Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

સોની બજારના વેપારી સાથે રૂા. ર૮ લાખની ઠગાઇ, વિશ્‍વાસઘાત, છેતરપીંડી સબબ આરોપીના જામીન મંજુર કરતી સેશન્‍સ કોર્ટ

રાજકોટ તા. ર૯: શહેરમાં સોની બજારમાં વેપાર-ધંધો કરતા નિરજભાઇ અમરભાઇ પરમાર, રહે. પંચવટી પાર્ક, શેરી નં. બી/૩, એન્‍ટેલીયા મકાનવાળો સેટેલાઇટ ચોક, મોરબી રોડ, રાજકોટમાં રહેતા વેપારીએ ફરિયાદી-ઘનશ્‍યામભાઇ મહેતા પાસેથી રૂા. ર૮,૦૦,૦૦૦/- બેંક થ્રુ તથા ચેક થ્રુ રકમ મેળવેલ અને ફરિયાદીને વિશ્‍વાસ અપાવેલ કે કેરેલામાં સોનાની મોટી ફેકટરીમાં મોટા પ્રમાણમાં રોકાણ કરવું છે તેવો વિશ્‍વાસ અપાવીને માતબર મોટી રકમ ફરિયાદી પાસેથી મેળવીને, પૂર્વઆયોજીત કાવત્રું રચીને, રકમ ઓળવી ગયેલ. આ બાબતેની ફરિયાદ ઘનશ્‍યામભાઇ મહેતાએ રાજકોટ ભકિતનગર પોલીસ સ્‍ટેશનમાં ભારતીય દંડ સંહિતાની કલમોઃ ૪ર૦, ૪૦૬, ૧ર૦(બી), અન્‍વયે ગંભીર પ્રકારની ફરિયાદ નોંધાવેલ. આ ફરિયાદ અન્‍વયે ભકિતનગર પોલીસ સ્‍ટેશનના પી.આઇ. સાહેબે આરોપી નિરજભાઇ અમરભાઇ પરમારની ધરપકડ કરેલ અને નામદાર ટ્રાયલ કોર્ટમાં રજુ કરતા, નામદાર ટ્રાયલ કોર્ટે ગંભીર પ્રકારનો મોટી રકમનો આર્થિક ગુનો હોવા સબબ જેલ હવાલે કરેલ અને જામીન અરજી નામંજુર કરેલ.

આ હુકમ સામે નામદાર સેશન્‍સ કોર્ટમાં આરોપી/અરજદારે રેગ્‍યુલર જામીન અરજી કરતા, સરકારપક્ષે સખ્‍ત વાંધો લીધેલ. અરજદાર/આરોપી તરફે વકિલ હર્ષદકુમાર એસ. માણેકે દલીલમાં જણાવેલ કે અરજદાર ર૧ વર્ષની ઉંમરના છે, કાયમી રહેઠાણ રાજકોટમાં ધરાવે છે. કયાંય નાસીભાગી જાય તેમ નથી. પ્રખ્‍યાત સોની બજારમાં વેપારી પેઢી ધરાવે છે. જેલમાં વધુ સમય રાખવામાં આવે તો તેમના માનસ ઉપર વિપરીત અસર થાય તેમ છે. તેમજ કારકિર્દી ખતમ થઇ જાય તેમ છે. સેશન્‍સ ટ્રાયલ કયારે શરૂ થાય અને કયારે પુરી થાય તે નકકી હોતું નથી. અન્‍ય કેસોનો નામદાર કોર્ટમાં ભરાવો છે. આમ આવા સંજોગોમાં વધુ સમય આરોપીને જેલમાં રાખવા હિતાવહ નથી. તેમજ જામીન એ નિયમ છે અને જેલ એ અપવાદ છે. તેવા સિધ્‍ધાંત તથા નામદાર ગુજરાત હાઇકોર્ટના જજમેન્‍ટો રજુ કરેલ. અને જામીન અરજી મંજુર કરવા દલીલ કરેલ. આવા તમામ સંજોગો તથા દલીલો ધ્‍યાને લઇ નામદાર એડી. સેશન્‍સ જજશ્રી જે. આઇ. પટેલ સાહેબે આરોપીની જામીન અરજી મંજુર કરીને રૂા. રપ,૦૦૦/-ના જામીન ઉપર મુકત કરવા તથા અન્‍ય શરતોનું ચુસ્‍તપણે પાલન કરવાની શરતે જામીન અરજી મંજુર કરીને આરોપીને જેલમુકત કરેલ છે.

આ કામમાં અરજદાર/આરોપી-નિરજભાઇ અમરભાઇ પરમાર વતી રાજકોટના પ્રસિધ્‍ધ સીનીયર ધારાશાષાી હર્ષદકુમાર એસ. માણેક, સોનલબેન બી. ગોંડલીયા તથા જાગૃતિબેન કેલૈયા રોકાયેલા છે.

(4:48 pm IST)