Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

નાટક 'સમુદ્ર મંથન'માં દિલને સ્પર્શી જાય તેવા પ્રણય દ્રશ્યો

ફિલ્મી નૃત્ય સંયોજનની જેમ બદલતા રહેતા અને જકડી રાખતા દ્રશ્યોઃ કલાપ્રેમીઓએ ટિકિટ મેળવી લેવી

રાજકોટ,તા.૨૯: વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના દેવલ વોરા રાજકોટ માટે નાટકો અને કવિતાઓના ક્ષેત્રમાં હંમેશા કૈક નવું નજરાણું લઈ ને આવે છે ! આગામી ૬ એપ્રિલ એ વિદેહી એન્ટરટેઇન્મેન્ટ સમુદ્ર ની સફર કરાવતું એક અનોખું, મૌલિક, મ્યુઝિકલ ગુજરાતી નાટક સમુદ્ર મંથન લઇ ને આવી રહ્યા છે.

અમદાવાદ થી આગળ વધી ને આ નાટક ઘણા શહેરો અને વિદેશ ના શહેરોમાં પણ ભજવાઈ ચૂકયું છે. એક સ્ત્રી ના ખરા સ્ત્રીત્વ ને ઉજાગર કરતુ આ નાટક ચૂકવા જેવું નથી. ગુજરાતી ભાષાના બહુ જૂજ સમુદ્ર કથાઓ પર ના નાટકોમાંનું આ નાટક સ્ટેજ પર વહાણ ની રચના ધરાવતા સેટ, અદભુત લાઇટિંગ , ડાન્સ અને ગુજરાત ના બહુ જ જાણીતા કમ્પોઝર શ્રી મેહુલ સુરતી ના ઓરિજિનલ મ્યુઝિક વડે જાણે એક આખો સમુદ્ર ઉભો કરે છે!

દિલ ને અડી  જાય તેવા પ્રવાહી પ્રણય દ્રશ્યો, સમુદ્ર અને ખારવાઓ ને સાંકળતા ગીત અને નૃત્યો - વર્ષો થી અતિ લોકપ્રિય અમેરિકન થીએટર પ્રકાર બ્રોડવે મ્યુઝિકલ્સની યાદ અપાવે છે.  હાર્વર્ડમાં અભ્યાસ કરી આવેલી એક બહેન કહે છે કે બિલકુલ સાચી વાત , બ્રોડવે નો ટચ છે અહીં ! નોંધપાત્ર વાત એ કે આંખ અને કાનને ગમી જતા આ મધુર અંશો નાટ્ય પ્રવાહ માં અંતરંગ થઇ જાય છે અને ઘટના એક પ્રતીક બની જાય છે! જમાનાભર થી ચાલી આવતી એક અંધશ્રદ્ઘા અને તે પણ એક સ્ત્રી ને લઇ ને. તેને શંકા ની નજરે જ જોવાય ! આ સ્ત્રી એટલે કબી - ભણેલી અને નિર્ભીકમ વળી હૈયાસૂઝ વાળી એવી કે અમંગળ ઘટના લાવવાની તો દૂર, તે ઘટવાની હોય તો પણ તેને કુનેહ પૂર્વક નિવારી શકે તેવી. વળી, પ્રેમ એ તેને બળવત્તર બનાવેલી. સમત્વ અને કરૂણાને 'દરિયાબાપા' થકી જીવન માં ઉતારેલા એટલે પુરૂષ થી પણ સવાઈ !

પ્રણયદ્રશ્યો અગાઉ રંગમંચ પર જોયા ન હોય તેવા. નાજુક અને મધુર ખરાં , પણ આવેગપૂર્ણમ ઉછળતા મોજા જેવો પ્રેમ. તેની નજરે પડતી અભિવ્યકિત નિર્ભીકપણે અતિ આધુનિક અને છતાં કલાત્મક રીતે સંયમિત. ફિલ્મી નૃત્યસંયોજનો ની જેમ બદલાતા રહેતા, જકડી રાખતા દ્રશ્યો. બુલંદી ગીતો અને નૃત્યો ખડતલ સમૂહ-જીવન નો એહસાસ આપે. કરામત પૂર્વક પ્રેક્ષકો વચ્ચે રહીને પણ ખારવાઓ એનો સ્પર્શ આપે. અનુભૂતિ મળે જીવન ની નાજુક પળોની અને તેનાં મૂલ્યોની. નાટક નોખું પડે છે, તે જેટલું એના થીએટરથી મનોરંજન દ્વારા, તેટલું એના નાટ્યથી અનુભૂતિ દ્વારા.

પ્રણય ના રંગમાં ખેંચાતા રહો ત્યાં સાવ અચાનક દિલ ધડકાવી દે તેવી, અણધારી નાટ્યાત્મક ઘટનાઓ. ખમીરભર્યા , બોલ્યેચાલ્યે કૌવત ભર્યા ખારવાઓ વચ્ચે કટોકટી અને તોફાની સંઘર્ષ જાગી ઉઠે. જીવ સટોસટનો , લોહિયાળ બની બેસે એવી દહેશત પેદા કરતો . પ્રેક્ષકો માં સોપો પડે અને સાથે અટકળો થાય. ને તે ઉકલે કેમ તે જાણવા તો નાટક જ જોવું પડે !નાટક નો એક માત્ર પ્રયોગ ૬ઠ્ઠી એપ્રિલ, રાત્રી ના ૧૦ વાગ્યે હેમુ ગઢવી હોલ ખાતે થશે. નાટક ની ટિકિટો ના દર રૂ. ૨૦૦ થી લઈ રૂ. ૬૦૦ સુધી ના છે. મનગમતી સીટ મેળવવા આજે જ સંપર્ક કરોઃ ૬૩૫૪૯૯૫૦૦૧. વિદેહી એન્ટરટેઇન્મેન્ટ ના આ પ્રયોગ માં અકિલા અને ટીપોસ્ટ પરિવારનો સહકાર સાંપડ્યો છે. આ ઉપરાંત સમુદ્ર મંથન નાટકના સપોર્ટર્સ તરીકે વિકાસ સ્ટવ અને કુકવેર, માઇક્રોફાઇન ઘરઘંટી , સિદ્ઘિવિનાયક ફોર્ડ, સેઇલર સોડા, કાઠિયાવાડી સ્વાદબંધુ,  શિલ્પા લાઈફ સ્ટાઇલ, તિરૂપતિ કુરિયર, પરીન ટાટા મોટર્સ અને પરીન ફર્નિચર નો પણ સહકાર સાંપડ્યો છે.

નાટક ના ઓપનિંગ ના પ્રથમ ૩૦ દિવસ મા જ નાટક ના ૬ થી વધારે શો થઇ ગયા હતા અને તે પછી લાગલગાટ અનેક પ્રયોગો ની કતાર તૈયાર થઇ ગઈ ! રાજકોટ માં આવા અદભુત નાટકો કયારેક જ આવે છે માટે આ નાટક ચૂકાઈ ના જાય. ફરી કયારે આવશે તેની કાંઈ  જ ખબર નથી ! માટે વહેલી તકે ટિકિટ બુક કરાવી લેવા યાદીમાં જણાવાયું છે.

(3:54 pm IST)