Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

રાજકોટના અમીન માર્ગ પર પુરૂષોત્તમભાઇ રૂપાલાના નિવાસ સ્‍થાને સુરક્ષા વધારાઇ

આઇબીના ઇનપુટને આધારે રૂપાલા જે સ્‍થળે સભા, રેલીમાં જાય તે વિસ્‍તારના પોલીસ સ્‍ટેશન ઇન્‍ચાર્જને ખાસ બંદોબસ્‍ત જાળવવાની સુચના

રાજકોટઃ લોકસભાની રાજકોટ બેઠક પરથી ચૂંટણી લડી રહેલા પુરૂષોત્તમભાઇ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લઇને કરેલા નિવેદનને કારણે ઠેકઠેકાણે વિરોધ વંટોળ ઉભો થયો છે. આક્રોશની આગ સતત વધી રહી છે. આ વચ્‍ચે રાજકોટના અમીન માર્ગ પર હરિ સોસાયટી ખાતેના પુરૂષોત્તમભાઇ રૂપાલાના હંગામી નિવાસ સ્‍થાન ખાતે સુરક્ષા બંદોબસ્‍ત વધારી દેવામાં આવ્‍યો છે. સુરક્ષા ગાર્ડ, એસઆરપી ગાર્ડ, ત્રણ વધારાના સુરક્ષા ગાર્ડ સતત રૂપાલાની સાથે રહેતાં હોવાનું જાણવા મળે છે. રૂપાલા સભા, રેલી કે પ્રચાર માટે જાય ત્‍યારે જે તે પોલીસ સ્‍ટેશનના ઇન્‍ચાર્જને બંદોબસ્‍ત જાળવવાની સુચના અપાઇ છે. ગઇકાલે ભક્‍તિનગર સર્કલ વિસ્‍તારમાં એક સભામાં રૂપાલા પહોંચ્‍યા ત્‍યારે ભક્‍તિનગર પોલીસ સ્‍ટેશનના પીઆઇ મયુરધ્‍વજસિંહ સરવૈયા સહિતની ટીમ પણ પહોંચી હતી અને બંદોબસ્‍ત જાળવ્‍યો હતો. આઇબીના ઇનપુટના આધારે આ સુરક્ષા વ્‍યવસ્‍થા વધારવામાં આવી હોવાનું જણાવાયુ છે. વિવાદનો નિવેડો ન આવે ત્‍યાં સુધી આ સુરક્ષા પુરી પાડવામાં આવશે તેવું જાણવા મળે છે. ભાજપ દ્વારા આ વિવાદને જલ્‍દીથી ઉકેલવા માટે પ્રયાસો હાથ ધરાયા  છે. તસ્‍વીરમાં પુરૂષોત્તમભાઇ રૂપાલાના નિવાસ સ્‍થાને બંદોબસ્‍ત જોઇ શકાય છે. (ફોટોઃ સંદિપ બગથરીયા)

(2:26 pm IST)