Gujarati News

Gujarati News

News of Monday, 29th April 2019

રાજકોટમાં તાપમાન રેડએલર્ટ સુધીઃ હજુ ત્રણ દિ' ઓરેન્જ એલર્ટ

બપોરે ૧ વાગ્યે શહેરમાં સૌથી વધુ ગરમી રેલ્વે સ્ટેશને ૪૧ ડીગ્રી અને સૌથી ઓછુ રેસકોર્ષમાં ૩૫ ડીગ્રીઃ શહેરમાં અન્ય સ્થળોએ ૩૬ થી ૪૦ ડીગ્રીઃ હીટવેવ સંદર્ભે કોર્પોરેશન દ્વારા ૨૧ આરોગ્ય કેન્દ્રોમાં ઠંડુ પાણી-ઓ.આર.એસ.ની વ્યવસ્થાઃ બી.આર.ટી.એસ. રૂટ પર પાણીની સુવિધા ઉપલબ્ધ બનાવાઈ

રાજકોટ, તા. ૨૯ :. છેલ્લા અઠવાડીયાથી રાજ્યભરમાં ગરમીનો પ્રકોપ વરસી રહ્યો છે. દરમિયાન આજે અમદાવાદમાં તાપમાનનો પારો રેડએલર્ટ સુધી પહોંચી ગયો હતો. ત્યારે રાજકોટમાં પણ તાપમાન રેડએલર્ટ સુધી એટલે કે ૪૪ ડીગ્રીથી વધુ તાપમાન નોંધાવાની પ્રબ ળ શકયતા મ્યુ. કમિશ્નર બંછાનિધી પાનીએ જાહેર કર્યુ છે અને વધારે તાપમાન તેમજ હીટવેવ સંદર્ભે મ્યુ. કોર્પોરેશન દ્વારા તાપમાન સામે નાગરિકોને રક્ષણ આપવા ઠંડા પાણી તેમજ ઓઆરએસનુ વિતરણ અને તાત્કાલીક સારવારની વ્યવસ્થા સહિતના પગલાઓ લેવામાં આવી રહ્યા છે.

આજે બપોરે ૧ વાગ્યે શહેરમાં વિવિધ સ્થળોએ કોર્પોરેશને લગાવેલા સેન્સરમા નોંધાયેલ તાપમાનના આંકડાઓ જાહેર કરતા મ્યુ. કમિશ્નરશ્રીએ જણાવ્યુ હતુ કે આજે બપોરે ૧ વાગ્યે શહેરમાં સૌથી વધુ તાપમાન રેલ્વે સ્ટેશને ૪૧ ડીગ્રી જેટલુ નોંધાયેલ. જ્યારે સૌથી વધુ તાપમાન રેસકોર્ષ ખાતે ૩૫ ડીગ્રી નોંધાયુ હતું. આ ઉપરાંત શહેરમાં અન્ય સ્થળો જેવા કે આજી ડેમ, અટિકા, કોર્પોરેશન ચોક, ત્રિકોણ બાગ, સોરઠીયાવાડી, મોરબી રોડ, ગોંડલ ચોકડી, નાનામવા, દેવપરા, ડીલકસ ચોક વગેરે સ્થળોએ ૩૬ થી ૪૦ ડીગ્રી જેટલુ તાપમાન બપોરે ૧ વાગ્યે નોંધાયુ હતું. શહેરમાં રેલ્વે સ્ટેશન, ગોંડલ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, હોસ્પીટલ ચોક, સોરઠીયાવાડી વગેરેએ સ્થળોએ સૂર્યના કિરણો હાઈરીસ્કની માત્રામાં વરસતા અસહ્ય તડકો પડયો હતો.

