તેની દવા-સારવારના ખર્ચને પહોંચી ન વળતાં કંટાળીને જિંદગીથી છેડો ફાડી લેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો છે. કરૂણતા એ છે કે આપઘાત કરનાર યુવાન માતા-પિતાનો પણ એકનો એક આધારસ્તંભ અને બે બહેનનો એક જ ભાઇ હતો.

જાણવા મળ્યા મુજબ ઠક્કરબાપા હરિજનવાસમાં રહેતાં ભીખુભાઇ બાબુભાઇ પરમાર (ઉ.૩૫) નામના યુવાને રવિવારે સાંજે માંકડ મારવાની દવા પી લેતાં ગંભીર હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ પટેલ મારફત જાણ થતાં પ્ર.નગરના પીએસઆઇ કે.ડી. પટેલ અને મદદનીશ રામજીભાઇએ તાકીદે પહોંચી કાર્યવાહી કરી હતી અને ભીખુભાઇનું મામલતદાર સમક્ષ ડીડી લેવડાવ્યું હતું.

ભીખુભાઇએ સારવાર વખતે ડીડીમાં જણાવ્યું હતું કે પોતે મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઇ કામદાર તરીકે નોકરી કરી ગુજરાન ચલાવે છે. સંતાનમાં ૧૪  અને ૧૨ વર્ષની બે દિકરીઓ છે. જેમાં ૧૪ વર્ષની કિદરી જાગૃતિ માનસિક અસ્વસ્થ છે અને તેની દવા સારવાર ચાલુ છે. તેમજ ૧૨ વર્ષની દિકરી કાળીને  ડાયાબિટીશની બિમારી હોઇ નિયમીત ઇન્સ્યુલિનના ઇન્જેકશન અપાવવા પડે છે. પોતે કોઇપણ રીતે આ બંને બિમારી દિકરીના દવા-સારવારના ખર્ચને પહોંચી વળતા ન હોવાથી અને બંને દિકરીઓનું દુઃખ પણ જોઇ શકતો ન હોવાથી ઝેરી દવા પી લીધી હતી.

બીજી તરફ સારવાર દરમિયાન તેણે દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો. આપઘાત કરનાર ભીખુભાઇ બે બહેનના એકના એક ભાઇ હતાં અને વૃધ્ધ માતા રામબેન તથા પિતા બાબુભાઇના એક જ દિકરા તથા બે બહેનના એકના એક ભાઇ હતાં. તેના પત્નિનું નામ પારૂબેન છે. પત્નિ, બે પુત્રી, માતા-પિતા, બહેનો સહિતના સ્વજનો આ ઘટનાથી ઉંડા આઘાતમાં ગરકાવ થઇ ગયા છે.

(3:43 pm IST)