Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2024

દૂધની ડેરી પાસે દવાખાનુ ખોલી બેસી ગયેલા નકલી ડોક્‍ટર મહમદફારૂક બ્‍લોચને એસઓજીએ દબોચ્‍યો

હેડકોન્‍સ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા, કોન્‍સ. મુકેશભાઇ ડાંગરની બાતમી પરથી પીએસઆઇ ડી. પી. ગોહિલ, એએસઆઇ ફિરોઝભાઇ શેખની ટીમનો દરોડો : દર્દીઓ પાસેથી રૂા. ૫૦ ફી વસુલતો હતોઃ મેડીકલ સ્‍ટોરમાં નોકરી કરી હોઇ તેના અનુભવને આધારે ડોક્‍ટર બનીને બેસી ગયો હતોઃ તેર વર્ષ પહેલા પકડાયા બાદ વધુ એક વખત ઝપટે ચડયોઃ પીઆઇ જે. એમ. કૈલાની ટીમની કાર્યવાહી

રાજકોટ તા. ૨૯: શહેર એસઓજીએ વધુ એક વખત ડીગ્રી વગર દવાખાનુ ખોલીને બેસી ગયેલા ડુપ્‍લીકેટ ડોક્‍ટરને દબોચી લીધો છે. આ ડોક્‍ટર અગાઉ પણ આ રીતે લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતાં પકડાઇ ગયો હતો. છેલ્લા ચારેક મહિનાથી આ મુન્‍નાભાઇ એમબીબીએસ દૂધ સાગર રોડ પર દવાખાનુ ખોલી બેસી ગયો હતો. તેને બાતમીને આધારે દબોચી લેવાયો છે.

શહેરમાં લોકોના આરોગ્‍ય સાથે ચેડા કરતાં નકલી ડોક્‍ટરોને શોધી કાઢવાની સુચના અન્‍વયે એસઓજીની ટીમ પેટ્રોલીંગમાં  હતી ત્‍યારે હેડકોનસ. ઉપેન્‍દ્રસિંહ ઝાલા અને મુકેશભાઇ ડાંગરને મળેલી પાક્કી બાતમી પરથી દૂધસાગર રોડ પર સિદ્દીકી મસ્‍જીદવાળી શેરીમાં ભગવતી સોસાયટીમાં એક ક્‍લીનીકમાં દરોડો પાડયો હતો. અહિ ખુરશી પર ગળામાં સ્‍ટેથોસ્‍કોપ ટાંગીને બેઠેલા શખ્‍સની પુછતાછ કરતાં તેણે પોતાનું નામ મહમદફારૂક જાનમહમદભાઇ બ્‍લોચ (ઉ.વ.૫૩-રહે. બજરંગવાડી રાજીવનગર-૫, બ્‍લોક નં. ૭૦૭) જણાવ્‍યું હતું. પોલીસે તેની પાસે મેડીકલ પ્રેકટીસની કોઇપણ જાતની ડીગ્રી હોય તો બતાવવાનું કહેતાં ગેંગેં-ફેંફેં થઇ ગયો હતો.

વિશેષ પુછતાછ થતાં મહમદફારૂકે પોતાની પાસે કોઇપણ જાતની ડીગ્રી નહિ હોવાનું અને ૨૦૧૧મા પણ પોતે આ રીતે ડીગ્રી વગર દવાખાનુ ચલાવતાં પકડાઇ ગયાનું કબુલતાં તેની સાથે મેડીકલ પ્રેકટીશનર એક્‍ટ હેઠળ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી દવાઓ, સાધનો સહિતનો મુદ્દામાલ કબ્‍જે કરાયો હતો. મહમદફારૂકે પ્રાથમિક પુછતાછમાં કહ્યું હતું કે પોતે બાર ચોપડી સુધી ભણેલો છે. દર્દીઓને તપાસને દવા આપવાની ફીના રૂપિયા પચાસ વસુલતો હતો. ચારેક મહિનાથી આ રીતે દવાખાનુ ચાલુ કર્યાનું રટણ તેણે કર્યુ હતું. અગાઉ લાંબો સમય સુધી મેડીકલ સ્‍ટોરમાં નોકરી કરી હોઇ દવાઓનો અનુભવ હતો. તેના આધારે તેર વર્ષ પહેલા દવાખાનુ ચાલુ કરી દીધુ હતું. ત્‍યારે પકડાઇ જતાં થોરાળા પોલીસમાં ગુનો નોંધાયો હતો. આ વખતે એસઓજીએ પકડી લઇ તેને વધુ તપાસ માટે થોરાળા પોલીસને સોંપ્‍યો છે.

પોલીસ કમિશનર રાજુ ભાર્ગવ, જેસીપી વિધી ચોૈધરી, ડીસીપી ડો. પાર્થરાજસિંહ ગોહિલ, એસીપી બી. બી. બસીયાની સુચના અંતર્ગત પીઆઇ જે. એમ. કૈલાની રાહબરીમાં પીએસઆઇ ડી. પી. ગોહિલ, એએસઆઇ ફિરોઝભાઇ શેખ, હેડકોન્‍સ. અજયભાઇ, ઉપેન્‍દ્રસિંહ ઝાલા, યુવરાજસિંહ જાડેજા, કોન્‍સ. મુકેશભાઇ ડાંગરે આ કામગીરી કરી હતી.

(11:46 am IST)