Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

રાજકોટ જિલ્લો યલો એલર્ટ પર : ૧૦૮ની સેવા હાઈએલર્ટ

હીટવેવથી બચવા માટે ૧૦૮ સેવા દ્વારા આરોગ્‍યલક્ષી સૂચનો : છેલ્લાં ૪૮ કલાકમાં રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને ૪૪ લોકોની તાત્‍કાલિક સારવાર કરાઇ

રાજકોટ, તા.૨૯ માર્ચ : ગરમીની ઋતુ ચાલું થઈ ગઈ છે. સૂર્ય દેવતાએ તેમનો પ્રકોપ બતાવવાનું ચાલુ કરી દીધું છે. પળથ્‍વી પર જેમ-જેમ હરિયાળી ઓછી થઈ રહી છે અને ગ્રીન કવર ઘટતું જાય છે તેમ-તેમ ગરમીનું પ્રમાણ વધતું જાય છે. ત્‍યારે આ વધતી જતી ગરમી અને તાપમાંથી નાગરિકોને બચાવવા માટે જિલ્લા વહિવટી તંત્ર પણ સજાગ બન્‍યું છે.

રાજકોટના જિલ્લાના નાગરિકો ઉનાળાના ધોમધખતા તડકાથી પોતાની જાતનું રક્ષણ કરી શકે અને પોતાના સ્‍વાસ્‍થ્‍યની જાળવણી કરી શકે, તે માટે ૧૦૮ અને જિલ્લા વહિવટી વિભાગ દ્વારા લોકોપયોગી સૂચનો જાહેર કરવામાં આવ્‍યાં છે. ગરમીના લીધે લૂ લાગવાના તેમજ બેભાન બનવાના બનાવો વધે તે પહેલા નાગરિકોએ શું કાળજી રાખવી જોઈએ? તે જોઇએ તો, લોકોએ સખત ગરમીમાં બને ત્‍યાં સુધી તડકામાં બહાર નીકળવાનું ટાળવું, ગરમીમાં બહાર નીકળો તો સુતરાઉ, લાંબા આખી બાયના કપડાં પહેરવાં, મોઢાથી પ્રવાહી પૂરતાં પ્રમાણમાં લેવું. જેમાં સાદુ પાણી, લીંબુ પાણી, છાશ વગેરેનો ઉપયોગ કરી શકાય, નાના બાળકો અને મોટી ઉંમરની વ્‍યક્‍તિઓએ ગરમીમાં બહાર ન નીકળવું, સગર્ભા માતા અને નવજાત શિશુને લૂ ના લાગે તેની ખાસ કાળજી રાખવી.

આ ઉપરાંત, લૂ લાગે કે તેની અસર દેખાય તો નજીકના દવાખાનામાં ડોક્‍ટરનો સંપર્ક કરવો જોઈએ, જે વ્‍યક્‍તિને લૂ લાગી હોય તેને ઠંડા વાતાવરણમાં રાખવા. લૂ લાગી હોય તેને પ્રાથમિક ઉપચાર માટે ઠંડા પાણીના પોતાં મૂકી શકાય, આઈસ પેક હોય તો જાંઘ અને બગલના ભાગમાં મૂકવાથી શરીરનું ઉષ્‍ણતામાન તરત જ નીચું લાવી શકાય છે. જે શ્રમિકો ખુલ્લી સાઇટ પર તડકામાં કામ કરતાં હોય, તેમણે દર બે કલાકે છાયડામાં પંદરથી વીસ મિનિટ આરામ લેવો જોઈએ, ગરમીની ઋતુમાં બજારનો ઉઘાડો અને વાસી ખોરાક લેવાનું ટાળવું જોઇએ.

રાજકોટ જિલ્લામાં છેલ્લા અડતાલીસ કલાકમાં જ ગરમીના લીધે કેસોમાં વધારો જોવા મળ્‍યો છે, છેલ્લાં અડતાલીસ કલાકમાં જ રાજકોટ જિલ્લામાં હીટવેવને લઈને ૪૪ કિસ્‍સાઓ સામે આવ્‍યાં છે. જેની ૧૦૮ સેવા દ્વારા સારવાર કરવામાં આવી છે અને નજીકના હોસ્‍પિટલમાં ખસેડવા આવ્‍યા છે.

હવામાન વિભાગ દ્વારા યલો એલર્ટ જાહેર કરાયું છે જે અંગે રાજકોટ જિલ્લા વહિવટી તંત્ર દ્વારા જિલ્લાની તમામ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સને સજ્જ રાખવામાં આવી છે. ૧૦૮ના પ્રોગ્રામ મેનેજર ચેતન ગાધેએ જણાવ્‍યું હતું કે, તમામ ૧૦૮ એમ્‍બ્‍યુલન્‍સમાં ગરમી કે લૂ સબંધિત કોઈપણ પ્રકારના કિસ્‍સાઓને પ્રતિસાદ આપવા માટે પુરતા પ્રમાણમાં દવાઓ, સંસાધનો, ઈન્‍જેકશન, ઓઆરએસ, ગ્‍લુકોઝ, સહિત ઓક્‍સિજનના પુરતા જથ્‍થાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. તમામ કર્મચારીઓ તાલીમબદ્ધ અને કટિબદ્ધ છે. ત્‍યારે રાજકોટની જનતા સાવધાનીના પગલા લઇ કાળજી રાખે તેમ છતા આવશ્‍યક સમયે તત્‍કાલ ૧૦૮ને કોલ કરી સેવા મેળવે જેથી આપાતકાલીન પરિસ્‍થિતિઓમાં મૂલ્‍યવાન માનવજીવન બચાવી શકાય.

(3:47 pm IST)