Gujarati News

Gujarati News

News of Friday, 29th March 2019

ત્રંબામાં રાત્રે નર્મદાની પાઇપ લાઇનમાં ભંગાણ સર્જાયું: હજારો ગેલન પાણી ગલાલીયો નદીમાં વહેવા માંડ્યું

ત્રંબા સંપથી ગોંડલનું વેરી તળાવ ભરવા માટે પાણી મોકલવાની કામગીરી શરૂ કરવાની હતી એ પહેલા વાલ્વ લિક થતાં પાણીના ૨૫૦ થી ૩૦૦ ફુટ ઉંચા ફૂવારા ઉડ્યાઃ લોકો ઉમટ્યાઃ ત્રણ ચેકડેમ પણ છલકાઇ ગયા

વાલ્વ લિક થતાં નદીમાં પાણી વહી ગયા હતાં તે દ્રશ્ય અને ઉંચા ફુવારા ઉડ્યા તે દ્રશ્ય જોઇ શકાય છે. તસ્વીરો ત્રંબાથી જી.એન. જાદવે મોકલી હતી

રાજકોટ તા. ૨૯: નર્મદાના પાણીથી ગોંડલનું વેરી તળાવ ભરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે ત્યારે જ મોડી રાત્રે નર્મદાની લાઇનનો વાલ્વ લિકેજ થઇ જતાં જોરદાર ફોર્સને કારણે પાણીના ૨૫૦ થી ૩૦૦ ફુટ ઉંચા ફુવારા ઉડતાં લોકોના ટોળા આ દ્રશ્યો જોવા ઉમટી પડ્યા હતાં. મોડી રાતે કોઇપણ સમયે વાલ્વ લિક થઇ જતાં હજારો ગેલન પાણી ગલાલીયો નદીમાં વહેવા માંડ્યું હતું, તો ત્રણેક ચેક ડેમ પણ છલકાઇ ગયા હતાં.

ત્રંબાથી જી.એન. જાદવએ જણાવેલી માહિતી અનુસાર ત્રંબાના સંપમાં નર્મદાનું પાણી ઠાલવી ત્યાંથી ગોંડલના વેરી તળાવને ભરવા માટે પાણી મોકલવાની કામગીરી શરૂ કરવાની હતી. પરંતુ એ પહેલા મોડી રાત્રે અથવા તો વહેલી સવારે કોઇપણ કારણોસર ગલાલીયો નદીના કાંઠે આવેલો નર્મદાની લાઇનનો વાલ્વ લિક થઇ જતાં અને બેફામ પાણી વહી જતાં કોરીકટ નદી વહેવા માંડી હતી. તો ત્રણ નાના ચેકડેમ પણ આ પાણીથી છલકાઇ ગયા હતાં.

પાણીના ફુવારા આશરે ૨૫૦ થી ૩૦૦ ફુટ ઉંચે સુધી જતાં આ દ્રશ્યો જોવા ગામલોકો ઉમટી પડ્યા હતાં. આ અંગે સરપંચશ્રીને અને સંબંધીતોને જાણ કરવામાં આવી હતી. સવારે દસેક વાગ્યે લિકેજ બંધ કરવામાં આવ્યું હતું. (૧૪.૬)

(11:56 am IST)