Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

બાલમુકુન્દ સોસાયટીમાં સિમેન્ટ કંપનીના મેનેજર જયેશભાઇ પંજાબી પર ચાર શખ્સોએ હુમલો કર્યો

પૈસાની લેતીદેતી મામલે ફલેટમાંથી બહાર બોલાવી રાજુ કાકડીયા સહિત ચાર તૂટી પડ્યાઃ છરી બતાવી ધમકી દીધી : હુમલાથી જયેશભાઇ પંજાબી અને પરિવારજનો ફફડી ઉઠ્યા

રાજકોટ તા. ૨૯: બાલમુકુન્દ સોસાયટીમાં રહેતાં અને સિમેન્ટ કંપનીમાં મેનેજર તરીકે ફરજ બજાવતાં પંજાબી આધેડને ચાર શખ્સોએ પૈસાની ઉઘરાણી બાબતે મારકુટ કરી છરી બતાવી બીવડાવતાં મામલો પોલીસમાં પહોંચ્યો છે.

આ બારામાં ગાંધીગ્રામ પોલીસે બાલમુકુન્દ સોસાયટી-૧માં ક્રિષ્ના ફલેટમાં રહેતાં અને અલ્ટ્રાટ્રેક સિમેન્ટ કંપનીમાં મેનેજર નોકરી કરતાં જયેશભાઇ સોહનલાલ ભાટીયા (પંજાબી) (ઉ.૪૫)ની ફરિયાદ પરથી રાજુ કાકડીયા તથા ત્રણ અજાણ્યા શખ્સો સામે આઇપીસી ૩૨૩, ૫૦૪, ૧૧૪, ૧૩૫ (૧) મુજબ ગુનો નોંધ્યો છે.

જયેશભાઇએ ફરિયાદમાં જણાવ્યું છે હું સિમેન્ટ કંપનીમાં પાંચ વર્ષથી નોકરી કરૂ છું. મારે સંતાનમાં બે પુત્રી છે. ૨૬/૧ના રાતે હું, મારા પત્નિ તથા નાની દિકરી ઘરે હતાં. પત્નિ સુઇ ગયા હતાં અને હું તથા દિકરી ટીવી જોતા હતાં ત્યારે રાત્રીના અગિયારેક વાગ્યે ડોર બેલ વાગતાં મેં દરવાજો ખોલીને જોતાં બે અજાણ્યા શખ્સો ઉભા હતાં. આ શખ્સોએ 'તમારૂ નામ જયેશભાઇ છે?' તેમ પુછતાં મેંે હા પાડતાં આ શખ્સોએ 'નીચે આવો' તેમ કહેતાં હું નીચે ઉતરી કોમ્પલેક્ષના મેઇન ગેઇટ પાસે જતાં ત્યાં રાજુ કાકડીયા અને ત્રીજો એક શખ્સ ઉભા હતાં.

રાજૂ કાકડીયાને મેં ' તમે અત્યારે કેમ મને બોલાવ્યો? તેમ પુછતાં તેણે  'હું તમારી પાસે જે પૈસા માંગુ છું તે આપી દો' તેમ કહેતાં મેં કહેલ કે 'તમે જે પૈસા માંગો છો તે મારે તમારા ભત્રીજા પાસેથી લેવાના છે'. આ વાત થતાં રાજુ કાકડીયા અને સાથેના શખ્સો ઉશ્કેરાઇ ગયા હતાં અને જેમ ફાવે તેમ બોલી ઢીકા-પાટુનો માર મારવા માંડ્યા હતાં. એક શખ્સે તો નેફામાંથી છરી પણ કાઢી હતી. જેથી હું બીકનો માર્યો ભાગવા જતાં પડી ગયો હતો અને ડાબા હાથની હથેળીમાં ઇજા થઇ હતી. બાદમાં મારા ફલેટની પાછલી બારીમાંથી મારી દિકરી અને પત્નિ મને જોઇ જતાં તે બૂમાબૂમ કરવા માંડતા ફલેટના રહેવાસીઓ ભેગા થઇ જતાં માથાકુટ કરનારા બધા ભાગી ગયા હતાં અને મને સ્ટર્લિંગ હોસ્પિટલે લઇ જઇ સારવાર અપાવાઇ હતી.

ફરિયાદને આધારે એએસઆઇ આર. એચ. કોડીયાતરે વિશેષ તપાસ હાથ ધરી છે.જયેશભાઇના કહેવા મુજબ મયુરભાઇ કાકડીયાએ તેમના કાકા રાજુભાઇ કાકડીયા પાસેથી રેતી-કપચી-સિમેન્ટની ખરીદી કરી હતી. તેના રૂ. ૧૪ લાખ મયુરભાઇએ ચુકવી આપ્યા છે, આમ છતાં પોણા બે વર્ષ પછી રાજુભાઇ મધ્યસ્થી તરીકે હું રહ્યો હોઇ જેથી મારી પાસેથી આ રકમની ઉઘરાણી કરે છે. હિસાબ થઇ ગયો હોવા છતાં ઉઘરાણી થતી હોઇ જેથી પોતાને હેરાન કરવામાં આવી રહ્યા છે. મુખ્યમંત્રીના રહેણાંક વિસ્તારમા  જે રીતે હુમલો થયો તેનાથી પોતે અને પરિવારજનો ફફડી ગયા છે.

(3:21 pm IST)