Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

૧૫મી બાદ ફરીથી આજે રાજકોટમાં ભેદી દૂર્ગંધ પ્રસરીઃ પોલીસ અને ફાયર બ્રિગેડ તંત્ર ધંધે લાગ્યું

ફાયર બ્રિગેડની ટીમોએ તપાસ કરી પણ દૂર્ગંધ કયાંથી આવતી હતી તેની આ વખતે પણ ખબર ન પડી!: રૈયા રોડ, રેસકોર્ષ રોડ, હોસ્પિટલ ચોક, ધરમ સિનેમા રોડ, પોલીસ હેડકવાર્ટર સહિતના એરિયામાં દૂર્ગંધથી લોકો હેરાન થયા

રાજકોટ તા. ૨૯: શહેરમાં ૧૫ જાન્યુઆરીની વહેલી સવારે છએક વાગ્યે કિસાનપરા ચોકથી છેક હોસ્પિટલ ચોકી, કેસરી પુલ સુધી ગેસ લિક થયો હોય તેવી વિચીત્ર ભેદી દૂર્ગંધ પ્રસરી જતાં દોડધામ મચી ગઇ હતી. સવારે વોકીંગમાં નીકળતાં લોકોએ તથા બીજા લોકોએ આ દૂર્ગંધ અનુભવતાં ફાયર બ્રિગેડને જાણ કરી હતી. જો કે જુદી-જુદી ટીમોએ અલગ-અલગ સ્થળે તપાસ કરી હતી પણ દૂર્ગંધ કયાંથી આવતી હતી તે જાણી શકાયું નહોતું. આજે સવારે ફરીથી અગાઉ ૧૫મીએ અનુભવાઇ હતી તેવી જ ભેદી દૂર્ગંધ ફરી પ્રસરી જતાં લોકો હેરાન થયા હતાં. ફાયર બ્રિગેડ અને પોલીસને જાણ કરી હતી. પરંતુ દૂર્ગંધ કયાંથી આવતી હતી તે આજે પણ જાણી શકાયું નહોતું!

૧૫ જાન્યુઆરીની સવારે છએક વાગ્યે ફાયર બ્રિગેડમાં કિસાનપરા આમ્રપાલી ફાટક પાસેથી, ધરમ ટોકિઝ પાસેથી તથા હોસ્પિટલ ચોકમાંથી અલગ-અલગ લોકોએ ફોન કરી દૂર્ગંધ આવતી હોવાની જાણ કરતાં ફાયર બ્રિગેડની ટીમો તપાસ માટે દોડી હતી. કોઇ મકાનમાંથી ગેસ લિક તો નથી થયો ને? તેની તપાસ કરી હતી. તેમજ જીએસપીસીની ગેસ લાઇન તો લીક થઇ નથી ને? તે જાણવા તેની ટીમોને પણ બોલાવી હતી. જુદી-જુદી જગ્યાએ તપાસ કરવામાં આવી હતી પરંતુ દૂર્ગંધ કયાંથી આવી તે ખબર પડી નહોતી.

અગાઉની જેમ જ આજે પણ વહેલી સવારે ફરીથી ૧૫મી જેવી જ દૂર્ગંધ વાતાવરણમાં ફેલાઇ ગઇ હતી. રૈયા રોડ, હનુમાન મઢી ચોક, એરપોર્ટ રોડ, કિસનાપરા ચોક, રેસકોર્ષ રીંગરોડ, પોલીસ હેડકવાર્ટર, હોસ્પિટલ ચોક, ધરમ સિનેમા રોડ સહિતના વિસ્તારોમાં આ દૂર્ગંધ અનુભાવતાં લોકોએ ફાયર બ્રિગેડ અને પોલીસ કન્ટ્રોલ રૂમમાં ફોન કરી જાણ કરી હતી. જો કે ફાયર બ્રિગેડની ટીમોને તપાસમાં કંઇ મળ્યું નહોતું. પખવાડીયામાં બબ્બે વખત આ રીતે દૂર્ગંધ કયાંથી ફેલાઇ? તે અંગે રહસ્ય સર્જાયું છે. કેમિકલ કે ગેસ ભરેલા કોઇ ટેન્કર કે વાહનમાંથી લિકેજને કારણે આમ થયું કે પછી ભૂગર્ભ ગટરમાંથી દૂર્ગંધ આવી? તેવા સવાલો ઉભા થયા છે.

(3:21 pm IST)