Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

૧૪ વર્ષની છાત્રાને પ્રસંગમાંથી બારોબાર પોતાની ઘરે ઉઠાવી જઇ કોૈટુંબીક કાકાએ ન કરવાનું કર્યુ

બાળાના માતા બિમાર હોઇ સગાને ત્‍યાં અને પિતા બહારગામ હતાં: કુટુંબીના પ્રસંગમાં ગયેલી બાળાના માતાને ફોન કરી ઢગાએ હું તમારી દિકરીને મારી ઘરે લઇ જાઉ છું કહેતાં માતાએ ના પાડવા છતાં પરાણે લઇ ગયોઃ રાતે ભેગો સુઇ ગયો અને છેડછાડ કરીઃ પૈસાની લાલચ દીધીઃ ગાલ પર પરાણે કિસ કરી કપડા ઉતારવા પ્રયાસ કર્યોઃ ગાંધીગ્રામ પોલીસે અપહરણ, છેડતી, પોક્‍સો હેઠળ ગુનો નોંધી સકંજામાં લીધો

રાજકોટ તા. ૨૯: શહેરમાં બાળાઓ સાથે અડપલા, જાતીય પજવણીના બનાવ અવાર-નવાર બને છે. તાજતેરમાં એક શાળાના પ્રિન્‍સીપાલે ચાર છાત્રાઓને ઓફિસમાં પુરી જાતીય સતામણી કરી હતી. ત્‍યાં હવે એક બનાવમાં આઠમા ધોરણમાં ભણતી ૧૪ વર્ષની છાત્રાને તેના જ કોૈટુંબીક કાકાએ એક લગ્ન પ્રસંગમાંથી બારોબાર પોતાની ઘરે લઇ જઇ તેની સાથે શરીરે અડપલા કરી ગાલ પર કિસ કરી તેના કપડા કાઢવાની કોશીશ કરી છેડછાડ કરતાં ચકચાર મચી ગઇ છે. ગાંધીગ્રામ પોલીસ સુધી આ વાત પહોંચતા અપહરણ, છેડતી, પોક્‍સો હેઠળ ગુનો નોંધી હવસખોર કાકાને સકંજામાં લેવા તજવીજ કરવામાં આવી છે.

આ બનાવમાં ગાંધીગ્રામ પોલીસે ભોગ બનેલી ૧૪ વર્ષની બાળાના માતાની ફરિયાદ પરથી ગાંધીગ્રામ પોલીસે ૩૫ વર્ષના ઢગા વિરૂધ્‍ધ આઇપીસી ૩૬૩, ૩૫૪ (અ) અને પોક્‍સોની કલમ ૧૨ મુજબ ગુનો નોંધી તેને સકંજામાં લીધો છે.

ફરિયાદમાં બાળાના માતાએ જણાવ્‍યું છે કે મારે બે સંતાનમાં છે જેમાં એક દિકરીની ઉમર ૧૪ વર્ષની છે અને તે ધોરણ-૮માં અભ્‍યાસ કરે છે. ગત તા. ૧૪/૩/૨૪ના રોજ મારી તબિયત સારી ન હોઇ રાજકોટમાં જ રહેતાં મારા સગાના ઘરે રોકાવા માટે ગઇ હતી. જ્‍યારે મારા પતિ બહારગામ ગયા હતાં. તે દિવસે મારા કુટુંબીના દિકરાના લગ્ન અયોધ્‍યા ચોક પાસે યોજાયા હોઇ તેના રિસેપ્‍શનમાં મારી દિકરીને મારા ભાઇ મુકી આવ્‍યા હતાં. ત્‍યારબાદ રાતે દસેક વાગ્‍યે મારા કોૈટુંબીક દિયરનો મને ફોન આવ્‍યો હતો કે હું તમારી દિકરીને મારી ઘરે લઇ જાઉ છું.

