Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

સ્કોડા સિંગલ વિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં મોદી સ્કુલના આર્યન સવસાણી રનર્સ અપ : ૫ લાખનું પારિતોષીક એનાયત

નાની ઉંમરે મોટી સિધ્ધી : મોદી સ્કુલનો તરવરીયો છાત્ર આર્યન સવસાણીનો સ્કોડા સિંગલ વિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટમાં રનર્સ અપ થવા બદલ ૫ લાખ પુરસ્કાર મળ્યો છે. પ્રસ્તુત તસ્વીરમાં ડો. રશ્મીકાંત મોદી આર્યન સવસાણીને અભિનંદન પાઠવ્યા હતા તે સમયની તસ્વીરમાં અકિલા કાર્યાલય ખાતે આર્યન સવસાણી, પ્રિન્સીપાલ ખ્યાતિબેન ઓઝા, સેકશન હેડ નિતીબેન ભટ્ટી, દિનેશભાઇ સવસાણી અને અનિલભાઇ મારૂ, આશિષભાઇ જોશી નજરે પડે છે. (તસ્વીર : સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯ : મોદી સ્કુલ દ્વારા વિદ્યાર્થીઓને માત્ર શિક્ષણ જ નહી પરંતુ રમત-ગમત અંગે પણ પ્રોત્સાહન મળે અને તેમની આવડતનો વિકાસ થાય તે અંગેનું માર્ગદર્શન શાળાના મેનેજીંગ ટ્રસ્ટી રશ્મીકાંત મોદી દ્વારા આપવામાં આવે છે તે માટે શાળા દ્વારા વિદ્યાર્થીઓને પૂરતો સહકાર આપવામાં આવે છે.

તાજેતરમાં મુંબઇ ખાતે રમાયેલી 'સ્કોડા સિંગલ વિકેટ ક્રિકેટ ટુર્નામેન્ટ'માં વી.જે.મોદી સ્કુલ અંગ્રેજી માધ્યમ ધોરણ ૭માં અભ્યાસ કરતા વિદ્યાર્થી સવસાણી આર્યન જેમણે 'રનર્સ અપ' ટ્રોફી તથા રૂપિયા પાંચ લાખનો ચેક જીતી મોદી સ્કુલ, પરિવાર, સવસાણી પરિવાર તેમજ સમગ્ર રાજકોટ જિલ્લાનું ગૌરવ વધારેલ છે. આ બદલ શ્રી મોદી દ્વારા તેમને અભિનંદન પાઠવવામાં આવેલ છે. તેઓ મોરબી જિલ્લાના ટંકારા તાલુકાના નાના એવા ગામના રહીશ અને હાલ મોદી જિલ્લાની સરકારી માધ્યમિક શાળા શ્રી લાલ બહાદુર શાસ્ત્રી વિદ્યાલયમાં પ્રિન્સીપાલ તરીકે ફરજ બજાવતા દિનેશકુમાર બી. સવસાણીના પુત્ર છે.

ઉપરોકત ટુર્નામેન્ટમાં ઓલ ઇન્ડિયાના મેગાસીટીના અંડર-૧૨ કક્ષાના ક્રિકેટરો મુંબઇ ખાતેના 'એર ઇન્ડિયા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ'ના ગ્રાઉન્ડમાં તા. ૧૯, ૨૦ ફેબ્રુ.ના રમ્યા હતા. જેમાં આર્યન સવસાણી ફાઇનલમાં પહોંચી રનર્સઅપ રહ્યા હતા. તે બદલ ભારતના અંડર-૧૯ના પૂર્વ કપ્તાન ઉન્મુકત ચાંદના હસ્તે ટ્રોફી તથા રૂપિયા પાંચ લાખનું ઇનામ મેળવ્યું હતું.

આર્યન છેલ્લા બે વર્ષથી ક્રિકેટ માટેની તાલીમ બાલભવન ક્રિકેટ એકેડેમી, શાળાના કોચ આશિષભાઇ જોશી, બાલભવન ક્રિકેટ એકેડેમીના આઇસીસી લેવલ-૧ના કોચ આશિફ, હિતેષ પાસેથી મેળવી રહ્યા છે. પોતાના ઉત્કૃષ્ટ પ્રદર્શન દ્વારા તેમણે આ તમામ ગુરૂઓને ગૌરવાન્તિ કર્યા છે.

આર્યન અભ્યાસમાં પણ ખૂબ જ તેજસ્વી છે. ધોરણ ૬, અંગ્રેજી માધ્યમમાં વાર્ષિક પરિક્ષામાં તેઓ દ્વિતીય ક્રમે ઉતીર્ણ થયા છે. તેમની બંને બહેનો પણ ભણવામાં તેજસ્વી છે. મોટી બહેન હાલ જૂનાગઢની જીએમઇઆરએસ મેડીકલ કોલેજમાં એમબીબીએસના ફાઇનલ વર્ષમાં છે, જેમણે ધોરણ ૧૧-૧૨ સાયન્સ પી.વી.મોદી સ્કુલમાં કરેલ છે, જ્યારે નાની બહેન સવસાણી હેત્વી, જે હાલ વી.જે.મોદી સ્કૂલ ધોરણ ૮માં અભ્યાસ કરે છે. તેમણે પણ ધોરણ ૭ વાર્ષિક પરીક્ષામાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કર્યો હતો. તેમના માતા રંજનબેન સવસાણીનો પણ બાળકોના વિકાસ મોટો ફાળો છે. ખરેખર 'પરિશ્રમ એ જ પારસમણિ' એ સાચું જ છે.

(3:32 pm IST)