Gujarati News

Gujarati News

News of Monday, 29th January 2018

શ્રીરામ પાર્કમાં વણિક પરિવારના ઘરમાં ૧૫II લાખની ચોરી

ટૂર્સ ટ્રાવેલ્સ સંચાલક ધીમંતભાઇ કોઠારી સપરિવાર કચ્છ-ભુજ ફરવા ગયા હોઇ ત્રણ દિવસ ઘર રેઢુ હતું : રાજકોટમાં તસ્કરોને રેઢુ પડઃ રાધે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં વિનુભાઇ પટેલના કારખાનામાં પણ ૬,૭૨,૦૦૦ની ચોરી

જ્યાં ચોરી થઇ તે વણિક વેપારી ધીમંતભાઇ મહેતાનું મકાન (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૨૯: તસ્કરોએ રજામાં તરખાટ મચાવ્યો હતો. કાલાવડ રોડ પર શ્રીરામ પાર્કમાં રહેતાં ટૂર્સ અને ટ્રાવેલ્સના સંચાલક વણિક વેપારીના ત્રણ દિવસ બંધ રહેલા મકાનને નિશાન બનાવી તસ્કરો દરવાજાના તાળા-નકુચા તોડી રૂ. ૧૫ લાખ ૫૭ હજારની મત્તા ચોરી જતાં પોલીસને દોડધામ થઇ પડી હતી.

બનાવ અંગે શ્રીરામપાર્ક-૩માં 'ડિસન્ટ' નામના મકાનમાં રહેતાં અને ઢેબર રોડ પર શ્રીમદ્ ભવનમાં બીજા માળે ડિસન્ટ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ નામે ઓફિસ રાખી વેપાર કરતાં ધીમંતભાઇ જયંતિભાઇ કોઠારી (ઉ.૫૯)ની ફરિયાદ પરથી યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધ્યો છે. ધીમંતભાઇએ પોલીસને જણાવ્યું હતું કે ૨૫/૧ના સાંજે ચારેક વાગ્યે હું તથા મારા ભાઇ જીતુભાઇ તથા પરિવારજનો કચ્છ-ભુજ ફરવા ગયા હતાં. રવિવારે ૨૮મીએ સવારે દસેક વાગ્યે અમારી બાજુમાં મકાનનું કામ ચાલુ હોઇ ત્યાં તેના માલિક ભરતભાઇ આવ્યા હોઇ તેણે મને ફોન કરી જણાવેલ કે તમારા મકાનનો નકુચો તુટેલો છે. જેથી મોં મારા ભાઇ કોૈશિકભાઇને જાણ કરતાં તેઓ મારા ઘરે પહોંચેલા અને તપાસ કરતાં ચોરી થયાની ખબર પડી હતી.

અમે તુરત જ રાજકોટ આવવા નીકળી ગયા હતાં. ઘરે આવીને જોતાં તસ્કરો નીચેના રૂમમાં તથા ઉપરના ત્રણેય રૂમમાં કબાટો ખુલ્લા-વેરવિખેર જોવા મળ્યા હતાં. નીચેના માળે રસોડામાં રૂ. ૨૦ હજાર રાખ્યા હતાં તે જોવા મળેલ નહિ. તેની બાજુના રૂમમાં પણ સામાન વેરવિખેર હતો. ઉપરના રૂમમાં કબાટમાંથી રૂ. ૩,૫૦,૦૦૦નો ડાયમંડ સેટ, રૂ. ૫૦ હજારની બે તોલાની સોનાની કડીઓ, રૂ. ૩૫ હજારની બે બંગડીઓ, રૂ. ૭૫ હજારના બે સોનાના ચેઇન, રૂ. ૬૦ હજારનું લેડિઝ કડુ, રૂ. ૭૫ હજારની સોનાની લક્કી, રૂ. ૨૦ હજારની સોનાની ચાર નાની બુટી, રૂ. ૫૦ હજારની સોનાની પાંચ લેડિઝ વીંટી, રૂ. ૩૫ હજારની સોનાની ત્રણ ગીની, રૂ. ૨૦ હજારના ચાંદીના ગ્લાસ, કડુ તેમજ રૂ. ૧ લાખની પાંચ લેડિઝ ઘડીયાળો અને રોકડા રૂ. ૭૦ હજાર જોવા મળ્યા નહોતાં.

આ ઉપરાંત બીજા રૂમમાં તપાસ કરતાં તેના કબાટમાંથી પણ ત્રણ જેન્ટસ વિંટી સોનાની, રૂ. ૫૦ હજારનો ચેઇન, રૂ. ૪૦ હજારની રાડો ઘડીયાળ, રૂ. ૧૨ હજારની ટાઇટન ઘડીયાળ, રૂ. ૧,૨૫,૦૦૦ની ટીસોટ કંપનીની કપલ વોચ, રૂ. ૭૦ હજારની જેન્ટસ ટીસોટ ઘડીયાળ, રૂ. ૨,૪૦,૦૦૦ રોકડા જોવા મળ્યા નહોતાં. આમ ૨૫ થી ૨૮ સુધી બંધ રહેલા અમારા મકાનમાં દરવાજાના તાળા નકુચા તોડી અંદર પ્રવેશી તસ્કરો રોકડા-દાગીના મળી રૂ. ૧૫,૭૦,૦૦૦ની મત્તા ચોરી ગયા છે. યુનિવર્સિટી પોલીસ મથકના પી.આઇ. જી. બી. બાંભણીયા, ડી. સ્ટાફના પી.એસ.આઇ. કડછા, હરેશભાઇ, ગિરીરાજસિંહ, અમીનભાઇ, રવિરાજસિંહ સહિતની ટીમે ડોગ સ્કવોડ-ફિંગરપ્રિન્ટ નિષ્ણાંતોને સાથે રાખી તપાસ કરી હતી.

કારખાનામાં પણ હાથફેરો

બીજા બનાવમાં આજીડેમ પોલીસ મથક હેઠળના રાધે ઇન્ડસ્ટ્રીઝ એરિયામાં આવેલા ફોર્ચ્યુન ઇન્ડસ્ટ્રીઝ નામના કારખાનામાં પણ ચોરી થઇ હતી. કારખાનાના માલિક હરિ ધવા રોડ પર ભવનાથ પાર્ક-૧, શેરી નં. ૨માં રહેતાં વિનુભાઇ પાંચાભાઇ પટેલ (ઉ.૪૮)એ પોલીસને જાણ કરતાં ગુનો નોંધાયો હતો. તસ્કરો કારખાનાના દરવાજાનો નકુચો તોડી શટર કાપી અંદરથી કોપર વાયરની રીલ ૧૯ જેનું વજન ૩૫૦ કિલો તથા બીજી ૧૫ રીલ જેનું વજન ૬૭૫ કીલો કુલ રૂ. ૪,૯૨,૦૦૦ તથા કોપરના સળીયા ૩૭૫ કિલો રૂ. ૧,૮૦,૦૦૦ના મળી કુલ રૂ. ૬,૭૨,૦૦૦ની મત્તા ચોરી ગયાનું ફરિયાદમાં જણાવાયું છે.

(4:28 pm IST)