મેં તેને તેના ઘરે લઇ જવાની ના પાડી હતી અને મારા પતિને વાત કરતાં તેમણે પણ દિકરીને પોતાની ઘરે લઇ જવાની આરોપી એવા મારા કોૈટુંબીક દિયરને ના પાડી હતી. આમ છતાં તે મારી દિકરીને તેના ઘરે લઇ ગયો હતો અને બીજા દિવસે ૧૫મીએ સવારે તે મારી દિકરીને મારા ભાઇના ઘર પાસે બહારથી જ ઉતારીને જતો રહ્યો હતો. આ પછી મારી ૧૪ વર્ષની દિકરી ઘરમાં મારી પાસે આવતાંની સાથે જ મને બથ ભરીને જોર જોરથી રડવા માંડી હતી. મેં તેને શાંત પાડી શું થયું? તે પુછતાં તેણીએ કહેલું કે મને કાકા રાતે તેના ઘરે લઇ ગયા હતાં જ્‍યાં હું બેડ પર સુવા ગઇ ત્‍યારે કાકા પણ મારી સાથે સુઇ ગયા હતાં અને શરીરે અડપલા કરવા માંડયા હતાં.

મેં તેના આવા સ્‍પર્શનો ઇન્‍કાર કરતાં તેણે વધુ છેડછાડ કરતાં મેં ના પાડતાં તેણે તારે પૈસાની જરૂર પડશે છે તો હું તને આપીશ. મેં તેને પૈસા મને ઘરમાંથી અપાય જ છે તેમ કહેતાં તેણે બળજબરીથી મારા હાથ પકડી લીધા હતાં અને કીસ કરવાની માંગણી કરતાં મેં ના પાડતાં તેણે ગાલ પર પરાણે કિસ કરી લીધી હતી. તેમજ મને ફોનમાં ખરાબ વિડીયો જોઇએ તેવું પણ કહેતાં મેં ના પાડતાં મેં વિડીયો જોયો નહોતો. હું આંખો બંધ કરી સુઇ જતાં થોડીવાર બાદ તેણે મારા પર ટોર્ચથી પ્રકાશ ફેંકી હું જાગુ છું કે સુઇ ગઇ તેની ખાત્રી કરી હતી. થોડી થોડીવારે તેણે આ રીતે ટોર્ચ કરી હતી. હું બીકના લીધે સુતી પણ નહોતી.

બાદમાં વહેલી સવારે પાંચેક વાગ્‍યે તે ન્‍હાની બહાર આવેલ અને મને કહેલ કે ચાલ બેઠા તને તારા ઘરે મુકી જાવ. એ પછી રસ્‍તામાં મને કહેલું કે તું કોઇને વાત કરતી નહિ તું ડાહી દિકરી છો. તેમ કહી મને મામાના ઘર પાસે ઉતારીને કાકા જતાં રહ્યા હતાં. બાળાના માતાએ આગળ કહ્યું હતું કે સમાજમાં બદનામી થાય તેથી અમે કોઇને વાત કરી નહોતી અને ફરિયાદ પણ કરી નહોતી. મારા પતિ બહારગામ હોઇ તે પાછા આવ્‍યા બાદ અમે તેને વાત કરી હતી. એ પછી કુટુંબીઓને વાત કરી હતી. જે તે વખતે કુટુંબી દિયરે હવે પછી આવુ નહિ થાય, મારી ભુલ થઇ ગઇ તેમ કહ્યું હતું. પણ બાદમાં અમારા ઘરના વડીલોએ આ મામલે ફરિયાદ કરવાનું કહેતાં અમે હવે પોલીસને જાણ કરી હતી. ડીસીપી સુધીરકુમાર દેસાઇ, એસીપી રાધીકા ભારાઇની રાહબરીમાં પીઆઇ બી. ટી. અકબરી, રાઇટર જે. કે. જાડેજા, પીએસઆઇ એન. વી. હરયાણી સહિતે ગુનો નોંધી આરોપીને સકંજામાં લેવા તજવીજ કરી હતી. આરોપી પરણેલો છે અને તેને એક સંતાન છે.

(11:57 am IST)