Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

મન્‍ના ડેના ગીતો સંગીત શીખ્‍યા વિના ગાવા અશકયઃ સુરજો ભટ્ટાચાર્યજૂના ગીતોમાં શીખવાનું અને સમજવાનું ઘણું છે : ઈન્‍દુ ઠાકુર

આજે રાત્રે ૯:૩૦ કલાકે હેમુ ગઢવી હોલ ખાતે ‘સૂરો કે સરતાજ' કાર્યક્રમમાં મન્‍ના ડે અને લતાજીના અચૂક માણવા જેવી યાદગાર ગીતોની સૂરીલી સફર

રાજકોટ : અકિલાના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે પ્રખ્‍યાત ગાયક કલાકાર સુરજો ભટ્ટાચાર્ય, ઈન્‍દુબેન ઠાકુર, આર.ડી. ઠક્કર, પરાગભાઈ પંચમીયા તસ્‍વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૨૯ : રાજકોટમાં આજે ધોમધખતા ઉનાળામાં હૈયાને ટાઢક આપે એવા ગીતોનો સૂરીલો કાર્યક્રમ યોજાવા જઈ રહ્યો છે. સૂરસંસારના સ્‍વ.ભગવતીભાઈ મોદીની યાદમાં તેને શ્રદ્ધાંજલી રૂપે આર.ડી. ઠક્કર દ્વારા ‘સૂરો કે સરતાજ' શિર્ષક હેઠળ મન્‍નાડે અને લતાજીના યાદગાર ગીતોની સૂરીલી સફર કરાવશે બંગાળના નામી ગાયક સુરજો ભટ્ટાચાર્ય અને દિલ્‍હીના ગાયિકા ઈન્‍દુબેન ઠાકુર.

અકિલાના આંગણે મહેમાન બનેલા આ ગાયક કલાકારોમાંના સુરજો ભટ્ટાચાર્યજીએ જણાવ્‍યુ હતું કે, આજે સૂરસંસાર પરિવારે આમંત્રણ આપ્‍યુ અને મારા ગુરૂ પદ્મભૂષણ મન્‍નાડેજીની સ્‍મૃતિમાં હું ગીતો રજૂ કરી શકુ તેવી સુખદ ક્ષણ સાથે એક દુઃખદ બાબત એ પણ છે કે આપણે લેજન્‍ડરી કલાકાર કમલેશ અવસ્‍થીને ગુમાવ્‍યા છે. આજના કાર્યક્રમમાં તેમને શ્રદ્ધાંજલી અર્પતા ગીત રજૂ કરીશ. તેમણે મન્‍નાડે વિશે જણાવ્‍યુ હતું કે, મન્‍ના દાએ તેમના ગીતોમાં અનેક રંગો ભર્યા છે. જેમાં રોમેન્‍ટીક, કોમેડી, વેરીએશન કવ્‍વાલી અને ફિલીંગ્‍સ સાથેનું સંગીત તેમણે આપ્‍યુ છે. જાણે સંગીતની ગંગા વહાવી છે. તેઓ અનેક ગીતો આપીને ફિલ્‍મોને અમર કરી ગયા. જેમ કે જીંદગી કૈસી હે પહેલી, નદીયા ચલે ચલે રે ધારા, કસમે વાદે પ્‍યાર વફા સબ વગેરે જેવા વિવિધ ગીતો તેમણે ગાયા છે. જે ફિલ્‍મોનું સિગ્નેચર ગીત બની ગયુ છે.

સુરજો ભટ્ટાચાર્યએ વધુમાં જણાવ્‍યુ હતું કે મેં ૧૭ વર્ષ મન્‍ના ડે પાસે સંગીતની તાલીમ લીધી. જયારે હું તેમની પાસે શીખવા ગયો ત્‍યારે તેમણે મને કહ્યુ હતું કે, હું તને સુગમ સંગીતની વિવિધતા શીખવીશ, પણ શુદ્ધ શાષાીય સંગીત શીખવા માટે તારે પંડિત અજોય ચક્રવર્તીને ગુરૂ બનાવવા જોઈએ. મેં તેમને કહ્યું, આપ મને ભલામણપત્ર લખી આપો. ત્‍યારે મન્‍ના દાએ મને કહ્યું કે હું કે.સી.ડે.નો ભત્રીજો છું. તેમ છતાં તેના નામનો ઉપયોગ મેં કદી કર્યો નથી. મેં પણ ઠોકરો ખાઈને સંગીત મેળવ્‍યુ છે. ત્‍યારે જઈને કે.સી.ડે.એ મને થોડુ ઘણુ આપ્‍યુ છે. તારે પણ અજોયજી પાસે જઈને સંગીત શીખવા માટે કહેવુ જોઈએ.

