Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

ભકિતનગર સર્કલ પાસેની ખાઉ ગલીમાં 'હિટ એન્ડ રન': દોઢ વર્ષના વંશનું મોત

માતા-પિતા શાકભાજી વેંચવા આવ્યા હોઇ વંશ તેની મોટી બહેન સાથે રમતો'તોઃ કાર ચાલક ઠોકરે લઇ ભાગી ગયો

રાજકોટ તા. ૨૮: ભકિતનગર સર્કલ પાસેની ખાઉ ગલીમાં શાકભાજી વેંચવા આવેલા ખોખડદળ નદીના પુલ પાસે વેલનાથપરામાં રહેતાં કોળી દંપતિના ૧ાા વર્ષના પુત્ર વંશનું હિટ એન્ડ રનની ઘટનામાં મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે.

જગદીશભાઇ વાઘજીભાઇ સુરેલા અને તેના પત્નિ સુમિતાબેન દરરોજ પોતાના પુત્ર અને પુત્રીને સાથે લઇ ભકિતનગર સર્કલની ખાઉ ગલી પાસે શાકભાજી વેંચવા આવે છે. આજે બપોરે તેનો પુત્ર વંશ (ઉ.વ.૧ાા) મોટી બહેન સાથે નજીકમાં રમતો હતો ત્યારે એક કાર પુરપાટ ઝડપે આવી હતી અને વંશને ઠોકરે લઇ જલારામ ચોક તરફ ભાગી ગઇ હતી. ગંભીર ઇજાગ્રસ્ત વંશને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. પરંતુ અહિ મૃતદેહ જ પહોંચ્યાનું જાહેર થતાં કલ્પાંત સર્જાયો હતો.

લાડકવાયાના મોતથી પરિવારજનો શોકમાં ગરક થઇ ગયા હતાં. પોલીસે કાર ચાલકની શોધખોળ હાથ ધરી છે.

(4:05 pm IST)