Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

શનિવારી બજારને બંધ નહિ કરવા ૪૦૦થી વધુ ફેરીયાઓનું મ્યુ. કમિશ્નરને આવેદન

રાજકોટઃ શહેરમાં કાલાવડ રોડ ઉપર વર્ષોથી ભરાતી શનિવારી બજારને બંધ કરી દેવા તંત્ર વાહકોએ આ બજારમાં બેસતા રેંકડીધારકો અને ફેરીયાઓને નોટીસ આપતા આ ફેરીયાઓએ તેઓની રોજીરોટી બંધ ન થાય તે માટે આ શનિવારી બજાર બંધ નહિ કરવા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરી હતી તે વખતની તસ્વીર. શહેરના કાલાવડ રોડ ઉપર મોટામવા સ્મશાનના સામેના ભાગે ખુલ્લા મેદાનમાં વર્ષોથી શનિવારી બજાર ભરાય છે જેમાં રેડીમેઈડ કપડા, કટલેરી તેમજ અન્ય ઈમ્પોર્ટેડ ચીજવસ્તુઓનો વેપાર પાથરણાઓ પાથરી અને અંદાજે ૩૦૦થી ૪૦૦ ફેરીયાઓ કરી રહ્યા છે. દરમિયાન આ શનિવારી બજારને કારણે આ વિસ્તારમાં રહેતા લોકોને અત્યંત ત્રાસદાયક સ્થિતિ સર્જાતી હોય તેવી ફરીયાદ તંત્ર વાહકો સમક્ષ આવતા જગ્યા રોકાણ વિભાગના અધિકારીએ શનિવારી બજારમાં બેસતા વેપારીઓને હવેથી આ બજાર બંધ કરી દેવા અંગે નોટીસ આપી હતી. આ નોટીસ સંદર્ભે આજે સવારે ૧૧.૩૦ વાગ્યે શનિવારી બજારમાં વેપાર ધંધો કરતા રેંકડીધારકો અને ફેરીયાઓએ ટોળા સ્વરૂપે કોર્પોરેશન કચેરીએ ધસી જઈ અને મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીને વિસ્તૃત આવેદનપત્ર પાઠવી જણાવેલ કે, શનિવારી બજાર વર્ષો જૂની છે. રાજકોટના શહેરીજનો અહીં મોટી માત્રામાં નાની મોટી ચીજવસ્તુઓ ખરીદવા આવે છે. જેના થકી આ બજારમાં બેસતા ૩૦૦ થી ૪૦૦ નાના મોટા વેપારીઓની રોજીરોટી ચાલે છે જો એક ઝાટકે આ બજાર બંધ કરી દેવાશે તો નાના વેપારીઓની રોજીરોટી છીનવાશે માટે આ શનિવારી બજાર બંધ નહી કરવા માંગ છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

(3:34 pm IST)