Gujarati News

Gujarati News

News of Tuesday, 29th January 2019

કાલે R.M.C. નું બજેટઃ કરવેરાનો હળવો ડોઝ આપવા તૈયારી

સ્વચ્છતા માટે સફાઇવેરો તથા પાણી વેરામાં આર્થિક વધારો સૂચવી કુલ ૧૫૦૦ કરોડ આસપાસનું બજેટ સ્ટેન્ડીંગ કમિટીને કાલે મંજુરી અર્થે રજુ કરશે બંછાનિધિ પાનીઃ કોઇ મોટા પ્રોજેકટો નહી મુકાય

રાજકોટ તા.૨૯: મ્યુ.કોર્પોરેશનનું આગામી નાણાંકિય વર્ષ ૨૦૧૯-૨૦નું બજેટ આવતીકાલે સ્ટેન્ડીંગ કમિટીની મંજુરી અર્થે મ્યુ.કમિશનર બંછાનિધિ પાની દ્વારા રજુ થનાર છે ત્યારે આ બજેટમાં નાગરિકો ઉપર હળવો કરબોજનો ડોઝ આપવામાં આવનાર હોવાનું જાણવા મળ્યું છે.

આ અંગે આધારભૂત સૂત્રોનાં જણાવ્યાં મુજબ આજે મ્યુ.કમિશ્નર બંછાનિધિ પાનીએ વર્ષ-૨૦૧૯-૨૦નાં બજેટને આખરી ઓપ આપવા બેઠક યોજી હતી. જેમાં બજેટનું કુલ કદ ૧૫૦૦ કરોડ આસપાસ રાખવા અને

બજેટમાં સ્વચ્છતાને મહત્વ મળે તે માટેની યોજનાઓ સમાવવા તથા સફાઇ વેરામાં અને પાણીવેરામાં આર્થિક વધારો સૂચવવાં કવાયત હાથ ધરી હોવાનું જાણવા મળ્યું છે.

જાણવા મળ્યા મુજબ આગામી વર્ષનું બજેટને બને તેટલું વાસ્તવિક રાખવા માટે કોઇ મોટી આભાસી યોજનાઓનો સમાવેશ બજેટમાં નહી કરાય.

ગયા વર્ષના બજેટમાં ૬૦૦ કરોડનું છેટુ?

નોંધનીય છે કે ગત વર્ષે મ્યુ.કમિશ્નરે ૧૭.૨૭ અબજનું બજેટ સ્ટેન્ડીંગ કમિટીને સુપ્રત કર્યું હતુ જેમાં સ્ટેન્ડીંગ કમિટીએ સુધારા વધારા કરીને ૧૭.૬૯ અબજનું બજેટ મંજુર કરેલ.

પરંતુ આ બજેટ વર્ષનાં અંતે અવાસ્તવિક સાબિત થયાનું જાણવા મળ્યું છે કેમકે બજેટમાં સુચવાયેલી અનેક યોજનાઓ માત્ર કાગળિયા માંજ છે જેનાં કારણે કુલ ૧૭ અબજનું બજેટ ૧૧ અબજે અટકી ગયું છે. બન્ને બજેટમાં ૬૦૦ કરોડનું છેટુ રહી ગયું છે.(૧.૨૬)

(3:20 pm IST)