Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

રાજકોટના રેખાબેન વાઘેલા પર ભરૂડીમાં જમાઇ જયપાલ સરવૈયાનો પાઇપથી હુમલો

આઠ માસ પહેલા જ પરણેલી ભાવિકા છ માસથી રિસામણે છેઃ પોતાના ડોકયુમેન્ટ, કપડા લેવા માતાને લઇ સાસરે જતાં માથાકુટ

રાજકોટ તા. ૨૯: સહકાર મેઇન રોડ પર ખોડિયાર સોસાયટી-૭માં રહેતાં રેખાબેન  રમેશભાઇ વાઘેલા (ઉ.વ.૪૭) નામના રજપૂત મહિલા પર ગોંડલના ભરૂડી ગામમાં તેના જમાઇ જયપાલ દાનજીભાઇ સરવૈયાએ પાઇપથી હુમલો કરી માર મારતાં સારવાર માટે રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા છે. વચ્ચે પડેલી દિકરી ભાવીકાબેનને પણ મારકુટ કરવામાં આવી હતી.

રેખાબેન દાખલ થતાં હોસ્પિટલ ચોકીના સ્ટાફે ગોંડલ પોલીસનેજાણ કરી હતી. તેના દિકરી ભાવીકાબેને જણાવ્યું હતું કે મારા લગ્ન આઠ વર્ષ પહેલા જ જયપાલ સરવૈયા સાથે થયા છે. પણ બે મહિના જ હું ત્યાં રહી છુ અને છએક મહિનાથી રાજકોટ માવતરે છું. પતિ દારૂ પી હેરાન કરતો હોઇ તેમજ બીજી યુવતિ સાથે સંપર્ક રાખતો હોઇ માથાકુટ થતાં હું માવતરે આવી ગઇ હતી. હાલ છુટાછેડાની અરજી પણ મેં કરી છે. પણ સાસરિયા પક્ષે ઘરમેળે છુટુ કરી લેવાની વાત કરી હતી.

દરમિયાન મારે નોકરી માટે મારા ડોકયુમેન્ટની જરૂર હોઇ તે ભરૂડી સાસરે પડ્યા હોઇ તે અને મારા કપડા લેવા માટે ગઇકાલે હું અને મારા માતા રેખાબેન ત્યાં ગયા હતાં. ત્યારે અચાનક જ મારા પતિ જયપાલે આવી પાઇપથી હુમલો કરી મારા મમ્મીને બેફામ માર માર્યો હતો. મને પણ દિયર, સાસુએ ધોલધપાટ કરી હતી. માતાને ગોંડલ સારવાર અપાવી રાજકોટ સિવિલમાં અને ત્યાંથી ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા છે. મારા પિતા હયાત નથી. હું એક ભાઇથી મોટી છું. ગોંડલ તાલુકા પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે.

(11:56 am IST)