Gujarati News

Gujarati News

News of Wednesday, 29th January 2020

કોરોના વાઈરસઃ ડરવાની જરૂર નથી સાવચેતી જરૂરી

મહાસુદર્શન ઘનવટી-સંસમની વટી (ગળોનું ઘન)- તુલસી- કાળી દ્રાક્ષ શ્રેષ્ઠ ઉપાય છેઃ જાણીતા વૈદ્ય ડો.જયેશ પરમારે સૂચવેલ ઉપાયો

હાલમાં ફેલાયેલ કોરોના વાઈરસ (ncov-2019)ને આયુર્વેદની દ્રષ્ટિએ ઔપસર્ગિક- જનપદોધ્વંસજ વ્યાધિઓમાં લઈ શકાય કે જેમાં રોગનું સંક્રમણ sea food- સી ફૂડના ઉપયોગથી આ વાઈરસ પ્રાણીઓમાં અને પ્રાણીઓમાંથી મનુષ્યોમાં અને ત્યારબાદ મનુષ્યમાંથી મનુષ્યમાં બહોળા પ્રમાણમાં ફેલાઈ મોટા જનસમૂહને માઠી અસર ઊભી કરે છે.

આપણે સાંપ્રંત સમયમાં ડેન્ગ્યુ, ચીકનગુનિયા, સ્વાઈનફલૂ (H1N1), લેપ્ટોસ્પાઈરોસીસ, સાર્સ વગેરે વાઈરસથી ફેલાતા રોગો જોયા છે. કોરોના વાઈરસ આવો જ એક ઝડપથી ફેલાતો અને મોટા જનસમૂહને અસર કરતો અને મરડીનુંરૂપ ધારણ કરી શકે તેવો વાઈરસ છે.

આયુર્વેદ શાસ્ત્ર પ્રમાણે કોઈપણ પ્રકારના ઉપરોકત વાઈરસ રોગો સામે મનુષ્યને તેની રોગપ્રતિકારકશકિત રક્ષણ આપે છે. જે મનુષ્યની રોગપ્રતિકારક શકિત (Immanity) સારી હોય તેને આવા વાઈરસ કે જીવાણુઓ સંક્રમિત કરતા નથી.

આયુર્વેદમાં રોગ પ્રતિકારક શકિતનો આધાર જઠરાગ્નિ  ઉપર રહેલો છે અને માટે જ કહ્યું છે કે ''સર્વે રોગાદપિ મંદેગ્નૌ''

જઠરાગ્નિ મંદ થતાની સાથે જ મનુષ્યની રોગપ્રતિકારક શકિત ઘટે છે અને કોરાના વાઈરસ જેવા વાઈરસ- જીવાણુઓ જકડી લે છે. ત્યારે સામાન્ય ફલુથી શરૂ કરીને આવા વાઈરસ દ્વારા ફેંફસા, લીવર, કિડની જેવા શરીરના મહત્વના અવયવોને ફેઈલ કરીને માણસને મૃત્યુના મુખમાં ધકેલે છે.

કોરોના વાઈરસનો ફેલાવો

આ વાઈરસ ખાસ કરીને sea food- સી ફૂડના ઉપયોગથી પ્રાણીઓમાં- પ્રાણીઓમાંથી- મનુષ્યોમાં આવીને મનુષ્યોમાંથી- એકબીજા મનુષ્યોમાં શ્વાસોચ્છવાસ, છીંક, ઉધરસ, હાથ મેળવવાથી, જુદી જુદી સરફેસમાં ટચ (સ્પર્શ) કરવાથી.

આ વાઈરસથી સંક્રમિત (પીડાતા) રોગીના નાક, આંખ, મુખ કે તેને અડવાથી ફેલાતો જોવા મળે છે.

કોરોના વાઈરસના લક્ષણો

તાવ આવવો, શરદી થવી, સતત છીંક આવવી, થાક આવવા નબળાઈ લાગવી, ઉધરસ ખૂબ જ પ્રમાણમાં આવવી, ગળામાં ખારું તથા ચીકણું લાગવું, શ્વાસોચ્છવાસની ગતિ વધવી, સતત માથું દુઃખવું જેવા લક્ષણોથી શરૂ થઈ જો આ રોગ આગળ વધે તો શરીરના મહત્વના અંગો જેવા કે ફેંફસા, કિડની, લીવરને ફેઈલ કરીને માણસને મૃત્યુ સુધી લઈ જાય છે.

આ રોગથી બચવાના ઉપાયો

મહાસુદર્શન ઘનવટીની ગોળી સવાર- બપોર- સાંજ ત્રણ ટાઈમ ૧-૧ લેવી, સંશમતી વટી (ગળોનું ઘન) સવાર- બપોર- સાંજ ૧-૧-૧ લેવી, તુલસીના ૧૦ પાન + ૨ મરીનો ૧ કપ પાણી સાથે ઊકાળીને ઉકાળો સવારે નરણા પીવો. (એક વ્યકિત માટે), કાળી દ્રાસના ૧૦ દાણા રાત્રે પલાળીને સવારે તેને ચૂસવા (દિવસ દરમિયાન), આવા રોગના ફેલાવાના સમયે ઉપરોકત ઉપાયો કરવાથી રોગપ્રતિકારક શકિત વધે છે અને બચી શકાય છે.

સાવચેતીના પગલા

(૧) sea foodનો સંપૂર્ણપણે ત્યાગ કરવો (૨) સતત હાથની સફાઈ રાખવી, (૩) માસ્કનો ઉપયોગ કરવો, (૪) જનસામૂહિક કાર્યક્રમોથી દૂર રહેવું, (૫) આઈસ્ક્રીમ, ઠંડાપીણા જેવી સ્ટોર કરેલી ફ્રિઝ કોલ્ડ આઈટમ લેવાનું ટાળવું, (૬) છીંક, શરદી, સળેખમ, તાવથી પીડાતા વ્યકિતઓથી દૂર રહેવું, (૭) જરાપણ શરદી જેવું લાગે કે તરત જ સુદર્શન વટી, સંશમતીવટી, તુલસી + મરીનો ઉકાળો, રાઈ- મીઠું વાટીને નાસ લેવો, છાતી અને વાંસામાં સરસિયા તેલનું માલિશ કરી શેક કરવો.

આમ, આવા ઝડપથી ફેલાતા ગંભીર રોગોમાં જન-જનની જાગૃતિ ખૂબ જ જરૂરી છે અને ઘર- ઘરથી, લીમડો, ગુગળ, ગાયનું છાણ, કપૂર, મીઠું, નગોડ, રાઈ, લોબાન વગેરેનો ધૂપ જો કરવામાં આવે.

તો માણસથી માણસમાં આવો રોગો ફેલાતા અટકે છે અને આવા વાઈરસનો નાશ થાય છે.

સર્વે ભવન્તુ સુખિન, સર્વે સન્તુ નિરામયા ।।

સર્વે ભદ્રાણી પશ્યન્તુ, મા કશ્ચિદ દુઃખભાગ્ભવંત્।।

ડો.જયેશ એમ.પરમાર,

 વિભાગીય નાયબ નિયામકશ્રી (આયુષ), રાજકોટ

(6:25 pm IST)