Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

રણછોડનગરના ત્રણ પટેલ વેપારી સાથે રૂ. ૧૯.૧૭ લાખની ઠગાઇઃ ગઠીયાને ગોતવા પોલીસ મુંબઇ જશે

બી-ડિવીઝન પોલીસે સંજય અને મણીભદ્ર જ્વેલર્સવાળા અશોકકુમાર સામે ગુનો દાખલ કર્યોઃ ચાંદીના દાગીના ખરીદી પ્રારંભે થોડા પૈસા ચુકવ્યા, બાદમાં ધૂંબો

રાજકોટ તા. ૨૯: સામા કાંઠે રણછોડનગર સોસાયટી ૧/૧૭ના ખુણે બ્લોક નં. ૪માં રહેતાં અને ઘરે જ શિવમ્ સિલ્વર ઓર્નામેન્ટ નામે ધંધો કરતાં દિલીપભાઇ ધીરજલાલ સગપરીયા (ઉ.૪૬) નામના પટેલ વેપારી તથા બીજા બે પટેલ વેપારી સાથે મુંબઇના સંજય નામના શખ્સે અને મણીભદ્ર જ્વેલર્સવાળા અશોકકુમારે ચાંદીના દાગીનાની ખરીદી બાદ રૂ. ૧૯,૧૭,૯૩૦નું પેમેન્ટ ન આપી ઠગાઇ કરતાં બી-ડિવીઝન પોલીસે આઇપીસી ૪૦૬, ૪૨૦, ૧૧૪ મુજબ ગુનો નોંધી બંનેને શોધી કાઢવા મથામણ શરૂ કરી છે.

દિલીપભાઇ પટેલે ફરિયાદમાં જણાવ્યું છે કે હું અને મારી સાથે કામ કરતાં હિતેષભાઇ ઓગષ્ટ મહિનામાં અમારી દૂકાને હતાં ત્યારે હિતેષભાઇના મોબાઇલમાં મુંબઇથી કોઇ સંજયભાઇ નામની વ્યકિતએ ફોન કરી પોતે ચાંદીના દાગીનાનો વેપાર કરે છે અને પાયલનો ઓર્ડર આપવો છે તેમ કહી ચાંદની પાયલનોઓર્ડર આપ્યો હતો. ૧૫ કિલો ૬૮૨ ગ્રામનો આ ઓર્ડર હતો અને પોતાના વિઝીટીંગ કાર્ડનો ફોટો વ્હોટ્સએપથી મોકલ્યો હતો. જેમાં અશોકકુમાર-મણીભદ્ર જ્વેલર્સ- ઓફિસ નં. ૧૯, સાલાસર કોમર્શિયલ કોમ્પલેક્ષ બીજો માળ એસબીઆઇ બેંક ઉપર ફાટક નજીક ભાયંદર (ઇસ્ટ) મુંબઇનું સરનામુ હતું.

હિતેષભાઇએ આ બાબતે મને વાત કરી હતી. બાદમાં અમે રણછોડનગરની અરવિંદ કાંતિલાલ આંગડિયા પેઢી મારફત રૂ. ૩,૩૧,૬૧૦ની કિંમતી ચાંદીની પાયલનું પાર્સલ મુંબઇ મોકલ્યું હતું. જે ૨૩/૧૦/૧૮ના રોજ અશોકકુમાર નામની વ્યકિતએ છોડાવ્યું હતુ. એ પછી મારા બેંક એકાઉન્ટમાં રૂ. ૧,૪૯,૦૦૦ અશોકકુમારે જમા કરાવ્યા હતાં. ત્યાર બાદ વધુ ૧,૩૪,૩૨૦ની ચાંદીની પાયલનો ઓર્ડર આવતાં અમે સાઇનાથ આંગડિયા મારફત એ માલ મોકલ્યો હતો. ત્યારબાદ અશોકકુમારને બંને ઓર્ડરના પેમેન્ટ માટે ફોન કરતાં તેણે વાયદા આપવાનું શરૂ કર્યુ હતું અને છેલ્લે ફોન બંધ કરી દીધો હતો. જે તે વખતે અમે પોલીસને અરજી કરી હતી.

એ પછી મને જાણવા મળ્યું હતું કે મારી જેમ બીજા વેપારીઓ સાથે પણ આવું થયું છે. જેમાં શકિત સોસાયટીના રામજીભાઇ જીવરાજભાઇ વેકરીયા સાથે રૂ. ૧૩,૮૪,૩૦૧ની ઠગાઇ, મનિષભાઇ શામજીભાઇ અજાણી સાથે રૂ. ૫,૧૩,૦૦૦ની ઠગાઇ થયાની ખબર પડી હતી. આમ કુલ રૂ. ૧૯,૧૭,૯૩૦ની ઠગાઇ અમારા ત્રણ વેપારીઓ સાથે થયાની ખબર પડતાં અંતે અમે ફરિયાદ નોંધાવી હતી.

બી-ડિવીઝન પીઆઇ વી.જે. ફર્નાન્ડીઝની રાહબરીમાં પીએઅસાઇ એમ. એફ. ડામોર, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, મનોજભાઇ, એભલભાઇ, મહેશભાઇ સહિતની ટીમે તપાસ હાથ ધરી છે.

(3:39 pm IST)