Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

જીટીપીએલના કર્મચારીના નામે ફોન કરી લોકોને છેતરતો મોૈલિક પકડાયોઃ ત્રણ ગુના ઉકેલાયા

દોઢેક વર્ષ પહેલા નોકરીમાંથી કાઢી મુકાયો હોવા છતાં લોકોને કંપનીના નામે ફોન કરી છેતરતો'તો :જુના નંબરોને આધારે જેના રિચાર્જ પ્‍લાન પુરા થતાં હોય તેવા ગ્રાહકને ફોન કરી રૂપિયા મેળવી લેતો'તોઃ ભક્‍તિનગર પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા, પીએસઆઇ રોહડીયા, એએસઆઇ નિલેષભાઇ સહિતે પોલીસે યાર્ડ પાસે રહેતાં શખ્‍સને દબોચ્‍યોઃ છેતરપીંડીનો આંકડો વધવાની શક્‍યતા

રાજકોટ તા. ૨૯: શહેરમાં કોઠારીયા રોડ વિસ્‍તારમાં પોતે જીટીપીએલ કંપનીમાં કર્મચારી ન હોવા છતાં લોકોને કંપનીના કર્મચારીની ઓળખ આપી નેટ કનેક્‍શન  પ્‍લાન રિચાર્જ કરી આપવાના બહાને બારોબાર રૂપિયા મેળવી લઇ ઠગાઇ કરતાં  ભક્‍તિનગર પોલીસે ત્રણ ગુના દાખલ કરી જુના યાર્ડ પાસે રહેતાં શખ્‍સને દબોચી લીધો છે. છેતરાયેલાઓની સંખ્‍યા વધવાની શક્‍યતા છે.

આ બનાવમાં ભક્‍તિનગર પોલીસે પ્રથમ બનાવમાં જંગલેશ્વર કિર્તીધામ સોસાયટી-૧ બાગે આમેના નામના મકાનમાં રહેતાં અને ગોંડલ રોડ ક્રિષ્‍ના પાર્ક પાછળ વાવડીમાં શાર્પ ઓટો કેમ્‍પ નામના કેમ્‍પ શાફટ બનાવવાના કારખાનામાં સીએનસી ઓપરેટર તરીકે નોકરી કરતાં ફિરોઝખાન લતીફખાન પઠાણ (ઉ.વ.૪૮)ની ફરિયાદ પરથી મોૈલિક જગદીશભાઇ ભગલાણી (ઉ.વ.૨૫-રહે. જુના માર્કેટ યાર્ડ પાછળ હુડકો ક્‍વાર્ટર એલ-૧/૧૨) વિરૂધ્‍ધ આઇપીસી ૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૪૭૪ મુજબ ગુનો નોંધ્‍યો છે.

ફિરોઝખાને જણાવ્‍યું છે કે મારો દિકરો શરફરાઝખાન કોમ્‍પ્‍યુટર એન્‍જિનીયર  છે અને નાનો દિકરો ફરહાનખાન બીસીએ કરતો હોઇ બંનેને ઇન્‍ટરનેટની જરૂર હોઇ હું અગાઉ વિનોદનગરમાં રહેતો ત્‍યારે મેં જીટીપીએલનું નેટ કનેકશન લીધુ હતું. ત્‍યારે જીટીપીએલમાં કામ કરતાં મોૈલિક ભગલાણીનો નંબર મારી પાસે હોઇ આ ચાલુ માર્ચ મહિનામાં ઇન્‍ટરનેટ કનેક શન લેવા મોૈલિકે મને ફોન કર્યો હતો. તા. ૮/૩ના રોજ તેણે મારો સંપર્ક કરી કહેલું કે હું હજી જીટીપીએલમાં નોકરી કરુ છું, સાંજે ભેગા થાવ. આ પછી સાંજે ભવાની ચોકમાં મોૈલિક મને મળ્‍યો હતો. તેણે મને રૂા. ૬૩૬૩ ગૂગલ પે કરો એટલે ૮૦ એમબીપીએસનો પ્‍લાન ચાલુ થઇ જશે તેમ કહેતાં મેં તેને જીટીપીએલના એકાઉન્‍ટ નંબર આપવાનું કહેતાં તેણે મને વ્‍હોટ્‍સએપમાં જીટીપીએલ બ્રોડબેન્‍ડ પ્રા.લી.ના એકાઉન્‍ટ નંબર તથા આઇએફએસસી કોડની ડિટેઇલ મોકલી હતી.

બાદમાં મને મારા અધારાકાર્ડનો ફોટો મોકલવાનું કહેવાતાં મેં તેને વ્‍હોટ્‍સએપથી ફોટો મોકલ્‍યો હતો. એ પછી મોૈલિકે જીટીપીએલના એકાઉન્‍ટમાં રૂપિયા ટ્રાન્‍સફર કરો તેનો સ્‍ક્રીન શોટ મોકલજો, બે ત્રણ દિવસમાં નેટ ચાલુ થઇ જશે તેમ કહ્યું હતું. આ વાત થયા બાદ હું ઘરે જતો રહ્યો હતો. એ પછી મેં મોૈલિકને ઓનલાઇન રૂા. ૬૩૬૩ જીટીપીએલના એકાઉન્‍ટમાં ટ્રાન્‍સફર કરી દીધા હતાં. તેની જાણ મોૈલિકને કરતાં તેણે પોતે પહોંચ આપી જશે તેમ કહ્યું હતું. પરંતુ ચાર પાંચ દિવસ વીતી જવા છતાં નેટ ચાલુ ન થતાં મોૈલિકને ફોન કરતાં તેણે હજુ નવો સ્‍ટાફ છે, ફાઇવ-જીના રાઉટર મળતા નથી હજુ બે ત્રણ દિવસ થશે તેમ કહ્યું હતું.

