Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

જૈન વિઝન દ્વારા ચોવીસ દિવસ અનેકવિધ આયોજનો

ચોવીસમાં તીર્થકર પરમાત્માના જન્મ કલ્યાણક મહોત્સવ અવસરે : ''આવો રે આવો મહાવિર'' ભકિત સંગીત, સંયમી આત્માઓના પરિવારનું સન્માન,પક્ષીને ચણ, સાધર્મિક વિતરણ, શ્રમિકોના બાળકોને કેરીના રસનું વિતરણ, જૈન દર્શન અંગે વકતવ્ય સહિતના કાર્યક્રમો

રાજકોટ,તા.૨૯: આગામી તા.૧૭ એપ્રીલ ચૈત્ર સુદ તેરસના પાવન દિવસે અનંત ઉપકારી પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો હોય તે અંતર્ગત સૌરાષ્ટ્રની સુવિખ્યાત સંસ્થા જૈન વિઝન સતત છઠા વર્ષ અનેકવિધ આયોજનો આપતા ઉત્સુક છે. ચોવીસમાં તીર્થંકર પરમાત્મા મહાવીર પ્રભુના જન્મ કલ્યાણક મહોત્સવ અંતર્ગત ચોવીસ દિવસ સુધી અલગ અલગ આયોજનો કરવામાં આવશે.

આ આયોજનમાં જૈનોનું અતિલોકપ્રિય આવો રે આવો મહાવીર નામ લઈએ ભકિત સંગીત સંધ્યાનું અનેરૃં આયોજન આગામી તા.૧૬ એપ્રિલ મંગળવારની સાંજે ભગવાન મહાવીર જન્મ કલ્યાણના વધામણાની પૂર્વ સંધ્યાએ ભવ્ય વિશાળ મહાવીર નગરી બાલભવન ખાતે જાજરમાન સુપ્રસિધ્ધ સ્તવનકારના કંઠે અને રાસવૃંદના સથવારે નીતનવા નઝરાણા સાથે આ અનેરૃં આયોજન યોજાશે જેમાં ભકિત સંગીત માણવા આવનાર ભાવિક ભાઈઓ, બહેનો અને ભૂલકાઓને ભવ્ય લક્કડી ડ્રો દ્વારા નવાજવામાં આવશે.

આ કાર્યક્રમની અંદર છેલ્લા ૩ વર્ષથી મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને પ્રદેશ ભાજપ પ્રમુખની સિદ્ધિ મેળવવા બદલ સમસ્ત જૈન સમાજની ઉપસ્થિતિમાં વિજયભાઈને ફૂલડેથી વધાવેલ હતા. એવી જ રીતે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીયેશનના નિરંજનભાઈ શાહનું પણ જૈન વિઝન દ્વારા સન્માન કરવામાં આવેલ.

જૈન વિઝન એમના વિઝન દ્વારા કાર્યક્રમના મધ્યે રાજકોટમાં ગત એક વર્ષમાં જૈનોના ચારેય ફિરકાઓમાં સંયમ અંગીકાર કરનાર સંયમીઓના પરિવારજનોનું અભૂતપૂર્વ અભિવાદન કરાશે, જરૂરિયાતમંદ સાધર્મિકોને નિઃશુલ્ક જીવન ઉપયોગી ચીજ વસ્તુઓનું વિતરણ કરવામાં આવશે, ભૂલકાઓ માટે ભગવાન મહાવીર અંગે ચિત્ર સ્પર્ધાનું અનેરૃં આયોજન યોજાશે.

ઉપરાંત જૈન કૂકિંગ સ્પર્ધાનું તા.૬ એપ્રિલ શનિવારે બપોરના ૨:૩૦ કલાકે શેઠ ઉપાશ્રય, પ્રસંગ હોલની બાજુની શેરી ૧૫૦ ફિટ રીંગ રોડ ખાતે યોજાશે, તા.૭ એપ્રિલને રવિવારે ઝૂપડપટીના બાળકોને ફનવર્લ્ડની અંદર વિવિધ રાઈડ્સ અને નાસ્તા સાથે આનંદ કરાવી નિમિત બનશે.

''રે પંખીડા સુખથી ચણજો'' પક્ષીઓને ચણનો ભોગ ધરીને તેમના આશીર્વાદ મેળવીએ રેસકોર્ષ મેદાનમાં તમામ સમાજના લોકો પક્ષીઓને ચણ આપવા પધારશે સંસ્થા તરફથી ચણની વ્યવસ્થા કરી આપવામાં આવશે.

રાજકોટની સામાજિક સંસ્થાઓમાં અંધ મહિલા, મુકબધિર, અપંગ બાલગૃહ, વૃદ્ધાશ્રમ, જૈન બાલાશ્રમ ગુંદાવાડી હોસ્પિટલ, આશાપૂરા મંદિર, સ્વામિનારાયણ મંદિર, બાલાજી મંદિર આસપાસના ભિક્ષુકો, પાંજરાપોળના શ્રમિકોના બાળકોને કેરીનાં રસનું વિતરણ કરાશે. કાર્યક્રમના મધ્યે જૈન સાહિત્યકારો લેખક, આદરણીય તંત્રીશ્રીઓ, પત્રકારોનું અભિવાદન કરાશે. ઉપરાંત ભાર વિનાનું ભણતર વિષય ઉપર માર્ગદર્શન આપશે જાણીતા શિક્ષણવિદો.

જીવદયાએ જૈનોની કુળદેવી છે ભારતભરમાં મોટા ભાગની પાંજરા પોળનું સંચાલન જૈનો દ્વારા થાય છે. આપણાં ચરમ અને પરમ ભગવાનશ્રી મહાવીરસ્વામીએ જગતને આપેલ સંદેશ ''જીવો અને જીવવા દો'' અને અંહિસા પરમો ધર્મ સૂત્રને આ વખતે જન્મ કલ્યાણ પર્વના ભાગ રૂપે સાર્થક કરવા જૈન વિઝન દ્વારા અબોલ જીવોને સાતા ઉપજાવા સુખી જીવદયા પ્રેમી દાતાના સહયોગથી રાજકોટ મહાજન પાંજરાપોળને ઘાસ થતાં બીમાર પશુ માટે લાડવા ખવડાવામાં આવશે.

પ્રભુ મહાવીરનો જન્મ કલ્યાણક મહોત્સવ આવી રહ્યો હોય તે અંતર્ગત માનવતાલક્ષી બ્લડ ડોનેશન કેમ્પ તથા બાળકોને પગ ઠારવા નવા ચપ્પલ વિતરણ પણ કરવામાં આવશે.

સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા જૈન વિઝનના ૧૮૦થી વધારે ભાઈઓ- બહેનોની કમિટીના મેમ્બરો જહેમત ઉઠાવી રહ્યા છે. અકિલા કાર્યાલય ખાતે સમગ્ર આયોજનની વિગતો મિલન કોઠારી, ભરતભાઈ દોશી, પ્રતાપભાઈ વોરા, જય ખારા, બ્રિજેશ મહેતા, રજત સંઘવી, રાજીવ ઘેલાણી, નિતીન મહેતા, કૌશીક વિરાણી, સુશીલ ગોડા સહિતના જૈન વિઝનના મેમ્બરોએ આપી હતી.(તસવીરઃ સંદીપ બગથરીયા)

(3:47 pm IST)