Gujarati News

Gujarati News

News of Tuesday, 28th December 2021

વિદ્યાર્થીઓમાં સંક્રમણ વધ્યુ : શાળામાં કોરોના ગાઈડલાઈનનો ઉલાળીયો

નાની શાળામાં ક્ષમતા કરતા વધુ છાત્રો હોવાથી સોશ્યલ ડિસ્ટન્સ અને માસ્ક સહિતની બાબતોનું પાલન થઈ શકતુ નથી : શાળાઓમાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ થાય તે પૂર્વે ફી અંકે કરવા સતત ઉઘરાણીની રાવ : શાળા સંચાલકો બેજવાબદાર - વાલીઓ ચિંતાતુર : શાળાઓમાં હાજરીમાં સતત ઘટાડો

રાજકોટ, તા. ૨૮ : છેલ્લા કેટલાક સમયથી કોરોનાના કેસોમાં નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. તેમાંય ખાસ કરીને શાળાઓમાં અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓમાં કોરોનાનું સંક્રમણ ચિંતાજનક સ્તરે વધી રહ્યુ છે. શાળાઓમાં કોરોનાની ગાઈડલાઈનનો ઉલાળીયો થતો હોય તેવા દૃશ્યો સર્જાયા છે. છતાં રાજકોટ જીલ્લા શિક્ષણાધિકારી કચેરી દ્વારા ચેકીંગનું નાટક ચાલુ છે.

રાજકોટ શહેરની અનેક શાળાઓ વિદ્યાર્થીઓની ક્ષમતા કરતાં ઘણી નાની છે, નાના નાના રૂમ અને જેમાં વધુ છાત્રો કલાસરૂમમાં અભ્યાસ કરતાં હોય સોશ્યલ ડિસ્ટન્સનો સરેઆમ ભંગ થાય છે. રીશેષ અને તેમાં નાના પ્રવેશદ્વારે વિદ્યાર્થીઓ એકઠા થઈ જતાં હોય છે. એક બેન્ચમાં માત્ર એક કે બે વિદ્યાર્થીઓને બેસાડવાની ખાત્રી આપનાર ખાનગી શાળા સંચાલકો એક બેન્ચ પર ૩ કે તેથી વધુ વિદ્યાર્થીઓને બેસાડીને શિક્ષણ કાર્ય ચલાવતા હોય છે.

ખાનગી શાળાઓમાં સોશ્યલ ડિસ્ટન્સ કે માસ્ક, સેનેટાઈઝ સહિત અનેક મુદ્દાઓ ઉપર નાના વિદ્યાર્થીઓ પાસે પાલન કરાવવું શકય જણાતુ નથી. એકાતરા શાળાએ બોલાવવાના કે અન્ય પદ્ધતિ મુજબ કોરોના ગાઈડલાઈનનું પાલન કરાવવા ને બદલે રાબેતા મુજબ શિક્ષણકાર્ય ચાલુ રાખ્યુ છે. શાળાઓના પ્રવેશદ્વારે કેટલીક શાળાઓમાં સેનેટાઈઝ અને ટેમ્પરેચર ગન દ્વારા વિદ્યાર્થીઓનું નિરીક્ષણ કરવામાં આવે છે.

વાલી વર્ગમાં ચર્ચાતી વિગતો મુજબ કોરોનાના કેસમાં દિન - પ્રતિદિન વધારો થતો હોય અને ત્રીજી લહેરના જોખમને ધ્યાને લઈ ગમે ત્યારે શાળામાં પ્રત્યક્ષ શિક્ષણ બંધ થાય તેવા સંજોગોમાં ફી અંકે કરવા સતત ઉઘરાણી થતી હોય છે.

ખાનગી શાળાઓના કેટલાક સંચાલકોને  ફીમાં વધુ રસ હોય તેમજ વિદ્યાર્થીઓના આરોગ્ય કે ભવિષ્યને બદલે ફીમાં રસ લેવાની બેજવાબદારીભર્યા વલણથી વાલીઓ ચિંતાતુર બન્યા છે.

શાળાઓમાં કોરોનાના કેસ વધતા હજારો વાલીઓએ તેમના સંતાનોને શાળાએ મોકલવાનું બંધ કર્યુ છે અને ફરી પાછા ઓનલાઈન શિક્ષણ મેળવી રહ્યા છે.

(3:14 pm IST)