સુરજોજીએ વધુમાં જણાવ્‍યુ હતું કે હું એટલો નસીબદાર છું કે આ બંને પંડિત કલાકારોએ મારી પાસે શીખવવાનો એક રૂપિયો લીધો નથી. પંડિત અજોયજી માત્ર શીખવતા એટલુ જ નહિં, કયા રાગમાં કેવી રીતે તેને અલગ અલગ રીતે ગાવા તેનું સંતુલન અને મોટી ઉંમરે કઈ રીતે ગાઈ શકાય તે પણ મને શીખવાડયુ છે.

સુરજો ભટ્ટાચાર્યએ જણાવ્‍યુ કે મન્‍ના ડે તેમને ૪થુ રેટીંગ આપતા. એક શોમાં તેમણે કહ્યુ હતું કે રફી, કિશોર, મૂકેશ અને પછી મન્‍ના ડે. ત્‍યારે શોના સંચાલક અનુરાગ બાસુએ મન્‍ના દાને પૂછ્‍યુ હતું કે સાચુ શું છે ત્‍યારે મન્‍ના ડે એ જણાવ્‍યુ હતું કે મારૂ ગીત સંગીત શીખ્‍યા વિના ગાઈ શકાતુ નથી.

જયારે ગાયિકા ઈન્‍દુ ઠાકુરએ જણાવ્‍યુ હતું કે તેઓ સંગીતમાં વિશારદ છે અને પીએચડી પણ કર્યુ છે. આજે તેઓ રાજકોટમાં પહેલી વાર આવ્‍યા છે. લતાજીના અને આશાજીના ગીતો પફોર્મ કરવાના છે. ઈન્‍દુ ઠાકરએ જણાવ્‍યુ કે હું કોશિષ કરીશ કે મારૂ શ્રેષ્‍ઠ પર્ફોર્મન્‍સ આપી શકુ. આજે અમે દરેક મૂડના ગીતો લેવાના છીએ.

આજના સંગીત વિશે ઈન્‍દુ ઠાકુરએ જણાવ્‍યુ કે, આજનું સંગીત પહેલા જેવુ નથી. નહિંતર અમે આજના સંગીતના ગીતો હોત. આજનું સંગીત જીવનને જોડી શકે છે. હું માનું છું ત્‍યાં સુધી જૂના ગીતોના રીમીકસ ન કરવા જોઈએ. જે જેવુ છે, તેને એ રીતે જ રજૂ કરવુ જોઈએ. મારા ગુરૂએ મને કહ્યુ કે તમે લતાજીના ગીતો સાંભળો તે કઈ રીતે ફીલીંગ સાથે ગાઈ છે, રાગમાં ગાઈ છે તે સમજો. હું માનું છું કે જૂના ગીતોમાં શીખવાનું ઘણુ છે. ઈન્‍દુબેન ઠાકુર લતાજીને પોતાના આઈડોલ માને છે. તેમને કચ્‍છમાં અનેક પ્રોગ્રામો પણ આપેલા છે. તેઓ કહે છે કે, શુદ્ધ શાષાીય સંગીત શીખવુ દરેક ગાયકો માટે જરૂરી છે. ત્‍યારબાદ વોઈસ ટેકસચર જેમ ગાયકોના અલગ અલગ હોય તે મુજબ તે વિવિધ ગીતો ગાતા હોય છે.

જયારે આર.ડી. ઠક્કરે (મો.૯૪૨૭૨ ૦૦૦૫૫) જણાવ્‍યુ હતું કે, સૂરસંસારના ભગવતીભાઈ મોદીએ ૮૮ વર્ષ સુધી સંગીતનો ભેખ ધર્યો અને ૩૫ વર્ષ સુધી કાર્યક્રમો રાજકોટને આપ્‍યા. હું પણ દાદાના પથ પર ચાલવાની કોશિષ કરૂ છું. મોદીકાકાની પ્રણાલી મુજબ અને પૂ.કાકાના આર્શીવાદથી આ પ્રણાલીને જાળવી રાખી છે.