દરમિયાન કમિશ્નરશ્રીએ આ તકે જણાવ્યુ છે કે, પ્રવર્તમાન ગરમીની સીઝનને ધ્યાને લઇ હિટ વેવના દિવસો દરમ્યાન રાજકોટ મહાનગરપાલિકા દ્વારા રાજકોટ શહેરમાં વિવિધ સ્થળોએ નાગરિકો માટે પીવાના પાણીની વ્યવસ્થા અને ૨૧ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે ઓ.આર.એસ. કોર્નર અને પીવાના પાણીની પણ વ્યવસ્થા કરવામાં આવેલ છે.

વિશેષ માહિતી આપતા મ્યુનિ. કમિશનર બંછાનિધિ પાનીએ જણાવ્યું હતું કે, ઉનાળાના સખત ગરમ દિવસો ચાલી રહયા છે. આગામી ત્રણ દિવસ સુધી હિટ વેવની શકયતા રહેલી છે. હાલના દિવસોમાં નાગરિકોએ પાણી પીવાનું પ્રમાણ વધારે રાખવું જોઈએ. રાજકોટ મહાનગરપાલિકા દ્વારા પણ એન.જી.ઓ.નાં સહકાર સાથે શહેરના વિવિધ સ્થળો પર જાહેર જનતા માટે પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે, સાથે સાથે અર્બન હેલ્થ સેન્ટર, આરોગ્ય શાખા દ્વારા જરૂરિયાતમંદ નાગરિકોને ઓ.આર.એસ., પુરતી માત્રામાં આવશ્યક દવાઓ આપવાની વ્યવસ્થા પણ કરવામાં આવેલ છે. જે સ્થળોએ પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે તેમાં બી.આર.ટી.એસ. રૂટ પર રૈયા ચોક, ગોંડલ ચોકડી, માધાપર ચોકડી, તથા આજી ડેમ ચોકડી, ગ્રીનલેન્ડ ચોકડી, ત્રિકોણ બાગ, સિવિલ હોસ્પિટલ ચોક, એસ.ટી. બસ સ્ટેન્ડ, તમામ વોર્ડ ઓફિસો, તમામ સિવિક સેન્ટર વિગેરેનો સમાવેશ થાય છે.

આ ઉપરાંત, કમિશનરશ્રીએ એમ પણ કહ્યું હતું કે, રાજકોટ મહાનગરપાલિકા દ્વારા શહેરમાં વિવિધ વિસ્તારોમાં નાનામોટા કુલ ૧૧૦ ગાર્ડન બનાવવામાં આવેલ છે. હાલમાં ઉનાળાનાં ગરમ દિવસો દરમ્યાન નાગરિકો આ ગાર્ડનમાં શીતળ છાંયામાં વિસામો લઇ શકે છે.

રાજકોટ મહાનગરપાલિકા દ્વારા ચલાવવામાં આવી રહેલા ૨૧ શહેરી આરોગ્ય કેન્દ્રો ખાતે ઓ.આર.એસ. કોર્નર શરૂ કરવામાં આવેલ છે. આ ઉપરાંત ગરમી અને લૂ નાં દર્દીઓને ઓ.પી.ડી.માં પ્રાથમિક સારવાર મળી રહે તે માટે રેપીડ રિસ્પોન્સ ટીમ  તૈયાર રહેશે અને આવશ્યક દવાઓનો જથ્થો પણ ઉપલબ્ધ રાખવામાં આવેલ છે. દર્દીને વિશેષ સારવારની જરૂરિયાતનાં સંજોગોમાં ૧૦૮એમ્બ્યુલન્સ સાથે સંકલન કરવામાં આવેલ છે.

આવતીકાલથી તાપમાનમાં થશે ઘટાડોઃ આજે સૌરાષ્ટ્ર કચ્છમાં રહેશે સિવીયર હિટવેવ

ગરમીથી ત્રસ્ત લોકો માટે રાહતના સમાચારઃ રાજયમાં કાળઝાળ ગરમીઃ  હવામાન વિભાગના ડાયરેકટર મનોરમા મોહંતીએ જણાવ્યું કે આવતીકાલથી ગરમીમાં ક્રમશઃ ઘટાડો થશેઃ અમદાવાદમાં આજે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે.

(3:57 pm IST)