બાદમાં મોૈલિકે મારા ફોન ઉપાડવાનું બંધ કરી દેતાં શંકા જતાં નિર્મલા રોડ પર આવેલી જીટીપીએલની મુખ્‍ય ઓફિસે જઇ તપાસ કરતાં મને કહેલુ કે તમારી પહોંચ મેચ થતી નથી, તમારી સાથે ફ્રોડ થયું છે. આ પછી મેં ૧૯૩૦માં ઓનલાઇન ફ્રોડની ફરિયાદ કર્યા બાદ પોલીસ સ્‍ટેશને આવી એફઆઇઆર નોંધાવી હતી.

આ ઉપરાંત મોૈલિકે આરવી જ રીતે પોતે જીટીપીએલનો કર્મચારી ન હોવા છતાં ઓળખ આપી નેટ કનેક્‍શન અપાવી દેનાનામે કોઠારીયા રોડ નિલકંઠ પાર્ક ટીપી માર્ગ-૪ પરે રહેતાં અને બાપુનગર ચોકમાં અલંગ હાઉસ નામે વેપાર કરતાં રહિલ રસિદભાઇ ફુંફાડ (ઉ.વ.૨૧) સાથે પણ રૂા. ૧૨૭૨૬ની ઠગાઇ તથા કોઠારીયા રોડ નંદા હોલ પાછળ ખોડિયાર સોસાયટી-૪માં રહેતાં અને વિરાણી અઘાટમાં ડીક્‍સ એન્‍જીનીયરીંગ નામે કારખાનામાં ફીટીંગનું કામ કરતાં હરેશભાઇ હંસારજાભાઇ કતબા (ઉ.વ.૪૪) સાથે રૂા. ૬૯૯૯ની ઠગાઇ કરી હતી.

રહિલભાઇ ભાવનગર અલંગથી માલ ખરીદી વેંચાણ કરતો હોઇ ઇન્‍ટરનેટ વાપરે છે. એ દરમિયાન મોૈલિકે સામેથી ફોન કરી તમારુ રિચાર્જ પુરુ થાય છે ક્‍યારે જોવા આવું તેમ કહી પોતે જીટીપીએલનો કર્મચારી હોવાની વાત કરી હતી. રહિલભાઇના ગોડાઉને આવી મોૈલિકે જીટીપીએલના બે પ્‍લાન છે તમારે કયો પ્‍લાન જોઇએ છે તેમ કહેતાં મેં તેને એમબીપીએસ પ્‍લાન કહેતાં તે ણે રૂા. ૧૨૭૨૬ ભરવાના થશે તેમ કહેતાં ઓનલાઇન આ રકમ ચુકવી હતી.  એ પછી ત્રણ ચાર દિવસ બાદ એક વ્‍યક્‍તિએ પોતે જીટીપીએલમાંથી બોલે છે અને નેટ રિચાર્જ પ્‍લાન પુરો થાય છે તેમ કહેતાં રહિલભાઇએ પોતે ચાર દિવસ પહેલા જ રિચાર્જ કરાવી લીધુ છે તેમ જણાવતાં તપાસ થતાં ફ્રોડ થયાની ખબર પડી હતી.

જ્‍યારે હરેશભાઇ કતબા જ્‍યાં નોકરી કરે છે એ કારખાને નેટની જરૂર હોઇ જીટીપીએલનું કનેક્‍શન હોઇ તેના શેઠને એક ફોન આવ્‍યો હતો અને જીટીપીએલમાંથી મોૈલિક બોલુ છું નેટ રિચાર્જ પુરુ થયુ છે તેમ કહી મોૈલિકે રૂબરૂ આવી પ્‍લાન સમજાવી રૂા. ૬૯૯૯ ભરાવ્‍યા હતાં. જે રકમ ગૂગલ પેથી હરેશભાઇએ ચુકવી હતી. પણ બીજા દિવસે મોૈલિકે ફોન ન ઉપાડતાં અને ત્રણ દિવસ બાદ કંપનીમાંથી નેટ પુરુ થયાનો ફોન આવતાં તપાસ કરતાં મોૈલિક ઠગાઇ કરી ગયાનું જણાયું હતું.

પીઆઇ મયુરધ્‍વજસિંહ એમ. સરવૈયા, પીએસઆઇ પી. જી. રોહડીયા, એએસઆઇ નિલેષભાઇ મકવાણાએ ત્રણ ગુના દાખલ કરી આરોપી મોૈલિક ભગલાણીને સકંજામાં લીધો છે. આગળની તપાસ પીએસઆઇ વસાવા સહિતે હાથ ધરી છે. મોૈલિક અગાઉ જીટીપીએલમાં નોકરી કરતો હતો. પણ તેને દોઢ બે વર્ષ પહેલા જ નોકરીમાંથી કાઢી મુકાયો હતો. આમ છતાં તે પોતે જીટીપીએલનો કર્મચારી હોવાની ઓળખ આપી નેટ પ્‍લાન રિચાર્જ કરી આપવાના નામે રૂપિયા મેળવી લઇ ઠગાઇ કરતો હતો. હાલ ત્રણ ગુના નોંધાયા છે. છેતરાયેલાઓની સંખ્‍યા વધવાની શક્‍યતા છે.

(3:54 pm IST)