Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

મહાપાલિકાના મુખપત્રમાં લોકોના ખર્ચે ભાજપનો પ્રચાર

ચૂંટણી સમયે સ્માર્ટ ભાજપીઓનો 'વાઇબ્રન્ટ રાજકોટ' ખેલ : ૫૫ પાનાના ફોરકલર હાઇફાઇ મેગેઝીનમાં કોંગ્રેસ કયાંય નથી ! : સતત અનિયમિત રહેતુ મેગેઝિન ચૂંટણી વખતે નિયમિત થઇ ગયું!

રાજકોટ તા. ૨૮ : મહાનગરપાલિકાઓની ચૂંટણી આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જ રાજકોટ મહાનગરપાલિકાનું 'મુખપત્ર' વાઇબ્રન્ટ રાજકોટ જે અનિયમિત છે. તે આ વર્ષે ચૂંટણી અગાઉ નિયમીત રીતે પ્રસિધ્ધ થયું છે અને તેમાં માત્ર ભાજપના જ પદાધિકારીઓ - કોર્પોરેટરોના કલર ફોટાગ્રાફ અને તેમની જ વાહવાહી કરતા લેખો પ્રસિધ્ધ થતાં પ્રજાના પૈસે ભાજપનો પ્રચાર આ મેગેઝીનમાં થયાની છાપ ઉપસી હોવાનું શહેરીજનોમાં ચર્ચાઇ રહ્યું છે.

આ અંગે લોકોમાં થઇ રહેલી ચર્ચા મુજબ મહાનગરપાલિકા દ્વારા દર મહીને 'વાઇબ્રન્ટ રાજકોટ' નામનું મુખપત્ર મેગેઝીન પ્રસિધ્ધ થાય છે જે ચાલુ વર્ષે અત્યાર સુધી પ્રસિધ્ધ થયું જ નહતું અને હવે ચૂંટણીને આડે ૧ાા મહીનો બાકી છે. મ.ન.પા.માં વહીવટદાર રાજ છે એવા વખતે જ આ 'વાઇબ્રન્ટ રાજકોટ'નો ૧૯મો અંક ડિસેમ્બરમાં એટલે કે ચાલુ વર્ષના અંતમાં પ્રસિધ્ધ કરાયો છે.

આ અંકના મુખપૃષ્ઠમાં મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીના સંપૂર્ણ કદનો ફોટો મુકવામાં આવ્યો છે.  ત્યારબાદ મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલ અને મેયર બીનાબેન આચાર્યના સંપાદકિય લેખ પ્રસિધ્ધ કરાયા છે અને પછીના તમામ પાનાઓ પદાધિકારીઓ અને કોર્પોરેટરોના કલરફુલ ફોટોગ્રાફથી દેવામાં આવ્યા છે. જેમાં રસ્તા, ફુટપાથ, વિવિધ બાંધકામોના ખાતમુહુર્તો અને લોકાર્પણોના જ ફોટોગ્રાફસ છે. જો કે તેમાં વિપક્ષી નેતા કે વિપક્ષ કોંગ્રેસના એક પણ કોર્પોરેટરોએ કરેલા ખાતમુહુર્તો અને વિકાસકામોના ફોટોગ્રાફ તો ઠીક ઉલ્લેખ પણ નથી !!

અત્યાર સુધી અનિયમિત રહેલું મહાપાલિકાનું મુખપત્ર કે જે પ્રજાના લાખો રૂપિયા ચૂકવીને પ્રસિધ્ધ થાય છે તે મહાનગરપાલિકાની ચૂંટણી વખતે જ આ પ્રકારે ઓચિંતુ પ્રસિધ્ધ કરવામાં આવ્યું અને તેમાં માત્ર ભાજપના જ નેતાઓના ફોટાઓ મુકી જાણે આ કોર્પોરેશનનું નહી પરંતુ ભાજપનું મુખપત્ર હોય તે રીતે બુધ્ધિપૂર્વક સમયસર પ્રસિધ્ધ કરવામાં આવતા આ બાબત બુધ્ધિજીવીઓની ચર્ચાના એરણે ચડી છે.

કેમકે મહાનગરપાલિકાએ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થા છે. તેમાં ચૂંટાયેલા લોકો માત્ર તેનાં ટ્રસ્ટી છે. તેથી તેમાં કોઇપણ રાજકીય પક્ષની વાહવાહી થાય તે પ્રકારની પ્રસિધ્ધી હાલ જ્યારે વહીવટદાર શાસન છે ત્યારે ન થાય તે જોવું જરૂરી છે. જો આ બાબતે અન્ય રાજકીય પક્ષો વાંધો ઉઠાવે તો રાજ્ય ચૂંટણીપંચ પણ આ બાબતની નોંધ લઇ ગંભીર કાર્યવાહી કરી શકે તેવા એંધાણ વર્તાઇ રહ્યા છે.

(3:38 pm IST)