Gujarati News

Gujarati News

News of Wednesday, 29th March 2023

પેડક રોડ પર વાલ્‍મિકી આવાસમાં સફાઇ કામદાર ઇન્‍દુબેનના વાંસામાં છરી ઝીંકાઇ

પોૈત્ર રાજ રાત્રે પડોશી સાહિલ સાથે બેઠો હોઇ તેને બોલાવવા ગયા તે સાહિલને ન ગમતાં ગાળો દેવા માંડયો, ગાળો દેવાની ના પાડતાં છરી ઝીંકી દીધાનો આક્ષેપ

રાજકોટ તા. ૨૯: સામા કાંઠે પેડક રોડ પર વાલ્‍મિકી આવાસ યોજના ક્‍વાર્ટરમાં રહેતાં અને વોર્ડ નં. ૭માં સફાઇ કામદાર તરીકે ફરજ બજાવતાં ઇન્‍દુબેન બાબુભાઇ પરમાર (ઉ.વ.૫૬)ને પડોશમાં જ રહેતાં સાહિલ નામના શખ્‍સે ગાળો દઇ છરીથી હુમલો કરી વાંસામાં ઘા મારી દેતાં સિવિલ હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યા હતાં.

ઇન્‍દુબેન પરમાર રાતે દસેક વાગ્‍યે ઘર પાસે હતાં ત્‍યારે પડોશમાં જ રહેતાં તેમની જ જ્ઞાતિના સાહિલે ગાળો દઇ ઝઘડો કરી છરીથી હુમલો કરી દીધો હતો. તેમને લોહીલુહાણ હાલતમાં સારવારમાં ખસેડાતાં હોસ્‍પિટલ ચોકીના જીજ્ઞેશભાઇ મારૂએ બી-ડિવીઝનમાં જાણ કરી હતી.

હોસ્‍પિટલના બિછાનેથી ઇન્‍દુબેને કહ્યું હતું કે રાતે દસેક વાગ્‍યા હોઇ મારો પોૈત્ર રાજ વિજયભાઇ પરમાર પડોશમાં સાહિલની સાથે બેઠો હોઇ હું રાજને બોલાવવા જતાં અને તેને ઘરે આવી જવાનું કહેતાં સાહિલને આ ન ગમતાં તે ગાળો બોલવા માંડયો હતો. તેને ગાળો દેવાની ના પાડતાં છરીથી તૂટી પડયો હતો. પોલીસે વિશેષ તપાસ હાથ ધરી છે.

(4:17 pm IST)