Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

સદર સ્ટાર પ્લાઝા પાસે શરૂ થયેલી નોનવેજની રેકડીઓ રાતોરાત હાંકી કઢાઈ

શહેર વચ્ચેથી નોનવેજ માર્કેટ દૂર ખસેડવા તંત્ર દ્વારા કાર્યવાહી

રાજકોટ, તા. ૨૯ :. શહેરના ફુલછાબ ચોક વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ધમધમતી નોનવેજ તથા ઈંડાની રેકડીઓને મ્યુ. કોર્પોરેશનના એસ્ટેટ વિભાગે દૂર કરી નાખ્યા બાદ નોનવેજની આ રેકડીઓની બજાર સદરના સ્ટાર પ્લાઝા બિલ્ડીંગવાળા રોડ ઉપર ભરાવા લાગી હોવાનું અને સ્થળ ઉપર જ ચિકન-મટનનું મશીનથી કટીંગ થતુ હોવાની ફરીયાદો મળતા એસ્ટેટ વિભાગે રાતોરાત આ રોડ ઉપરથી નોનવેજની રેકડીઓને દૂર કરી હતી.

આ અંગે મ્યુ. કોર્પોરેશનનાં સત્તાવાર સૂત્રોના જણાવ્યા મુજબ થોડા દિવસો અગાઉ ફુલછાબ ચોકમાંથી ઈંડા-નોનવેજની રેકડીઓની બજારને એસ્ટેટ વિભાગે દૂર કરી નાખી હતી. દરમિયાન છેલ્લા એક બે દિવસથી નોનવેજ તથા ઈંડાની રેકડીઓ ફુલછાબ ચોક પાસેના સ્ટાર પ્લાઝા બિલ્ડીંગવાળા વન-વે રોડ ઉપર ઉભી રાખીને સ્થળ ઉપર જ મશીન દ્વારા ચીકન, મટન, મચ્છી કાપીને નોનવેજનો ધંધો શરૂ થયાની ફરીયાદો લતાવાસીઓ તથા વેપારીઓ દ્વારા મેયરને કરવામાં આવતા મેયરશ્રીએ એસ્ટેટ વિભાગના અધિકારીઓને આ ગેરકાયદે નોનવેજની રેકડીઓને દૂર કરવા સૂચના આપી હતી. જે અન્વયે રાતોરાત એસ્ટેટ વિભાગે આ રસ્તા પરની નોનવેજની રેકડી બજાર દૂર કરાવી હતી.

નોંધનીય છે કે, ઈંડા તથા નોનવેજના ધંધાર્થીઓની રોજીરોટી ચાલુ રહે તે માટે નોનવેજ માટે અલગથી શહેરની ભાગોળે ખાસ હોકર્સ ઝોન વિકસાવવાનું આયોજન પણ મેયરશ્રીના માર્ગદર્શન હેઠળ ચાલુ થયાનું જાણવા મળ્યુ છે.

(3:50 pm IST)