Gujarati News

Gujarati News

News of Saturday, 29th February 2020

વાછકપર પાસે કોઠારીયામાં ભરવાડ બંધુ પર રજપૂત શખ્સોનો હુમલોઃ નથુભાઇના હાથ-પગ ભાંગી ગયા

અગાઉ દૂધની ગાડીને કારથી કાવો મારવા મામલે થયેલી ચડભડનો ખાર રાખી રાતે ડેરીએ આવી ધમાલ : તેના પિત્રાઇ હરજીવનભાઇને પણ ઇજાઃ શૈલેષ પરમાર, ગિરીશ, સુરાનો છોકરો અને સુરેશ તલવાર-ધારીયા-પાઇપથી હુમલો કરી ભાગી ગયાઃ કુવાડવા પોલીસે ગુનો નોંધ્યો

રાજકોટ તા. ૨૯: વાછકપર બેડીથી આગળ આવેલા કોઠારીયા આણંદપરમાં રહેતાં અને દૂધનો ધંધો કરતાં ભરવાડ નથુભાઇ તેજાભાઇ હાડગરડા (ઉ.વ.૪૫) પર સાંજે પોતાની ડેરીએ હતાં ત્યારે ગામના રજપૂત શખ્સોએ તલવાર, ધારીયા, પાઇપથી હુમલો કરી હાથ-પગ ભાંગી નાંખતા અને બચાવવા વચ્ચે પડેલા તેના પિત્રાઇ ભાઇ હરજીવનભાઇ હમીરભાઇ હાડગરડા (ઉ.૫૦)ને પણ ઘાયલ કરતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં.

હોસ્પિટલ ચોકીના રામસિંહભાઇ વરૂએ જાણ કરતાં કુવાડવાના પીએસઆઇ આર. કે. રાઠોડે હોસ્પિટલે પહોંચી નથુભાઇ હાડગરડાની ફરિયાદ પરથી કોઠારીયા આણંદપરના રજપૂત શખ્સો શૈલેષ ડાયાભાઇ પરમાર, ગિરીશ ડાયાભાઇ પરમાર, સુરાભાઇ પરમારનો છોકરો તથા સુરેશ કડવાભાઇ પરમાર વિરૂધ્ધ ગુનો નોંધ્યો હતો.

નથુભાઇના કહેવા મુજબ બે દિવસ પહેલા પોતે દૂધની ગાડી લઇને જતાં હતાં ત્યારે રજપૂત શખ્સો કારમાં બંબાટ ઝડપે નીકળ્યા હતાં અને પોતાના વાહનને જોરદાર કાવો માર્યો હતો. આ વખતે અકસ્માત સર્જાતા રહી ગયો હતો. ત્યારે માથાકુટ થઇ હતી. તેનું મનદુઃખ ચાલતું હોઇ ખાર રાખી ગત સાંજે સાડા આઠેક વાગ્યે પોતે પોતાની ડેરીએ હતાં ત્યારે શૈલેષ સહિતનાએ આવી તલવાર, ધારીયા, પાઇપથી હુમલો કર્યો હતો. જેમાં પોતાના એક હાથ અને બંને પગમાં ફ્રેકચર થઇ ગયું હતું. જ્યારે પિત્રાઇ ભાઇને મુંઢ માર લાગ્યો હતો.

કુવાડવા પોલીસે આરોપીઓને ઝડપી લેવા તજવીજ કરી છે.

(1:04 pm IST)