Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

લાંચ કેસમાં સીટી સર્વેયર કચેરીના મેઈન્ટેન્સ સર્વેયરનો શંકાના લાભ સાથે છૂટકારો ફરમાવતી સેસન્સ અદાલત

રાજકોટ, તા. ૨૯ :. લાંચ રૂશ્વત પ્રતિબંધક ધારા - ૧૯૮૮ની કલમ ૭, ૧૩(૧) (ધ) તથા ૧૩(૨)ના ગુન્હામાં પકડાયેલ સીટી સર્વેયર કચેરીના મેઈન્ટેન્સ સર્વેયર તરીકે વિપુલભાઈ પ્રતાપભાઈ ઉપાધ્યાય સામેનો કેસ ચાલી જતા અદાલતે શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ કરેલ છે.

હાલના કેસમાં આ કામના ફરીયાદી નવીનભાઈ કાનાભાઈ કાનગડના પિતાજીના નામે રાજકોટના સર્વે નં. ૪૫૦નો પ્લોટ હોય આ પ્લોટના અગાઉ સાટાખત થયેલ હોય જે અનુસંધાને દસ્તાવેજ કરવાનો હોય પ્લોટના મુળ માલિક દસ્તાવેજ કરી આપવાની ના કહેતા કોર્ટમાં કરેલ અરજી અનુસંધાને માપણીશીટની જરૂરીયાત ઉભી થતા ફરીયાદીએ પ્લોટની માપણી કરી આપવા તથા ફરીયાદીએ પ્લોટની માપણી કરી આપવા તથા માપણીશીટની નકલ મળવા માટે સીટી સર્વે સુપ્રી. ૧ રાજકોટની કચેરીમાં ફરીયાદીના બાપુજીના નામથી અરજી કરતા આરોપીએ ફરીયાદી પાસે કામ કરી આપવા રૂ. ૨૦૦૦ માંગી જે તે વખતે સ્વીકારેલ બાદ માપણીશીટમાં ખામી રહી જતા ફરી વખત ફરીયાદીએ સુધારા માપણીશીટ મળવા માટે અરજી કરતા આરોપીએ કામ કરી આપવા માટે રૂ. ૩૦૦૦ની માંગણી કરેલ બાદમાં આરોપીએ ફરીયાદી પાસે પંચ નં. ૧ની હાજરીમાં માપણીશીટની નકલ આપવા બાબતે વાયદા મુજબ રૂ. ૩૦૦૦ની લાંચ સ્વીકારી કલાક ૧૫.૩૦ વાગ્યે ઝડપાઈ જઈ આરોપીએ વધારાનો આર્થિક લાભ મેળવવા સરકારી નોકર તરીકે પોતાના હોદાનો દુરૂપયોગ કરેલ અને તેમ કરીને આ કામના આરોપીએ ભ્રષ્ટાચાર અધિનિયમની ૧૯૮૮ની કલમ ૭, ૧૩(૧) (ધ) તથા ૧૩(૨) હેઠળનો ગુનો કરેલ તે મતલબની ફરીયાદ ફરીયાદી નવીનભાઈ કાનાભાઈ કાનગડ રહે. રાજકોટવાળાએ આરોપી વિરૂદ્ધ રાજકોટ એ.સી.બી. પોલીસ સ્ટેશનમાં ૧૦/૦૬થી લાંચ રૂશ્વત પ્રતીબંધક ધારા - ૧૯૮૮ની કલમ ૭, ૧૩(૧) (ધ) તથા ૧૩(૨) મુજબના ગુનાની ફરીયાદ આપેલ હતી.

આ કામમાં બચાવ પક્ષે એવી રજૂઆત કરવામાં આવેલ કે આ કામમાં ફરીયાદ પક્ષે જે પુરાવો લેવામાં આવેલ છે તેમાં વિરોધાભાષ છે અને એક સાહેદની જુબાનીથી બીજા સાહેદની જુબાનીમાં સમર્થન મળતુ નથી તેમજ લાંચના કેસમાં રકમની માંગણી રકમ સ્વીકાર્યાનું સાબિત થતુ નથી તેથી આરોપીને છોડી દેવા માટે રજુઆત કરેલ હતી. ઉપરોકત હકિકત તેમજ પડેલ પુરાવાને ધ્યાનમાં લઈ અદાલત એવા મંતવ્ય ઉપર આવેલ કે, લાંચ રૂશ્વતના કેસમાં મહત્વની કડીઓ માંગણી, સ્વીકૃતી અને રીકવરી ત્રણેય એક સાથે જોડાવી જોઈએ અને તેનાથી સ્પષ્ટ થવુ જોઈએ કે રાજ્ય સેવકને કાયદેસરનું મહેનતાણુ મળતુ હોય તે ઉપરાંત તે કામ કરવા માટે રાજ્ય સેવકે હોદાનો દુરૂપયોગ કરી કામગીરી કરેલ હોય તેવુ સાબિત કરવામાં ફરીયાદ પક્ષ નિષ્ફળ ગયેલ હોય આરોપીને શંકાનો લાભ આપી છોડી મુકવાનો હુકમ ફરમાવેલ છે.

આ કામમાં આરોપી વિપુલભાઈ પ્રતાપભાઈ ઉપાધ્યાય વતી રાજકોટના એડવોકેટ પિયુષભાઈ એમ. શાહ, અશ્વિનભાઈ ગોસાઈ, નીવીદભાઈ પારેખ, નીતેષભાઈ કથીરીયા, હર્ષીલભાઈ શાહ, વિજયભાઈ પટગીર, જીતેન્દ્રભાઈ ધુળકોટીયા, વિજયભાઈ વ્યાસ રોકાયેલા હતા.

(3:40 pm IST)