Gujarati News

Gujarati News

News of Monday, 28th December 2020

દિવ - રાજકોટની ઉષ્માસભર યજમાની માણી રાષ્ટ્રપતિ દિલ્હી જવા રવાના : કલેકટર - સીપી દ્વારા ભાવભરી વિદાય

એર ઇન્ડિયાએ કાઠીયાવાડી નાસ્તો પીરસ્યો : કુલ પાંચ હેલીકોપ્ટરનો કાફલો

રાજકોટ તા. ૨૮ : રાજકોટમાં ૨૫મીએ ટુંકુ રોકાણ અને દિવમાં ત્રણ દિવસની મુલાકાત તથા બંને શહેરમાં ભવ્ય ઉષ્માસભર યજમાની માણી ભારતના રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી - ધર્મપત્ની શ્રી સવિતાદેવી તથા ૬૦ થી ૭૦ અધિકારીઓઓ કાફલો આજે બપોરે ૧૧.૩૦ વાગ્યા બાદ રાજકોટ એરપોર્ટ પરથી દિલ્હી જવા રવાના થયા હતા.

રાષ્ટ્રપતિ શ્રી રામનાથ કોવિંદજી ખાસ હેલીકોપ્ટર મારફત બપોરે ૧૧.૩૦ વાગ્યે રાજકોટ આવી પહોંચ્યા બાદ માત્ર ૧૦ મીનીટનું રોકાણ કરી એરફોર્સના ખાસ બોઇંગ મારફત દિલ્હી જવા રવાના થયા હતા.

રાષ્ટ્રપતિને રાજકોટ એરપોર્ટ પર કલેકટર શ્રી રેમ્યા મોહન, પોલીસ કમિશનરશ્રીએ આવકાર્યા બાદ તુર્ત જ ભાવભરી વિદાય આપી હતી, તેમને ઓનબોર્ડ એર ઇન્ડિયા દ્વારા કાઠીયાવાડી સ્નેકસ અપાયો હતો.  રાષ્ટ્રપતિના આગમન સંદર્ભે સરકીટ હાઉસ, કલેકટર કચેરી, સિવિલ હોસ્પિટલ ખાતે કન્ટ્રોલરૂમ, હોટલાઇન ચાલુ રખાયા હતા, એરપોર્ટ - સિવિલ હોસ્પિટલ - સરકીટ હાઉસ ખાતે અને તે રૂટ ઉપર જડબેસલાક પોલીસ બંદોબસ્ત પણ રખાયો હતો.

(11:09 am IST)