Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

આટકોટ પંથકની સગીરાના અપહરણ કેસમાં આરોપીના આગોતરા જામીન રદ્દ

રાજકોટ તા.ર૯: સગીર વયની બાળાને લગ્નની લાલચ આપી ભ્રષ્ટ કરવાના હેતુસર અપહરણ કરી જનાર અને લાંબા સમયથી ફરાર આરોપીની આગોતરા જામીન અરજી સેશન્સ અદાલતે રદ કરી હતી.

આ કેસની હકીકત એવી છે કે ફરીયાદી દ્વારા આટકોટ પોલીસ સ્ટેશનમાં એવી ફરીયાદ દાખલ કરેલ કે તેની સગીર વયની દીકરી ઉ.વ.૧૬ વર્ષ અને ૨ માસ વાળીને આરોપી /અરજદાર હિતેશ ધીરૂભાઇ દેરવાળીયા રહે. ત્રાજપર તા. ચોટીલા તેમના કાયદેસરના વાલીપણામાંથી લલચાવી ફોસલાવી બદકામ કરવાના ઇરાદે તા. ૧૪-૨-૧૮ના રોજથી બળધોઇ ગામથી ભગાડી લઇ ગયેલ છે.

બંને પક્ષની રજુઆતો તેમજ પુરાવા વગેરે ધ્યાને લીધા બાદ બીજા એડીશ્નલ સેશન્સ રાજકોટ દ્વારા એવા તારણો પર આવેલ કે આ કામે રજુ થયેલ દસ્તાવેજી પુરાવા તપાસના કાગળો તેમજ તપાસનીસ અમલદારનું સોગંદનામું વંચાણે લીધું. અરજદાર ફરીયાદીની સગીર વયની દીકરી ભોગ બનનારને લલચાવી ફોંસલાવી પ્રેમ સંબંધો કેળવી સગીર વયની હોવાનું જાણવા  હોવા છતા લાલચ આપી ફરીયાદીના કાયદેસરના વાલીપણામાંથી તા. ૧૪-૨-૧૮થી ભગાડી લઇ ગયેલ અને બનાવ બાદ લાંબો સમય સુધી તપાસ કરવા છતાં ભોગ બનનાર કે આરોપી મળી આવેલ નથી.

જેથી હાલના ગુન્હાનો પ્રકાર તેમજ ગંભીરતા જોતા આટલા લાંબા સમય સુધી નાસતા ફરતા આરોપીની તરફેણમાં વિવેક બુદ્ધિની સતાનો ઉપયોગ કરવો ઇષ્ટ જણાતું નથી તેમજ તપાસ દરમ્યાન અરજદારની કસ્ટોડીયલ ઇન્સ્ટ્રોગેશન જરૂરી હોય બનાવની ગંભીરતા જોતા અરજદારની આગોતરા જામીન રદ કરતો હુકમ કરેલ છે.  આ કામે સરકાર પક્ષે સરકારી વકીલશ્રી અનિલ એસ. ગોગીયાએ રજુઆત કરેલ હતી.

(3:38 pm IST)