આજે રાત્રે ૯:૩૦ વાગ્‍યે હેમુ ગઢવી હોલ ખાતે સૂરો કે સરતાજ કાર્યક્રમ અંતર્ગત મન્‍ના ડે અને લતાજીના યાદગાર ગીતોની સુરીલી સફર માણવા મળશે. ઓરકેસ્‍ટ્રા તુષાર ગોસાઈનું છે. જયારે સંચાલન ગાર્ગી નિમ્‍બાર્ક કરશે. (૩૭.૪)

જૂના ગીતોના રીમીકસ ન કરવા જોઈએ

ઈન્‍દુબેન ઠાકુર ભારતમાં ખૂબ જ પ્રખ્‍યાત ગાયિકા છે. તેણીએ ૧૦ વર્ષની ઉંમરથી ગાવાનું શરુ કર્યુ હતું. તેઓ ઘણા વર્ષોથી મ્‍યુઝીકલ કોન્‍સર્ટમાં વ્‍યાવસાયિક રીતે ગાઈ છે. ઈન્‍દુબેને જણાવ્‍યુ હતું કે, જૂના ગીતોના રીમીકસ ન થવા જોઈએ. જૂના ગીતો જેવુ સંગીત આજે બનતુ નથી તે હકીકત છે. જૂના ગીતોમાં રાગો, ફીલીંગ્‍સ વગેરે ઘણુ બધુ છે. જૂના ગીતોથી સંગીતને સમજી શકાય છે. ઉલ્લેખનીય છે કે આજનું સંગીત પહેલાના સંગીત જેવું બનતુ નથી. આજે પણ લોકો જૂના ગીતો ગાઈ છે અને સાંભળે પણ છે. જૂના સંગીતને ભવિષ્‍યમાં સાચવી રાખવા માટે તે જેવુ છે એ રીતે જ તેને રાખવુ જોઈએ. તેમાં કોઈ બદલાવ કરવો જોઈએ નહિં.(૩૭.૩)

મન્‍ના દાએ મને મારી જીભને વાળીને મને ગાતા શીખવ્‍યુ

આપ અલગ અલગ ભાષામાં અને વિવિધ ઝોનરના ગીતો ગાવ છો તો મુશ્‍કેલ નથી લાગતુ? સુરજો ભટ્ટાચાર્યએ જણાવ્‍યુ કે, ભાષાની પોલીટીકસ પકડી આપણી ભાષામાં લખી અને ગાવુ અઘરૂ છે. મને ખાસ કરીને મરાઠીમાં ખૂબ તકલીફ પડી. એક ફેર એન્‍ડ લવલીનું જીંગલ મેં મરાઠી ભાષામાં ગાયુ હતું. મરાઠી ભાષામાં ળ અને લ પાસે પાસેના શબ્‍દો છે. તેને ગાવા ખૂબ અઘરા છે ત્‍યારે મારા ગુરૂ મન્‍નાડેએ મને મારા મોં માં આંગળા નાખી મારી જીભ વાળી ળ અને લ મને ગાતા શીખવ્‍યુ. હું માનું છું કોઈ પણ બાપ પણ તેમના દીકરા માટે આવુ નહિં કરે. તેમની પાસે મારા કયા સંજોગો હતા કે મને શીખવા મળ્‍યુ. હું માનું છું મારા અન્‍નના દરેક દાણામાં તેમનું નામ લખેલુ છે. (૩૭.૩)

દરેકે સપના જોઈને ચાલવુ જોઈએ

ગાયક સુરજો ભટ્ટાચાર્યએ જણાવ્‍યુ હતું કે, એકવાર મન્‍ના ડે પાસે હું શીખવા ગયો ત્‍યારે એક પત્રકાર તેમનો ઈન્‍ટરવ્‍યુ લઈ રહ્યા હતા. તેમણે દાદાને પ્રશ્ન કર્યો કે, તમે જીવનમાં જે કામ કર્યુ તે ૪ શબ્‍દોમાં કહેવું હોય તો કઈ રીતે કહેશો ત્‍યારે મન્‍ના દા તેમની ઓરીજનલ સ્‍ટાઈલ મુજબ હોઠ પાસે આંગળી લાવી અને મલક્‍યા અને પત્રકારને કહ્યું કે, હું કોઈ વકતા નથી. પણ મારા ગીતો જ એવા છે જેમાં મારો ઉપલબ્‍ધી છે. બોલીવૂડમાં મને ઘણુ શીખવા મળ્‍યુ છે અને ત્‍યારે તેમને એક ગીત ગાયુ ‘દેખે કયુ વો સપને' હું માનુ છું તેમની પાસેથી જે કંઈ મને મળ્‍યુ છે તે મારે ગીતો ગાઈને તેમને પરત કરવુ છે. તેઓ કહેતા કે જયારે પણ કોઈને નમન કરો ત્‍યારે જો તે તમારા માથા પર હાથ મૂકે તો તે આર્શીવાદ આપે છે, પણ જો પીઠ પર હાથ મૂકે તો તે તમને દબાવવાની કોશિષ કરે છે. આર્શીવાદ તેના જ લેવાના જે માથા પર હાથ મૂકે.

(3:47 pm IST)