Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

મંડળીઓ દ્વારા ટેકાના ભાવથી ખરીદાતી મગફળીમાં કૌભાંડો દુર કરાવોઃ આવેદન

જીલ્લા કિશાન મોરચાની કલેકટરને રજુઆતઃ લાગવગ શાહી દુર કરાવો...

જીલ્લા કિસાન મોરચાના આગેવાનો વિજયભાઇ કોરાટ, ઘોઘુભા જાડેજા સહિતના અગ્રણીઓએ મગફળી સંદર્ભે કલેકટર તંત્રને આવેદનપત્ર પાઠવ્યુ ત્યારની તસ્વીર.

રાજકોટ તા.ર૯ : જીલ્લા કિસાન મોરચાના પ્રમુખ શ્રી વિજયભાઇ કોરાટની આગેવાની હેઠળ અગ્રણીઓએ કલેકટરને આવેદનપત્ર પાઠવી જીલ્લામાં જુદી-જુદી મંડળીઓ દ્વારા ટેકાના ભાવથી ખરીદાતી મગફળીના કૌભાંડ અંગ રજુઆતો કરી હતી.

આવેદનમાં ઉમેરાયુ હતુ કે, હાલમાં સરકારના આદેશ મુજબ રાજકોટ જીલ્લાની અલગ-અલગ મંડળીઓ દ્વારા મગફળીનું ખરીદકાર્ય ચાલુ છે. ટેકાના ભાવથી મગફળીની ખરીદીમાં ઘણી જગ્યાએથી અનેક જાતની ફરિયાદો થાય છે. જેમાં યાર્ડમાં દલાલો દ્વારા કમિશન લઇને મગફળીની ખરીદી થઇ રહી છે. જેમાં અમુક મંડળીઓએ ભ્રષ્ટાચાર કરેલ તેનુ ખરીદ કેન્દ્ર બંધ કરવામાં આવેલ છે. જે કાર્ય અભિનંદનીય છે પરંતુ જે કેન્દ્રો દ્વારા મગફળીનું ખરીદ કાર્ય ચાલુ છે તેમાં લાગવગશાહી દુર કરો, દુર-દુરના ગામડેથી આવેલ ખેડુતોનો દિવસો સુધી વારો આવતો નથી અને ખેડુતોને આપેલ ટોકન નિયત સમયમાં તે ખેડુતોની મગફળી ખરીદ કરી ન્યાય અપાવો, દલાલો દ્વારા યાર્ડમાંથી નબળી મગફળી ખરીદ કરી અને મંડળીઓને વેચવામાં આવે છે તેમ ઉમેરાયુ હતુ.

(4:27 pm IST)